સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર !
નર્મદ

પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

9 Comments »

  1. Daxa sanghavi said,

    December 17, 2023 @ 10:44 AM

    લખાતા વંચાતા શબ્દ ના હકારાત્મક પ્રભાવ ની આ અભિવ્યક્તિ શબ્દ પ્રત્યેના આસ્થા આદર અને પ્રેમ ને વધુ દ્ર્ઢ કરનાર

  2. ravindra parekh said,

    December 17, 2023 @ 10:45 AM

    આ સારો ઉપક્રમ છે.
    અભિનંદનો અને શુભેચ્છાઓ.
    આવી જ રીતે કવિને ગમતી કવિતા કઈ તે તેના જ શબ્દોમાં કારણો સહિત જાણી શકાય. પોતાને ગમતી ન હોય તે કવિતા કવિ લખે નહીં, પણ કોઈ એક જ કવિતા કવિએ પસંદ કરવાની આવે ને તે કેમ ગમે છે તે કહેવાનું આવે તો કવિની કસોટી થાય ને ભાવકને ઉત્તમ કવિતા મળે તે નફામાં. આવી કવિતાનો સંચય પણ થઈ શકે.
    આભાર.
    રવીન્દ્ર પારેખ

  3. Parbatkumar nayi said,

    December 17, 2023 @ 11:08 AM

    આખોય ઉપક્રમ ગમ્યો
    આભાર
    સૌને ખૂબ શુભેચ્છાઓ

  4. Sweety Ganatra said,

    December 17, 2023 @ 11:58 AM

    કવિતામાં કવિએ શબ્દો દ્વારા કરેલ ભાવનાઓ નું નિરૂપણ જ્યારે વાચકને પોતીકુ લાગવા લાગે ત્યારે કવિતા અમર થઈ જાય છે . લયસ્તરો પર પ્રેરણાપુંજની શરૂઆત ખુબ સરાહનીય,ખૂબ અભિનંદન

  5. Vipul Joshi said,

    December 17, 2023 @ 1:58 PM

    હકારાત્મક અભિગમનો ખૂબ સરસ ઉપક્રમ. સમગ્ર ટીમને અભિનંદન અને સુકામનાઓ.
    આશા છે કે આ ઉપક્રમથી પ્રેરણા લઇને જીવનમાં આવો જ સકારાત્મક એપ્રોચ કેળવાય.

  6. બાબુ સંગા઼ા said,

    December 17, 2023 @ 5:56 PM

    આખો ઉપક્રમ ખૂબ સરસ રહ્યો.જીવનમાં એક કલિતા કેટલી
    કારગત નિવડી તે કવિઓએ સરસ રીતે ભાવનાત્મક દ્દષ્ટિકોણ રજુ કર્યો છે.

  7. Dhaval Shah said,

    December 17, 2023 @ 7:14 PM

    શબ્દની શક્તિનો આનથી વધારે પરચો શું હોઈ શકે?

    કવિતા સૂરજ નથી કવિતા તો કોડીયું છે.

    એક કોડિયું જ બીજા કોડીયાને પ્રજ્વલિત કરી શકે છે. ત્યાં સૂર્ય કામમાં આવે નહિ. અંધકારમાં પોતાની સાથે લઇ જવા તો કોડિયું જ ખપ લાગે. સૂર્યને કાખમાં લઈને ફરાય નહિ.

  8. Jayshree Merchant said,

    December 18, 2023 @ 10:38 AM

    વિવેકભાઈ, કેટલો સરસ ઉપક્રમ? વાંચવાનો ખૂબ આનંદ.

  9. Poonam said,

    February 2, 2024 @ 12:47 PM

    Umda Viveki Prayas sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment