કેમ મનાવું? – પુષ્કરરાય જોષી
મનને કેમ મનાવું?
કંઠે બાઝ્યો ડૂમો તોયે
ગીત અધૂરું ગાવું…
મીઠા કોકિલ પંચમ સૂરે
દિલમાં દર્દ ઘૂંટાય,
શીતલ મન્દ મલયની લહરે
લાગે ઊની લહાય;
મીઠી મીઠી મહેક હવાની
કેમ ફરીથી લાવું?
ગુલમહોરી યાદોના જખમો
રૂંવે રૂંવે ડંખે,
એકલતાના રણમાં હૈયું
તોયે મૃગજળ ઝંખે,
શાણો સમજે છોને દુનિયા
ખુદને કેમ મનાવું?
– પુષ્કરરાય જોષી
પ્રિયજનની યાદની બે તાસીર છે. એક તરફ તો એ જીવનની એકલતામાં ગુલમહોરી રંગો અને સુંવાળપ ભરે છે, પણ બીજી તરફ એ જખ્મો બનીને વળી રૂંવે રૂંવે ડંખે છે. આવામાં મનને મનાવવું તો અઘરું છે જ પણ જિંદગી જીવવાનું ત્યાગી પણ દેવાતું નથી એટલે ગળે ભલે ને ડૂમો કેમ ન બાઝ્યો હોય, અધૂરું રહી ગયેલું ગીત ગાવું તો પડે જ છે. કોયલનો મીઠો સ્વર પણ દર્દ ઘૂંટનાર બની રહે છે, શીતલ મંદ પવન પણ ઊની લ્હાય બનીને દાઝે છે… મીઠી હવાની મહેંક તો ત્યજી ગઈ છે, એને પરત ક્યાંથી લાવવી એ સવાલ છે… એકલતાનું રણ અફાટ અસીમ વિસ્તર્યું હોય ત્યારે પ્રિયજનની ઉપસ્થિતિ મૃગજળથી વિશેષ કંઈ નથી એ મન જાણતું હોવા છતાં મન મૃગજળને ઝંખે છે… આભાસ તો આભાસ પણ નજરની સામે તો હોય! વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં કેવી સ-રસ રીતે આલેખી છે!