કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

કેમ મનાવું? – પુષ્કરરાય જોષી

મનને કેમ મનાવું?
કંઠે બાઝ્યો ડૂમો તોયે
ગીત અધૂરું ગાવું…

મીઠા કોકિલ પંચમ સૂરે
દિલમાં દર્દ ઘૂંટાય,
શીતલ મન્દ મલયની લહરે
લાગે ઊની લહાય;
મીઠી મીઠી મહેક હવાની
કેમ ફરીથી લાવું?

ગુલમહોરી યાદોના જખમો
રૂંવે રૂંવે ડંખે,
એકલતાના રણમાં હૈયું
તોયે મૃગજળ ઝંખે,
શાણો સમજે છોને દુનિયા
ખુદને કેમ મનાવું?

– પુષ્કરરાય જોષી

પ્રિયજનની યાદની બે તાસીર છે. એક તરફ તો એ જીવનની એકલતામાં ગુલમહોરી રંગો અને સુંવાળપ ભરે છે, પણ બીજી તરફ એ જખ્મો બનીને વળી રૂંવે રૂંવે ડંખે છે. આવામાં મનને મનાવવું તો અઘરું છે જ પણ જિંદગી જીવવાનું ત્યાગી પણ દેવાતું નથી એટલે ગળે ભલે ને ડૂમો કેમ ન બાઝ્યો હોય, અધૂરું રહી ગયેલું ગીત ગાવું તો પડે જ છે. કોયલનો મીઠો સ્વર પણ દર્દ ઘૂંટનાર બની રહે છે, શીતલ મંદ પવન પણ ઊની લ્હાય બનીને દાઝે છે… મીઠી હવાની મહેંક તો ત્યજી ગઈ છે, એને પરત ક્યાંથી લાવવી એ સવાલ છે… એકલતાનું રણ અફાટ અસીમ વિસ્તર્યું હોય ત્યારે પ્રિયજનની ઉપસ્થિતિ મૃગજળથી વિશેષ કંઈ નથી એ મન જાણતું હોવા છતાં મન મૃગજળને ઝંખે છે… આભાસ તો આભાસ પણ નજરની સામે તો હોય! વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં કેવી સ-રસ રીતે આલેખી છે!

7 Comments »

  1. હર્ષદ દવે said,

    December 22, 2022 @ 12:50 PM

    સરસ ગીત. કવિને અને સરસ આસ્વાદ માટે આપને અભિનંદન.

  2. krunal Joshi said,

    December 22, 2022 @ 8:56 PM

    ખૂબ સુંદર ગીત

  3. pragnajuvyas said,

    December 22, 2022 @ 10:20 PM

    ‘શાણો સમજે છોને દુનિયા
    ખુદને કેમ મનાવું?’ કવિશ્રી પુષ્કરરાય જોષીના ગીતે આંખ નમ.
    મૃત્યુ એક એવી અનિવાર્ય ઘટના છે જેનાથી આપણે દરેક જણ પરિચિત છીએ છતાંય એના વિષે વાત કરવી આપણને એટલી જ અપ્રિય છે.મૃત્યુની ઘટના જનારની પાછળ રહી જનારા માટે ઘણી વેદના લાવતી હોય છે.મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સામાન્ય રીતે જ્યારે જયારે આ ઘટના ઘટે છે ત્યારે વ્યક્તિ આ કારુણ્ય ઘટનાનો સામનો કરે છે તેનો પ્રથમ પ્રતિસાદ આ ઘટનાનો અસ્વીકાર હોય છે. આ મુંઝવણમાંથી જાગે છે એક એવો ભસ્મીભૂત કરી નાખનાર ગુસ્સો. અગાઢ ખાલીપાને એક કામચલાઉ સેતુથી જીવન સાથે જોડવાનો, એક ફરજિયાત તોય વ્યર્થ પ્રયાસ; પોતાના ભૂતકાળને બદલીને, જનારને પાછા લાવવાની ચાહના ચોક્કસપણે ઊભી થાય એ સ્વાભાવિક છે.પણ આ સામનો એને વ્યાવહારિકતાને બદલે હતાશા તરફ ધકેલે છે. દુઃખી દિલ ખૂબ મજબૂરી અનુભવે છે. દરેક વ્યક્તિ અલગ છે અને તે પોતાનું દુઃખ અલગ રીતે વેદે છેે. આસ્વાદમા ડૉ વિવેક કહે છે તેમ વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં સ-રસ રીતે આલેખી છે!

  4. Aasifkhan.aasir said,

    December 22, 2022 @ 11:56 PM

    વાહ ખુબ સરસ
    સરસ. આસ્વાદ

  5. Bharati gada said,

    December 23, 2022 @ 7:57 AM

    વાહ ખૂબ સુંદર ગીત 👌

  6. Bharati gada said,

    December 23, 2022 @ 7:59 AM

    ખૂબ સુંદર ગીત, ખૂબ સરસ આસ્વાદ 👌

  7. Pravin Shah said,

    December 23, 2022 @ 10:27 PM

    વાહ ! વાહ ! અને વાહ ! …….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment