આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.
- વિવેક મનહર ટેલર

ગઝલ – અમૃત ઘાયલ

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.

આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શુ કહેશે ! બસ એ જ વિચારે ઊભો છું.

આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.

સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું !
જાકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું.

સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત દશા મારીય હવે,
કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.

જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.

– અમૃત ઘાયલ

ગમે એટલી નવી ગઝલો  કેમ ન વાંચીએ, જૂની ગઝલ અને જૂની શરાબનો નશો કંઈ ઓર જ હોય છે !!

5 Comments »

  1. amirali khimani said,

    August 25, 2011 @ 6:22 AM

    ઘાયલ્ મરિઝ્., બેફામ શૈખાદમ આપ્ના લાદિલા શાય્રઅર ે અમ્નિ બધિજ રચ્ના દિલ્પર ચોત્ત્ત આપે તેવિ હોય્ચ્હે . શયેદા , શુનય ,ખબરદાર જેવા કવિ ગુજ્રઅરાતિ ના અતિ લોક્પ્રિય ચ્હે. જેમ્ને આપ્નિ ભાશઆને પોતાના પરાન અપિયચે ગુજરતિના આ હિરલાને કેમ ભુલિશકિયે.

  2. Dhruti Modi said,

    August 25, 2011 @ 8:54 PM

    ખૂબ જ સુંદર ગઝલ.

    સાચે જ જનાજા જેવી છે, ઍ દોસ્ત દશા મારીય હવે,
    કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.

    જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોંચેથી ફેંકાઈ જતાં,
    ઍકાદ ઘડી આ તો ઍમ જ આવીને મિનારે ઊભો છું.

    વાહ્ અદ્ભુત!!

  3. Maheshchandra Naik said,

    August 25, 2011 @ 11:26 PM

    શ્રી ઘાયલ સાહેબને સલામ, ઘણી ગઝલોમાથી ચોટદાર ગઝલ અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર…………….

  4. Deval said,

    August 26, 2011 @ 12:29 AM

    ઘાયલ ની કલમે થી અદભુત ના મળે તો “વાહ, અદભુત” મળે … મજા પડી ગયી આ રચના વાંચી ને, આઠો જામ ખુમારી કોઈ ને વાંચવા દીધી હોઈ હું આ રચના ઘણા સમય થી શોધતી હતી….ખુબ ખુબ ખુબ ધન્યવાદ વિવેક સર ને…. સર ક્યારેક રાજકોટ આવો તો લયસ્તરો ના રાજકોટ ના ભાવકો આપ ને ઘાયલ ચોક માં પણ લઇ જાશે….!

  5. kishoremodi said,

    August 26, 2011 @ 8:55 AM

    સરસ મઝાની સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment