હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

(કારણ મને ગમે છે) – અમૃત ઘાયલ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

– અમૃત ઘાયલ

હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…

6 Comments »

  1. Prahladbhai Prajapati said,

    July 30, 2020 @ 9:41 AM

    સુપેર્બ

  2. pragnajuvyas said,

    July 30, 2020 @ 11:49 AM

    આપણને કોઇની આંખ ગમે છે, કારણ કે એ ગમે છે બસ !
    અફલાતુન!
    પ્રણયમાં સૌથી વધારે મહત્ત્વ આંખનું છે. પહેલા આંખ મળે પછી જુગ્યુલર વેઇન દ્વારા દિલને ગમે…
    યાદ આવે તેમની જ વાત
    આંખનું ઊંડાણ અગાધ છે. આગ સાથે ખેલાય,
    આંખ સાથે ન ખેલાય., ખોવાઇ જવાય.
    નયન સાથે એને રમવા ન મેલો,
    હૃદય સાવ બાળક છે, ખોવાઇ જાશે -અમૃત ‘ઘાયલ’
    તમારી આંખે શરાબ છલકે,
    અમારી આંખે ખુમાર આવે ! -‘શયદા’
    ‘ મીર’ ઉન નીમબાઝ આંખોમેં,
    સારી મસ્તી શરાબ કી સી હૈ
    બેસાખ્તા નિગાહે જો આપસમેં મિલ ગઇ,
    ક્યા મૂંહપે ઉસને રખ લીયે, આંખે ચુરાકે -હાથ !-નિઝામ રામપુરી
    માત્ર આંસુઓ જ જોયા છે તમે,
    આંખ એની વાંચવા જેવી હતી. -નિનાદ અધ્યારૂ
    એક જંગલ હૈ તેરી આંખમેં,
    મૈં જહાં રાહ ભૂલ જાતા હૂં -દુષ્યંતકુમાર

  3. ketankumar said,

    August 1, 2020 @ 5:59 AM

    ખુબ સુન્દર રચના ઘાયલ સાહેબની

  4. Anil Shah.Pune said,

    August 26, 2020 @ 11:44 PM

    કાજલ કાળા નયનો માં નાખેલાં,
    કામણગારુ બંનેનું મિલન,
    મ્હેક મહેંદીની, હાથની હથેળીમાં,
    એમાં મારું હસ્તધૂનન,
    ગાલ ગુલાબી તડકો તાપી,
    એમાં આ પરસેવા નું ચુંબન,
    જામેલી તારી કસાયેલી કમર,
    એમાં નજરો મારી તિક્ષણ,
    જીવતેજીવ મારું અનિલ,
    થઈ ગયું મરણ…..

  5. Narendra H Shah said,

    November 26, 2021 @ 9:56 AM

    હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…

    અફલાતૂન excuse…. 🙏🙏🙏…. ઘાયલ સાહેબને હજારો પ્રણામ 🙏🙏🙏🙏🙏

  6. વિવેક said,

    November 27, 2021 @ 12:15 AM

    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment