આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
- વિવેક મનહર ટેલર

શાયર છું – ‘ઘાયલ’

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

– ‘ઘાયલ’

ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !

6 Comments »

  1. Pinki said,

    August 27, 2008 @ 12:57 AM

    શાયરથી શંકર સુધીની અદ્.ભૂત અધ્યાત્મિક સફરની શબ્દયાત્રા….
    સળંગસૂત્રતાને કારણે ખૂબ જ આનંદિત સફર….

  2. Pinki said,

    August 27, 2008 @ 2:12 AM

    શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,

    શબ્દ છું તો શબ્દનો અક્ષર વળી અધ્યાત્મ ‘અક્ષર’ પણ-
    અક્ષરને દ્વિઅર્થી રાખી શેર ઓર મજેદાર……

  3. Shah Pravinchandra Kasturchand said,

    August 27, 2008 @ 7:52 AM

    શબ્દથી ઘાયલ કરે અને અંતરથી અમૃત પાય;
    જ્યાં આ બન્ને થાય, ત્યાં અમૃત ઘાયલ દેખાય.

  4. પંચમ શુક્લ said,

    August 27, 2008 @ 12:23 PM

    સુઁદર ગઝલ.

  5. pragnaju said,

    August 29, 2008 @ 6:01 AM

    મઝાની ગ્ઝલ
    શબ્દથી ઘાયલ કરે અને અંતરથી અમૃત પાય;
    જ્યાં આ બન્ને થાય, ત્યાં અમૃત ઘાયલ દેખાય.
    વાહ્

  6. Pratik Chaudhari said,

    August 30, 2008 @ 6:00 AM

    તુ ઘાયલ હતો, હજીય હોવાનો;
    તુ સનાતન છું,તુ સદંતર છું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment