લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
ઘાયલ

ને એક છે ઉતારો – અમૃત ‘ઘાયલ’

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.

મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?

મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.

જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મે’માન છે હજારો ને એક છે ઉતારો.

દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.

જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.

એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.

ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ‘ઘાયલ’ એ તારો છે તિખારો.

– અમૃત ઘાયલ

કહેવાતું કે ઘાયલ જેટલા કાફિયા જડી આવે એ બધા પર શેર કરતા એટલે ગઝલો બહુધા લાં..બી થતી. જીવનવીણા, સાકી-શરાબ જેવા ભરતીના બે’ક શેરોને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ અફલાતૂન. મનુષ્યના પતન માટે બીજું કોઈ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને જાતમાંથી નીકળી શકાય તો કિનારા તો ચારેતરફ છે જ છે વાળી વાત ઘાયલ જ આવી સહજતાથી કરી શકે. ગેસ્ટહાઉસ જેવા દિલમાં ઉતારાની વાત હોય, કે ગમથી કદી છૂટકારો મળનાર ન હોવાની સ્વીકૃતિની વાત હોય- ઘાયલ લાજવાબ છે. કિનારો સ્વયં ડૂબનારને શોધે એ શેર તો સર્વકાલીન શ્રેષ્ઠ છે.

એક આડવાત… મનુષ્યહૃદયના ભાવોને ભાષા નડતી નથી હોતી એટલે એક જ ભાવ લગભગ કોપી-પેસ્ટ કર્યો ન હોય એવી રીતે ઘણીવાર અલગ-અલગ ભાષાની કવિતામાં જોવા મળતી હોય છે. ‘જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે’ – આ પંક્તિ જુઓ… કંઈ યાદ આવે છે? ‘દિલ સે’ ફિલ્મમાં ગુલઝાર આ જ લખે છે,’દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.’ ગુલઝાર શું ઘાયલમાંથી ઊઠાંતરી કરવા ગયા હશે? ના… લાગણીઓની સમાનતાની જ આ કમાલ છે.

3 Comments »

  1. Maheshchandra Naik said,

    May 14, 2017 @ 12:14 AM

    સરસ,સરસ્,સરસ્………ઘાયલ સાહેબને સલામ…….

  2. Rakesh Thakkar, Vapi said,

    May 14, 2017 @ 12:47 AM

    વાહ! સરસ !
    ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

  3. Jayendra Thakar said,

    June 6, 2017 @ 11:19 AM

    શમ્મા જેને શોધતી હતી તે પરવનો “ઘાયલ” હટો!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment