હર સમસ્યાઓના મૂળમાં હોય છે,
આપણી ઈચ્છાનાં માયાવી હરણ.
ઉર્વીશ વસાવડા

શું કરું! – અમૃત ઘાયલ

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !
અધવચે અટકું નહીં તો શું કરું !

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું !

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું !

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
હું મને ખટકું નહીં તો શું કરું ?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહીં તો શું કરું !

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહીં તો શું કરું !

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહીં તો શું કરું !

– અમૃત ઘાયલ

 

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં……. – એવું લાગ્યું કે જાણે શાયર મારા દિલમાં ઝાંકી શકે છે !!!

3 Comments »

  1. pragnajuvyas said,

    March 30, 2020 @ 11:37 AM

    શું કરું ! ગઝલના બાદશાહ અમૃત “ઘાયલ”ના બધાજ શેર લાજવાબ છે.
    મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. તેમના શબ્દોમા “ જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; પછી થોડું ઘણું એને મઠારું છું.
    ‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
    હું મને ખટકું નહીં તો શું કરું ?
    આફ્રીન
    યાદ આવે કુંતલની ગઝલ
    વસહરા માફક તપતા રણને સાચવીને શું કરું ?
    છળ છે જે, એ મૃગજળને સાચવીને શું કરું ?

    જ્યાં નથી સંભાવના વસવાટની કંઈ પણ હવે,
    એવા ઉજ્જડ શા નગરને સાચવીને શું કરું ?

    ભીડમાં પણ જ્યાં સદા ખાલીપો ભીંસાતો રહ્યો,
    સૂની એ ભરચક ડગરને સાચવીને શું કરું ?

    ટોળાની પાછળ જ જે ચાલ્યા કરે, ઘેટાં બની,
    મૂર્ખ એવા બે ચરણને સાચવીને શું કરું?

    સમજે નઈ જે માણસાઈ, પૂજા પથ્થરની કરે,
    અંધ એવા આ ધરમને સાચવીને શું કરું ?

    માછલી છું એક ખારા પાણીમાં વસતી હું, તો
    મીઠા પાણીની તરસ સાચવીને શું કરું?

    એક’દી બાવળનાં કાંટે ફૂટશે રાતી કળી,
    રોજ રાતે એ ભરમને સાચવીને શું કરું ?

  2. Prahladbhai Prajapati said,

    March 31, 2020 @ 7:56 AM

    સુપેર્બ્

  3. PALASH SHAH said,

    April 11, 2020 @ 6:37 AM

    સુન્દર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment