હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

નદી-કાંઠે – હર્ષદ ચંદારાણા

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે

અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે

દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે

ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?

છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે

– હર્ષદ ચંદારાણા

કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:

આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)

लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)

20 Comments »

  1. PRANAY VAGHELA said,

    July 13, 2024 @ 4:18 PM

    ખૂબ જ સરસ ગઝલ. અને કાફિયાની પસંદગી તેમ જ કાફિયાને રદીફ સાથે જે સહજતાથી ભળી જતા અનુભવાય છે એ જ ગઝલકારની કાબેલિયતનું સાક્ષાત પ્રમાણ છે. ચંદારાણા સાહેબને શબ્દાંજલી. 💐

  2. Varij LUHAR said,

    July 13, 2024 @ 4:23 PM

    વાહ. સરસ ગઝલ. આ ગઝલનો મેં
    જે તે સમયે આસ્વાદ કરેલ.. નદી કિનારે સૂર્યોદય થવાની વાત મેં કલ્પેલ

  3. પીયૂષ ભટ્ટ said,

    July 13, 2024 @ 7:51 PM

    વાહ વાહ, કાબિલે દાદ ગઝલ.નદી ઉપરની બન્ને કાંઠાની ઘણી ગઝલરચનાઓ હર્ષદભાઈ પાસેથી મળી છે. કદાચ એક સંગ્રહ નું નામ પણ “નદી ને મળ્યાં પછી” છે, જેમાં નદી વિષેની જ ઘણી રચનાઓ માણવા જેવી છે.
    પ્રસ્તુત રચનામાં કોઈ ગમતી વ્યક્તિના આગમનથી જીવનમાં ફેલાઈ જતાં અજવાળાં ની વાત સુંદર રીતે સંપન્ન થઈ છે.

  4. Swati Rajiv Shah Shah said,

    July 13, 2024 @ 7:56 PM

    વાહ અને વાહ. અલગ જ કાફિયા અને ઉપરથી ગઝલનો મિજાજ 👌

  5. યોગેશ ગઢવી said,

    July 13, 2024 @ 11:30 PM

    અહા..,નમણી નજાકત 🌹

  6. Beena Goswami said,

    July 14, 2024 @ 12:27 AM

    સરસ ગઝલ..

  7. Dhruti Modi said,

    July 14, 2024 @ 3:39 AM

    સરસ રચના ! કલ્પના પણ સચોટ …..
    ‘દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું ‘ કેવી સરસ કલ્પના તરસનું બળદગાડું તરસ્યા બળદ અને હાંકનાર નજરે પડે છે

    જળપરીને જોતું ઊભું છે નાળું

    દરિયો છોકરા જેવો નખરાળો જરાયે દરિયાની બીક આપણામાંથી પણ જતી રહે છે.
    જ્યારે છોકરી જેવી નદી લજ્જાળું વાહ, નદીની કલ્પના શર્મિલી જેવી!

    ગઝલ માણવા જેવી, માણી , મઝા આવી !

  8. શૈલેષ પંડ્યા નિશેષ said,

    July 14, 2024 @ 8:31 AM

    વાહ.. જબરદસ્ત… બોલી, લઢણ અને શેરીયત… રીયલી અદ્ભુત… અમરેલી એટલે અમરેલી.. રમેશ પારેખની
    તપોભૂમિ… ભૂમિની મહેંક અને ગીરની ગહેંક છે આ ગઝલ.. આસ્વાદ પણ અનેરો… પીતીકા અજવાળે ચાલતો કવિ એટલે હર્ષદ ચચંદારાણા… નામમાં જ ચાંદાનું અજવાળું છે તો ગઝલમાં તો ઝળહળાટ હોય જ ને…!

  9. કુસુમ કુંડારિયા said,

    July 14, 2024 @ 9:41 AM

    વાહ મસ્ત ગઝલ

  10. kusum kundaria said,

    July 14, 2024 @ 9:42 AM

    વાહ મસ્ત ગઝલ

  11. kusum kundaria said,

    July 14, 2024 @ 9:45 AM

    વાહ ખૂબ સરસ ગઝલ.. ત્રીજો અને છેલ્લો શેર ખૂબ ગમ્યો

  12. kusum kundaria said,

    July 14, 2024 @ 9:46 AM

    વાહ વાહ

  13. Parbatkumar nayi said,

    July 14, 2024 @ 12:36 PM

    વાહ વાહ વાહ

  14. લતા હિરાણી said,

    July 14, 2024 @ 6:03 PM

    અદભૂત ગઝલ

  15. Ashish Makwana said,

    July 15, 2024 @ 8:46 PM

    કલ્પનોથી સજ્જ એક ગાઢ રચના,ખુબ ગમી.

  16. રશ્મિ અગ્નિહોત્રી said,

    July 15, 2024 @ 11:33 PM

    સુંદર ગઝલ 👌

  17. Shah Raxa said,

    July 19, 2024 @ 8:14 PM

    વાહ…વાહ..કાબિલે દાદ શેરીયત,કલ્પન અને રદીફનું નાવીન્ય….

  18. DILIPKUMAR CHAVDA said,

    July 26, 2024 @ 1:45 PM

    અદ્ભુત અદ્ભુત અને બસ અદ્ભુત

  19. DILIPKUMAR CHAVDA said,

    July 26, 2024 @ 1:46 PM

    અદ્ભુત અદ્ભુત અને બસ અદ્ભુત
    વારંવાર વાંચવી ગમે એવી ગઝલ

  20. Poonam said,

    August 17, 2024 @ 1:06 PM

    ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
    કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે? 👌🏻
    – હર્ષદ ચંદારાણા –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment