કોનું મકાન છે ? – અમર પાલનપુરી
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે
દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.
કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.
એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી
આ ગઝલ પ્રિયતમાને સંબોધીને લખી છે અને એમાં વિષય પણ પરંપરાગત – પ્રણય-વિચ્છેદ-વિયોગ – નો જ છે. છતાંય ગઝલ એકદમ તાજી લાગે છે. ‘મકાન’ શબ્દને કવિ કેટલા બધા જુદા જુદા અર્થમાં વાપર્યો છે એ પણ જોવા જેવું છે.
(ફના=વિનાશ)
વિવેક said,
July 25, 2007 @ 9:47 AM
ખૂબ સુંદર ભાવવાહી ગઝલ… મકાન પર નાનકડો મહાનિબંધ લખી નાંખ્યો જાણે…
લયસ્તરો » તારી શેરી - હર્ષદ ચંદારાણા said,
September 6, 2007 @ 7:33 AM
[…] પ્રિયતમાની શેરીમાં જવાની વાત પણ જુદી-જુદી કેટલી રીતે -ખાસ તો ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં- મમળાવી શકાય છે તે જોવા જેવું છે. અગાઉ આજ રીતે એક ગઝલ (અમર પાલનપુરીની) આપણે મકાન વિશે માણી હતી એ પણ અહીં માણવા જેવી છે. […]
'ઈશ્ક'પાલનપુરી said,
March 29, 2008 @ 6:17 AM
મને આ ગઝલ ખુબ ગમી છે, મારી પાસે આ ગઝલની ઓડીયો કેસેટ છે.