સંદીપ પુજારા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!
કદી ગુસ્સો કરું તો પણ મને તું સાંભળી લે છે,
કોઈ સત્સંગી પાક્કો સંતવાણી સાંભળે એમ જ!
તને જોતા જ કેવો પાણી પાણી થઈ જઉં છું હું
તું મારામાં ભળે છે બર્ફ એમાં ઓગળે એમ જ!
રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!
નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!
– સંદીપ પૂજારા
એક તો મરીઝ જેવી સરળ-સહજ બાની અને નફામાં પાંચેય શેર આસ્વાદ્ય! પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી મુસલસમ રચના. સમ-બંધમાં પુરુષ કરતાં સ્ત્રી વધુ સમર્પિત હોય છે, એ વાત તો સર્વવિદિત છે. પણ એના આ ત્યાગ-સમર્પણ-પ્રેમને તંતોતંત સમજી શકે એવો પુરુષ બહુ ઓછી સ્ત્રીના નસીબમાં હોય છે. આવી જ કોઈ સદનસીબ નાયિકાની વાત માંડતી મજાની ગઝલ આજે માણીએ. જળ વિના તડપતી માછલીને જળ પ્રાપ્ત થાય એમાં કેવળ એ હાશકારો નથી અનુભવતી, જિંદગી પણ પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રિયા પ્રિયતમને ગળે વળગે છે, તે કેવળ પ્રેમની હૂંફ પામવા નહીં, પોતાના જીવનની પુનઃપ્રાપ્તિની તૃષાતૃપ્તિ ખાતર. સાવ સાધારણ લાગી શકે એવા પ્રતીકની મદદથી પ્રણય-તલસાટની તીવ્ર પરાકાષ્ઠા વ્યક્ત કરી શકતો આ શેર તો ઉત્તમ છે. વારંવાર મમળાવવી ગમે એવી આ આખી ગઝલ નખશિખ સંતર્પક થઈ છે. વળી, નિભાવવી અઘરી પડે એવી ‘એમ જ’ જેવી અનૂઠી રદીફ પણ કવિ બખૂબી નિભાવી શક્યા છે.
Permalink
September 16, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.
ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.
કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
– સંદીપ પૂજારા
પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.
Permalink
October 30, 2021 at 4:15 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કહ્યું છે કદી કે મને કંઈ દવા દે?
જૂનાં દર્દ થાકી ગયાં છે, નવા દે.
ભલે જોમ છે એ છતાં બેસવા દે,
હવે થોડું મંઝિલને પણ ચાલવા દે.
ચલણમાં એ ક્યારેક તો આવશે ને!
પ્રણયના જ સિક્કા મને છાપવા દે.
હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે.
ન આપ્યાં જગતને છતાં પણ મેં પાળ્યાં,
જે ખુદને દીધાં એ વચન પાળવા દે.
સરસ છે, સરસ છે, જો આંખોએ કીધું,
હૃદય બોલી ઉઠ્યું- જવા દે જવા દે!
– સંદીપ પૂજારા
ગઈકાલે જ છંદનો સુચારુ ઉપયોગ ગઝલને કેવો ઉપકારક નીવડી શકે છે એની વાત કરી અને આજે એ જ છંદમાં અન્ય એક રચના. છેલ્લા શેરમાં સરસ છે સરસ છે અને જવા દે જવા દેની પુનરુક્તિ છંદ અને કવિતાને સમરસ કરી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે. કવિ બનવું હોય તો દર્દ સાથે તો ઘરોબો રાખવો જ પડે. મત્લામાં આ વાત બહુ સરસ રીતે રજુ થઇ છે. બધા જ શેર સરસ થયા છે, માત્ર સિક્કાને છાપવાવાળી વાત થોડી અલગ પડી જતી લાગી. શુદ્ધ ભાષા વ્યવહારમાં આપણે નોટ છાપવી અને સિક્કા બહાર પાડવા એમ પ્રયોગ કરતાં હોઈએ છીએ. રૂઢિપ્રયોગ પણ ‘સિક્કા પડવા’ એમ જ છે, એટલે સિક્કા છાપવાની વાત ભાષાની દ્રષ્ટિએ થોડી અસંગત લાગે છે. સરવાળે સંતર્પક રચના.
Permalink
May 21, 2021 at 2:14 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!
પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!
છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?
જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને
નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!
જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!
– સંદીપ પૂજારા
સાદ્યંત સુંદર રચના. બધા જ શેર પાણીદાર. સહજ, સરળ અને સંતર્પક.
Permalink
January 11, 2020 at 2:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
રહી રહીને આ સચ્ચાઈ બહુ સતાવે છે
કરે છે એથી વધુ વ્હાલ સૌ જતાવે છે
ભલે એ હાર અને જીત બેઉ લાવે છે
છતાંય યુદ્ધ મને મારી સાથે ફાવે છે
જીવી રહ્યા છે જગતમાં હજી ઘણા શંકર
હસીને ઝેર રિવાજોનું ગટગટાવે છે
ઝડપથી મારું હૃદય હૃષ્ટપુષ્ટ થઈ જાશે
સવાર-સાંજ કોઈના સ્મરણને ધાવે છે
વિચારું છું કે તડીપારની સજા આપું
અમુક ઇચ્છાને, આતંક જે મચાવે છે
જો કોઈ મારી તરસ વિશે પૂછે તો કહું કે
છે માત્ર તન અહીં મારુ ને મન તળાવે છે
– સંદીપ પૂજારા
કેવી મજાની રચના! દરેક શેર ધીમેધીમે મમળાવવા જેવા થયા છે…
Permalink
July 12, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.
મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું.
ભલે છૂટાછવાયાં છે છતાં રેખાને જોડે જે
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ૠણી છું.
કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.
મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા
બહુ સરળ ભાષામાં અલગ અલગ આયામ દર્શાવીને કવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે જે હૃદયને તરત જ સ્પર્શી જાય છે.
Permalink