શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
વિવેક મનહર ટેલર

(નહિ કરું) – સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

– સંદીપ પૂજારા

પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.

16 Comments »

  1. pragnajuvyas said,

    September 16, 2022 @ 2:14 AM

    અફલાતૂન…ગઝલ
    સ રસ આસ્વાદ
    યાદ આવે ડૉ વિવેકાની થોડા દિવસ પહેલા પ્રકટ થયેલ-‘આઇ’ ઓગાળી શકે તો આવજે

  2. Anjana Bhavsar said,

    September 16, 2022 @ 11:46 AM

    ખૂબ ગમતી ગઝલ…

  3. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    September 16, 2022 @ 11:56 AM

    ખૂબ જ સરસ ગઝલ

  4. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 16, 2022 @ 12:04 PM

    વાહ…ખૂબ સરસ👌👌

  5. મયૂર કોલડિયા said,

    September 16, 2022 @ 12:43 PM

    વાહ…. ખૂબ સરસ ગઝલ….

  6. DILIPKUMAR LAKHABHAI CHAVDA said,

    September 16, 2022 @ 2:13 PM

    સંદીપ ભાઈની ખૂબ જ ગમતી ગઝલ..

    એન્ડ એવો જ મજેદાર આસ્વાદ

  7. Aasifkhan said,

    September 16, 2022 @ 2:51 PM

    વાહ સરસ આસ્વાદ

    સરસ ગઝલ

  8. Chetna Bhatt said,

    September 16, 2022 @ 3:59 PM

    Sav navu
    Etla mate ke aama mane purush no ego j dekhay chhe
    Kem prem ma banne e thodu namtu na jokhvu joiye??
    Purusho mate emno ego sarvapari hoy chhe eni same laagni nu mahatva pan ochchhu thai jay chhe

    Pan nava prayas mate kavi ne abhinandan
    Aatlu pan purusho shabdo ma vyakt kya kari shake chhe..
    👏👏

  9. રાજેશ હિંગુ said,

    September 16, 2022 @ 4:23 PM

    વાહ… સરસ ગઝલ… કવિને અભિનંદન

  10. વિવેક said,

    September 16, 2022 @ 5:39 PM

    @ ચેતના ભટ્ટ:

    પ્રામાણિક અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે આવા સ્પષ્ટવક્તા ભાગ્યે જ જોવા મળે છે. પુરુષના ઇગો બાબતની અને પ્રેમમાં ઉભય પક્ષની જવાબદારી બાબતની આપની ટકોર સાથે અંગતપણે હું સહમત છું. એટલે જ મેં લખ્યું છે કે – “જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.”

    ફરીથી આભાર…

  11. દીપક પેશવાણી said,

    September 16, 2022 @ 8:56 PM

    અતિગમતા કવિની milestone ગઝલ.. બહું મજા આવી…

  12. Barin Dixit said,

    September 16, 2022 @ 9:07 PM

    મને ખુબ ગમતાં કવિ ની ગઝલ , એક અલગ મિજાજ ની અભિવ્યક્તિ .
    પરિસ્થિતિ તો એવી છે કે
    જિસે તુમ ભૂલ ગયે યાદ કરેગા કૌન ઉસકો,
    જિસે તુમ યાદ હો વો ઔર કિસે યાદ કરે?
    પણ ના કબૂલ કરવું ને છતાં ન કરવું
    અલગ જ મિજાજ ધરાવતી ગઝલ
    મઝા પડી

  13. યોગેશ ગઢવી said,

    September 16, 2022 @ 11:39 PM

    પ્રેમને એક નવા પરિપ્રેક્ષ્યથી જોતી ગઝલ… પહેલી નજરે અહંકૃત લાગતી…પરંતુ ભાવકની જો દ્રષ્ટી વિસ્તરે તો માત્રને માત્ર પ્રેમથી તરબોળ કરતી રચના.., વિવેકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર🙏🏼

  14. Paresh Dave said,

    September 17, 2022 @ 7:35 AM

    ખૂબજ સુંદર અને મને ખૂબજ ગમતી ગઝલ

  15. Poonam said,

    September 17, 2022 @ 8:36 PM

    કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
    પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું…
    – સંદીપ પૂજારા – Badhiya…

    Aaswad Saral ne Sachot ! Sir ji 😊

  16. પીયૂષ ભટ્ટ said,

    September 18, 2022 @ 8:44 AM

    સરસ ગઝલ, કવિનો મિજાજ, ખુમારી અને સઘન પ્રેમ. બધું જ ધારદાર રજૂઆત સાથે કવિશ્રીએ પોતાની રીતે a ગઝલમાં આલેખન કર્યું છે.જે ભાવક સુધી પહોંચે છે. સાથોસાથ સરળ આસ્વાદ પણ માણ્યો. બંને મિત્રોને અભિનન્દન
    હૃદય માં સાંચવવા જેવી ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment