જાઉં છું જ્યાં – મયંક ઓઝા
સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.
ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.
એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
– મયંક ઓઝા
માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.
સુનીલ શાહ said,
August 1, 2024 @ 11:22 AM
સરળ, સહજ બાનીમાં સુંદર ગઝલ.
Varij Luhar said,
August 1, 2024 @ 11:23 AM
વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ
Chetna Bhatt said,
August 1, 2024 @ 3:15 PM
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
છલકાય છે શક્યતા.. ખુમારી.. !
અમે અહીંયા બહું સૂકો પટ જોયો છે..!
નદી, તળાવો સાવ સૂકા જોયા છે..તેમ છતાં અમારી આંખોમાં કયારેય અભાવ નહિ દેખાય…!
Dhruti Modi said,
August 3, 2024 @ 3:13 AM
સરસ ગઝલ !
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું ,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે .
કેટલો સુંદર શેર
ગગનમાં સ્વતંત્ર બની ઉડતા પંખીને પિંજરાની કેદ ?
વિશાળ હ્રદયના ગગન માટે આ મોટો આંચકો છે !
કવિના હ્રદયનું પણ એજ દુખ છે !
Poonam said,
August 26, 2024 @ 9:21 PM
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે? My Favourite Ghazal !
– મયંક ઓઝા –
Aaswad mast !