મયંક ઓઝા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 1, 2024 at 10:45 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.
ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.
એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
– મયંક ઓઝા
માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.
Permalink
January 9, 2020 at 12:36 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
જોઈ રહી છે જર્જરિત ભીંતો હજુ,
ઓલવાતો કેમ ના દીવો હજુ?
એક પડછાયો હજુ અથડાય છે,
કોણ કરતું હોય છે પીછો હજુ?
આ.. તો ટેવાઈ ગયો છે ઓરડો,
ક્યાં થયો છે દૂર ખાલીપો હજુ?
સાવ ક્યાં ભૂતકાળને ભૂલાય છે?
કો’ક દિ’ સંભળાય છે ચીસો હજુ.
હર વખત બસ, હું જ બાજી હારતો,
કોણ ચીપે એમ ગંજીફો હજુ?
કેમ પીવામાં કરું જલ્દી મરીઝ?
જિંદગીનો રસ તો છે ફીકો હજુ.
એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ.
– મયંક ઓઝા
‘સ્મિતા પારેખ’પારિતોષિક, ૨૦૧૯: કવિતા વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા કૃતિ…
મુક્ત કાફિયા છે, પદઅન્વય ક્યાંક-ક્યાંક નબળો છે પણ સરળ ભાષામાં ટૂંકીટચ રદીફને સાતેય શેરમાં ન્યાયપૂર્વક નિભાવવામાં આવી છે અને લગભગ દરેક શેર મનનીય થયો છે, એ ન્યાયે લગભગ સવાસો કૃતિઓને હંફાવીને આ ગઝલ પ્રથમ ક્રમે વિજેતા નિવડી છે. કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…
Permalink
April 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી
એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી
માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી
હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી
થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી
– મયંક ઓઝા
નખશિખ સો ટચનું સોનું. આવી ગઝલ આજકાલ જવલ્લે જ હાથ ચડે છે. એક-એક શેર અદભુત. એક-એક શેર વિશાળ ભાવવિશ્વ લઈને આવ્યો છે…
Permalink
July 6, 2018 at 3:25 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર
એક વેળા આથમ્યાની છે મજા
સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર
હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે
શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!
હું નથી તરતો, તણાતો જાઉં છું
આ સમયના વહેણમાં આઠે પ્રહર
કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ
વ્યર્થ લંબાઈ રહી છે આ સફર
એ લીસોટા આભમાં કે શ્વાસમાં
ક્યાંક તારી યાદની ફૂટી ટશર
– મયંક ઓઝા
ગ્લૉબલ વૉર્મિંગ વિશે અસરદાર શેર બહુ ઓછા જોવા મળે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સાવ સરળ ભાષામાં પણ લાંબી અસર છોડી જાય એ રીતે આ વિષયને સ્પર્શે છે. સરવાળે મનનીય રચના…
Permalink
February 27, 2016 at 12:50 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
એક નિઃશ્વાસને સજાવી જો,
વાંસળી લે ને ફૂંક મારી જો.
મીણ જેવો હતો મુલાયમ જે,
કેમ પથ્થર બન્યો ! વિચારી જો.
શક્ય છે રંગ અવનવા ઊઘડે,
બારણું સ્હેજ તું ઉઘાડી જો.
રાત માટે જ સૂર્ય ડૂબે છે,
એમ માનીને મન મનાવી જો.
એક દીવો હજુય સળગે છે,
એક મહેફિલ હજુ જમાવી જો.
– મયંક ઓઝા
મજાની ગઝલ. ઘનમૂલક વિચારોવાળી રચનાઓ મળવી આમેય મુશ્કેલ.
Permalink