નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
જવાહર બક્ષી

(ટહુકા વગર) – મયંક ઓઝા

છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર

એક વેળા આથમ્યાની છે મજા
સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર

હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે
શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!

હું નથી તરતો, તણાતો જાઉં છું
આ સમયના વહેણમાં આઠે પ્રહર

કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ
વ્યર્થ લંબાઈ રહી છે આ સફર

એ લીસોટા આભમાં કે શ્વાસમાં
ક્યાંક તારી યાદની ફૂટી ટશર

– મયંક ઓઝા

ગ્લૉબલ વૉર્મિંગ વિશે અસરદાર શેર બહુ ઓછા જોવા મળે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સાવ સરળ ભાષામાં પણ લાંબી અસર છોડી જાય એ રીતે આ વિષયને સ્પર્શે છે. સરવાળે મનનીય રચના…

3 Comments »

  1. vimala said,

    July 6, 2018 @ 2:46 PM

    “છે સમયની કેટલી માઠી અસર
    વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર ”
    પર્યાવરણ વિશે ટૂંકૂટચ , સરસ્.

  2. vimala said,

    July 6, 2018 @ 2:49 PM

    “છે સમયની કેટલી માઠી અસર
    વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર ”

    પર્યાવરણની અવદશાનું ટૂંકુંટચ્ સરસ.

  3. Dinesh Pandya said,

    July 7, 2018 @ 2:41 AM

    ખરેખર સમયની માઠી અસરની સચોટ વાત કહેનારી ગઝલ. અહીં મુંબઈ માં વધતી જતી અફાટ માનવ વસ્તી માટે
    રસ્તાઓ, મેટ્રો રેલ્વે વ. ની સગવડો ઊભી કરવા હજારો ઝાડ કાપવા પડે છે. વૃક્ષો જ નહી રહે તો ટહુકાઓ ક્યાંથી રહેશે.
    પીંજરામાં?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment