પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

હજુ – મયંક ઓઝા

જોઈ રહી છે જર્જરિત ભીંતો હજુ,
ઓલવાતો કેમ ના દીવો હજુ?

એક પડછાયો હજુ અથડાય છે,
કોણ કરતું હોય છે પીછો હજુ?

આ.. તો ટેવાઈ ગયો છે ઓરડો,
ક્યાં થયો છે દૂર ખાલીપો હજુ?

સાવ ક્યાં ભૂતકાળને ભૂલાય છે?
કો’ક દિ’ સંભળાય છે ચીસો હજુ.

હર વખત બસ, હું જ બાજી હારતો,
કોણ ચીપે એમ ગંજીફો હજુ?

કેમ પીવામાં કરું જલ્દી મરીઝ?
જિંદગીનો રસ તો છે ફીકો હજુ.

એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ.

– મયંક ઓઝા

‘સ્મિતા પારેખ’પારિતોષિક, ૨૦૧૯: કવિતા વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતા કૃતિ…

મુક્ત કાફિયા છે, પદઅન્વય ક્યાંક-ક્યાંક નબળો છે પણ સરળ ભાષામાં ટૂંકીટચ રદીફને સાતેય શેરમાં ન્યાયપૂર્વક નિભાવવામાં આવી છે અને લગભગ દરેક શેર મનનીય થયો છે, એ ન્યાયે લગભગ સવાસો કૃતિઓને હંફાવીને આ ગઝલ પ્રથમ ક્રમે વિજેતા નિવડી છે. કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

3 Comments »

  1. saryu parikh said,

    January 9, 2020 @ 10:41 AM

    વાહ્
    એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
    ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ….સરયૂ પરીખ

  2. pragnajuvyas said,

    January 9, 2020 @ 11:49 AM

    મજાની ગઝલ
    ડૉ વિવેકે સ રસ આસ્વાદ કરાવ્યો તેમની ‘લગભગ સવાસો કૃતિઓને હંફાવીને આ ગઝલ પ્રથમ ક્રમે વિજેતા નિવડી છે. ‘ વાત ચકાસતા લાગે-‘બેખુદી બેસબબ નહીં -કુછતો હૈ જીસકી પર્દાદારી હૈ’
    જોઈ રહી છે જર્જરિત ભીંતો હજુ,
    ઓલવાતો કેમ ના દીવો હજુ?
    મત્લા અસરકારકર અદભુત. શેર. બાકીના શેર પણ મઝાના
    ગઝલની પહેલી પંક્તિ – પહેલા શબ્દો – ‘જોઈ રહી
    ગઝલની છેલ્લી પંક્તિ – છેલ્લા શબ્દો.રાજીપો હજુ.
    કવિને કદાચ આ હજુના કુંડાળામાંથી બહાર જ નીકળવું નથી! આટલી કલ્પનાઓ કેમ કરી હશે? આ છે આશાવાદ. નર્યો આશાવાદ. નરી આંખે ન દેખાતો આશાવાદ, જીવનથી છલોછલ! આ છે ગઝલની વ્યંજના.
    ટૂંકીટચ રદીફ તેમને પણ ગમતો લાગે છે માણો તેમની આ ગઝલ-
    થઈ શકે તો મુકત એને કર હજુ,
    એક દરિયો ઘૂઘવે ભીતર હજુ.
    કોક દી છોડી જનારા આવશે,
    એટલે ખુલ્લું પડ્યું છે ઘર હજુ.
    યાદ તારી ભૂલવા દેતો નથી,
    એકલા પડવા વિષેનો ડર હજુ.
    જળ અને મૃગજળની વચ્ચે ફેર છે,
    જીદ ન કર ત્યાંથીજ પાછો ફર હજુ.
    સ્વપ્ન લખ, ફૂલ કે વરસાદ લખ,
    કેમ કંપે છે કલમ થર થર હજી.
    શ્રી મયંક ઓઝાને અભિનંદન અને શુભકામનાઓ

  3. vimala Gohil said,

    January 9, 2020 @ 10:36 PM

    “એ કળી તો ફૂલ થઈ કરમાઈ ગઈ,
    ડાળ પર ઝૂલે છે રાજીપો હજુ”
    વાહ, વાહ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment