બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
મધુમતી મહેતા

(મન ભરી જોવા તો દે!) – જિગર જોષી

તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.

જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!

તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.

તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.

રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.

– જિગર જોષી

ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….

6 Comments »

  1. શૈલેશ ગઢવી said,

    February 15, 2025 @ 12:17 PM

    સુંદર ગઝલ, અભિનંદન 💐

  2. સુનીલ શાહ said,

    February 15, 2025 @ 12:42 PM

    વાહ.. ખૂબ સરસ

  3. Ramesh Maru said,

    February 15, 2025 @ 5:30 PM

    વાહ…

  4. Lalit Trivedi said,

    February 15, 2025 @ 10:38 PM

    સરસ ગઝલ, કવિ.. રાજીપો

  5. Aasifkhan Pathan said,

    February 20, 2025 @ 11:27 PM

    વાહ વાહ સરસ ગઝલ

  6. dhruv kumar said,

    September 2, 2026 @ 11:05 AM

    શ્રી જિગર જોષીની અગાઉની ગઝલોની જેમ આ ગઝલમાં પણ કવિએ રદીફ (‘તો દે’) અને કાફિયા (ઘાવ, જોવા, પડવા, ખરચવા, પકડવા) ની કસરત તો પૂરી કરી છે, પણ ગઝલનો જે મુખ્ય પ્રાણ—’ગઝલિયત’, ‘અર્થસભરતા’ અને ‘સાની મિસરાની ચોટ’—છે, તેનો સંપૂર્ણ અભાવ વર્તાય છે.
    ૧. મત્લા (પ્રથમ શેર) – ભાષાકીય અને વ્યાકરણની કચાશ :
    “તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
    આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.”

    કવિએ આ શેરમાં એક વિરોધાભાસી ભાવ ઊભો કરવાની કોશિશ કરી હતી (ઘાવ નહિ તો ઉઝરડા, આંસુ વગર રોવું). પરંતુ વ્યાકરણ અને ભાષાકીય કચાશે એનો ક્ષેમકુશળ ખેલ બગાડી નાખ્યો છે.
    ‘ઘાવ’ અને ‘ઉઝરડા’ વચ્ચે એવો કોઈ ગૂઢ કાવ્યાત્મક તફાવત ઊભો નથી થતો જે વાચકને ચોંકાવે.
    આંસુ લઈ લીધા પછી ‘ખાલી રોવા દેવું’ એ પ્રયોગ કાવ્યાત્મક લાગવાને બદલે અર્થહીન અને શબ્દ-રમત પૂરતો મર્યાદિત રહી જાય છે.

    ૨. ત્રીજો શેર – ભૌતિક ક્રિયાઓનો અર્થહીન વિરોધાભાસ :
    “તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
    મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.”
    .’પડવું’ અને ‘ઊભા થવું’ એ સાદી ભૌતિક ક્રિયાઓ છે. જો આ બે ક્રિયાઓને કવિતામાં મૂકવી હોય, તો એની પાછળ કોઈ ઊંડો ફિલસૂફીનો અર્થ, જીવનનો પરાજય કે અસ્તિત્વનો ભાવ હોવો જોઈએ. અહીં વાક્યરચના એટલી સામાન્ય અને ગદ્ય-જેવી છે કે એમાં કોઈ જ ગૂઢ અર્થ કે કાવ્યરસ નિષ્પન્ન થતો નથી. આ માત્ર બાળક જેવી કે જીદ્દી વાર્તાલાપની પંક્તિ લાગે છે.

    ૩. બાકીના શેરોનું વિશ્લેષણ (સરેરાશ કલ્પનો) :
    બીજો શેર (જિંદગી સામે બેસાડવી): “સામે બેસાડી તને મન ભરી જોવા તો દે” — આ કલ્પન ગુજરાતી કવિતાઓમાં હજારો વાર ઘસાઈ ચૂક્યું છે. જિંદગી સાથેનો સંવાદ અતિ-સરળ અને ક્લીશે બની ગયો છે.
    ચોથો શેર (આંસુ ખરચવા): “આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે” — આંસુને ‘ખરચવાની’ વાતમાં કાફિયા બેસાડવાની મથામણ વધારે છે, ચોટ ઓછી છે.
    મક્તા/છેલ્લો શેર (હૈયું સળગવું): “હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે” — સ્મરણો રાખ થવા અને હૈયું સળગવું એ પણ પરંપરાગત ગઝલોનું વપરાઈ ગયેલું પિષ્ટપિંજણ છે.

    ગઝલમાં જો ‘તાર્કિક સંગતતા’ અને ‘અભિવ્યક્તિની તાજગી’ ન હોય, તો એ માત્ર પ્રાસ મેળવવાની રમકડાં-રમત બની જાય છે.
    આ ગઝલ વાંચતી વખતે એક પણ ક્ષણે વાચકને ‘વાહ’ બોલવાનું મન થતું નથી કે નથી કોઈ અણધારી ચોટનો અનુભવ થતો. આ રચના સાચે જ ગઝલના નામે માત્ર શબ્દોની વેઠ જ છે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment