સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
– અનિલ ચાવડા

સત્ય બ્હાર આવે છે – શૈલેશ ગઢવી

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

– શૈલેશ ગઢવી

મારી પાસે કોઈ પણ સંગ્રહ આવે એટલે સૌપ્રથમ હું પ્રસ્તાવના કોણે કોણે લખી છે એ જોઈ લઉં અને કવિની કેફિયત વાંચી લઉં. કવિની કેફિયત પરથી કવિનો વ્યાપ કેટલોક હશે એનો અંદાજ આવી જાય. પછી પ્રસ્તાવનાઓ ઉપર ઉપરથી વાંચી જાઉં. અને પછી સંગ્રહ વાંચવો શરૂ કરું… મોટાભાગનાં ગીત-ગઝલોમાં પહેલી બે પંક્તિ નક્કી કરી દે કે આખી રચના વાંચવી કે આગળ વધવું.

જેમની સાથે અગાઉ ભાગ્યે જ કોઈ સંપર્ક થયો હતો એવા એક કવિમિત્રએ એમનો પ્રથમ ગઝલસંગ્રહ મોકલાવ્યો. પાછળના કવરપેજ પર ભરત વિંઝુડાની પ્રસ્તાવનાના અંશનું પ્રથમ વાક્ય હતું: ‘ગઝલમાં પોતીકો અવાજ લઈને આ કવિ આવે છે.’ ભરતભાઈ પ્રિય કવિ છે, પણ આજકાલ દરેક પ્રસ્તાવનાકારને દરેક સર્જનમાં સર્જકનો ‘પોતીકો અવાજ’ જ સંભળાય છે. હૈયે હામ રાખીને સંગ્રહની પહેલી ગઝલ વાંચી અને પછી તો બસ… ઘણા લાંબા સમય પછી એવો સંગ્રહ હાથ લાગ્યો, જેણે મને એકી બેઠકે આખો સંગ્રહ વાંચવાની ફરજ પાડી અને પહેલો શેર વાંચીને આગળ વધી જવાના બદલે દરેકે દરેક ગઝલ અને દરેકે દરેક શેર ધ્યાન દઈ વાંચવા માટે મજબૂર કર્યો…

પ્રસ્તાવનામાંથી મળતી માહિતી મુજબ ૯૬ ગઝલોમાં કવિએ ૨૬ છંદ વાપર્યા છે, જે સાચે જ સરાહનીય કહેવાય. પ્રથમ સંગ્રહ છે એટલે ક્યાંક ક્યાંક છંદદોષ અને ભાષાની શિથિલતા તથા શેર પૂરો કરવાની ઉતાવળ નજરે પડે છે. તદોપરાંત છંદવૈવિધ્ય માટેનો વ્યાયામ કેટલીક જગ્યાએ વ્યાયામ જ બનીને રહી જતો પણ દેખાય છે, પણ સરવાળે આખો સંગ્રહ સંતર્પક થયો છે અને આગામી ગઝલો વધુ બુલંદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે…

સાચા અર્થમાં આ સંગ્રહમાં એક નવ્ય સર્જકનો ‘પોતીકો અવાજ’ સંભળાયો…

કવિશ્રી શૈલેશ ગઢવીને પ્રથમ ગઝલસંગ્રહ ‘થોડાંઘણાં કબૂતર’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

11 Comments »

  1. Shailesh Gadhavi said,

    September 7, 2024 @ 6:08 AM

    લયસ્તરો તરફથી સંગ્રહ વિશે ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો એનો ખૂબ આનંદ થયો. વિવેકભાઈનો અભિપ્રાય પણ ગમ્યો.

    હા, છંદ બાબતે એક વાત કહેવાનું મન થાય કે સામાન્યરીતે લઘુગુરૂ નિયમો મુજબ કોઈ શબ્દના કારણે જે તે પંક્તિનું છંદવિધાન જ સાવ તૂટતું હોય તો એને દેખિતો જ છંદદોષ ગણવો જોઈએ. બને ત્યાં સુધી મેં એવી ફરિયાદનો મોકો નથી આપ્યો. બાકી, ગઝલોમાં ક્યાંક શબ્દા‍ંતે ગુરૂને લઘુ ગણવો, એકાક્ષરી ગુરૂને લઘુ ગણવો, ક્યાંક હ્રસ્વ ઇ અથવા ઉનું સહેજ ઉચ્ચારણ લંબાવવું પડે (જેમ કે ‘અનુભવ’=લગાગા વગેરે..), પંક્તિના અંતે લઘુનો લોપ કરવો.‌‌.. આમાંની માન્ય છૂટો દરેક કવિએ લેવી પડતી જ હોય છે. (એ મર્યાદિત છૂટ ન લેવામાં આવે તો એ જગ્યાએ અયોગ્ય શબ્દપ્રયોગથી ગઝલની એકંદર માવજતને નુકસાન થવાની પણ શક્યતા રહે છે.) આભાર🙏

  2. Sila dat multani said,

    September 7, 2024 @ 9:54 AM

    વાહ..કવિને અભિનંદન.. શુભેચ્છાઓ..

  3. સિકંદર મુલતાની said,

    September 7, 2024 @ 9:56 AM

    વાહ..કવિને અભિનંદન..શુભેચ્છાઓ..

  4. સિકંદર મુલતાની said,

    September 7, 2024 @ 9:59 AM

    વાહ..કવિને અભિનંદન.. શુભેચ્છાઓ..

  5. kishor Barot said,

    September 7, 2024 @ 10:13 AM

    કવિશ્રી શૈલેષ ગઢવીનો આનંદ ભર્યો આવકાર
    સાથ અઢળક અભિનંદન. 🌹

  6. દીપક પેશવાણી said,

    September 7, 2024 @ 10:37 AM

    કવિશ્રીને સંગ્રહ બદલ અભિનંદન…

  7. Sejal Desai said,

    September 7, 2024 @ 12:54 PM

    આટલી લાંબી રદીફ ખૂબ સુંદર રીતે નિભાવી છે..કવિને પ્રથમ સંગ્રહ માટે અભિનંદન

  8. Dhruti Modi said,

    September 8, 2024 @ 3:31 AM

    સુંદર રચના !

    તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
    પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

    સંપૂર્ણ રચના સુંદર !👌👌👍

  9. Aasifkhan Pathan said,

    September 15, 2024 @ 7:57 PM

    વાહ કવિને અભિનંદન

  10. જશવંત મહેતા said,

    September 30, 2024 @ 10:18 AM

    સત્ય બહાર લાવવાનો પ્રયાસ ગમ્યો,પ્રયાસ માટે
    ખૂબ ખૂબ અભિનંદન સહ રાજીપો શુભેચ્છાઓ.આપની રચનાઓ વિશે નાં અભિપ્રાયો અને છંદ પ્રયોગની વાત comment દ્વારા જાણી ખૂબ ખૂબ રાજીપો.

  11. હરીઓમ મહેતા said,

    September 30, 2024 @ 10:19 AM

    સત્ય બહાર લાવવાનો પ્રયાસ ગમ્યો,પ્રયાસ માટે
    ખૂબ ખૂબ અભિનંદન સહ રાજીપો શુભેચ્છાઓ.આપની રચનાઓ વિશે નાં અભિપ્રાયો અને છંદ પ્રયોગની વાત comment દ્વારા જાણી ખૂબ ખૂબ રાજીપો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment