દિનેશ કાનાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 26, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, દિનેશ કાનાણી
વરસાદમાં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે સૂરજ સામે મૂકી ત્યાં
તો
એમાં કૂંપળો ફૂટવા લાગી!!
*
તારી
આંખમાં
આંસુ જોઈને
એમ થાતું કે,
આભના વરસાદમાં
ભીંજાવું
તો
કેટલું સરળ છે!!
*
મારા મૌનને પણ સાદ
સમજીને
જે દોડી
આવે છે,
એના પર
વરસાદ થઈને
વરસી પડવાનું
મન થાય છે!
*
એક દિવસ
આખ્ખા આકાશમાં હતાં….
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
તે
છતાં…
વરસાદ ન પડ્યો!!
એવું જ થયું’તું ને
આપણી એ મુલાકાતમાં!!!
*
કરવા તો
આવ્યો હતો
નદીઓની
સાફ સફાઈ
પણ
પવન સાથે
ધીંગામસ્તીમાં
આઠ-દસ
ગામડાંઓને
ધોઈ નાખ્યાં
વરસાદે!!
*
પર્વતોની
વચ્ચે પલાંઠી વાળીને
બેઠેલો વરસાદ
એ ટ
લે
સરોવર!!
– દિનેશ કાનાણી
મિત્ર દિનેશ કાનાણીનો વરસાદની ૧૭૧ કવિતાઓ સમાવતો સંગ્રહ ‘વરસાદ’ તો મારા ઘરે ઘણા સમય પહેલાં જ વરસ્યો હતો, પણ મારી લાપરવાહીના કારણે એ સંગ્રહ ક્યાંક મૂકાઈ ગયો તે આટઆટલા અઠવાડિયાઓ પછી આજે જડ્યો. લયસ્તરો પર વરસાદની ઋતુ લગભગ પતી જવાને આરે આવી ઊભી છે, એ સમયે આ સંગ્રહનું ભીનું-ભીનું સ્વાગત કરીએ છીએ અને રજૂ કરીએ છીએ વરસાદના કેટલાક છાંટા…
તા.ક.: છત્રી ખોલીને વાંચવાની સખ્ત મનાઈ છે!
Permalink
December 26, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
એક લીલું પાન તારા હાથમાં છે,
પંખીની ઉડાન તારા હાથમાં છે.
જે મથે છે દૂર કરવા નામ તારું,
એમનું સન્માન તારા હાથમાં છે.
એમ ઝાલ્યું છે કમળનું ફૂલ જાણે,
ફૂલની મુસ્કાન તારા હાથમાં છે.
જીવ મારો ત્યાં જ વારંવાર મૂકું,
જીવનું સંધાન તારા હાથમાં છે.
સાવ અમથો ધ્યાનમાં બેઠો નથી હું,
મારું સઘળું ધ્યાન તારા હાથમાં છે.
– દિનેશ કાનાણી
બધા જ શેર સરસ. મત્લાના શેરમાં લીલું પાન અને પંખીની ઉડાનના સંદર્ભમાં બાળકો અને એમના ભવિષ્ય વિશે કેવો કૂમળો ઈશારો કરે છે ! સન્માન, સંધાન અને ધ્યાનવાળા શેર પણ મનનીય થયા છે.
Permalink
April 17, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના
ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના
છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના
પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના
સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !
-દિનેશ કાનાણી
રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…
Permalink
August 17, 2009 at 9:27 PM by ધવલ · Filed under ગઝલ, દિનેશ કાનાણી
એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.
જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.
– દિનેશ કાનાણી ‘પાગલ’
ખરો ખેલાડી હંમેશા રમતના અંતને ધ્યાનમાં રાખીને જ રમે છે. છેલ્લો દાવ જીતે એ જ ખેલાડી બધુ જીતી જાય છે. અને ફાઈનલમાં જીતે એને જ સિકંદર કહેવાય છે. એમ વારતામાં પણ ખરું મહત્વ એના અંતનું જ છે. કવિ, અર્જુનની નજર જેમ માછલીની આંખ પર હતી એમ, વારતાનાં અંત પર નજર બાંધીને જીવવાની વાત લઈને આવ્યા છે. ગમે તેવી જિંદગી જાય પણ છેલ્લા ડગલે એને કાપી, માપી ને મઠારી લેવાની કવિની પૂરી તૈયારી છે.
Permalink
March 19, 2009 at 12:32 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી
ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !
જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !
સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !
લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !
શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !
– દિનેશ કાનાણી
આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…
Permalink