ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે - વિતાવી નહીં શકે.
મરીઝ

વરસાદ – દિનેશ કાનાણી

વરસાદમાં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે સૂરજ સામે મૂકી ત્યાં
તો
એમાં કૂંપળો ફૂટવા લાગી!!
*
તારી
આંખમાં
આંસુ જોઈને
એમ થાતું કે,
આભના વરસાદમાં
ભીંજાવું
તો
કેટલું સરળ છે!!
*
મારા મૌનને પણ સાદ
સમજીને
જે દોડી
આવે છે,
એના પર
વરસાદ થઈને
વરસી પડવાનું
મન થાય છે!
*
એક દિવસ
આખ્ખા આકાશમાં હતાં….
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
વાદળ વાદળ વાદળ વાદળ
તે
છતાં…
વરસાદ ન પડ્યો!!
એવું જ થયું’તું ને
આપણી એ મુલાકાતમાં!!!
*
કરવા તો
આવ્યો હતો
નદીઓની
સાફ સફાઈ
પણ
પવન સાથે
ધીંગામસ્તીમાં
આઠ-દસ
ગામડાંઓને
ધોઈ નાખ્યાં
વરસાદે!!
*
પર્વતોની
વચ્ચે પલાંઠી વાળીને
બેઠેલો વરસાદ
એ ટ
લે
સરોવર!!

– દિનેશ કાનાણી

મિત્ર દિનેશ કાનાણીનો વરસાદની ૧૭૧ કવિતાઓ સમાવતો સંગ્રહ ‘વરસાદ’ તો મારા ઘરે ઘણા સમય પહેલાં જ વરસ્યો હતો, પણ મારી લાપરવાહીના કારણે એ સંગ્રહ ક્યાંક મૂકાઈ ગયો તે આટઆટલા અઠવાડિયાઓ પછી આજે જડ્યો. લયસ્તરો પર વરસાદની ઋતુ લગભગ પતી જવાને આરે આવી ઊભી છે, એ સમયે આ સંગ્રહનું ભીનું-ભીનું સ્વાગત કરીએ છીએ અને રજૂ કરીએ છીએ વરસાદના કેટલાક છાંટા…

તા.ક.: છત્રી ખોલીને વાંચવાની સખ્ત મનાઈ છે!

4 Comments »

  1. Rohit kapadia said,

    September 26, 2019 @ 9:16 AM

    ખૂબ જ સુંદર રચનાઓ. છત્રી હોય તો પણ ફગાવીને, મન મુકીને ભીંજાવાનું ગમે એવી ભાવભીની રચનાઓ. ધન્યવાદ.

  2. yogesh shukla said,

    September 26, 2019 @ 10:56 AM

    વાહ ,,, વાહ ,,,

  3. vimala Gohil said,

    September 26, 2019 @ 11:54 AM

    “વરસાદમાં
    પલળી ગયેલી
    મારી કવિતાની ડાયરી,
    સવારે સૂરજ સામે મૂકી ત્યાં
    તો
    એમાં કૂંપળો ફૂટવા લાગી!!
    વાહ!!! અને પછી આખાર સુધી વાહ,વાહ્, વાહ……….

  4. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    September 26, 2019 @ 9:36 PM

    વરસાદ ની મહત્તા સરસ રીતે રજુ કરવા માટે કવિશ્રીને અભિનદન, આપનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment