અમદાવાદ – મણિલાલ દેસાઈ
કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ
અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ
પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું
એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.
અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા
પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ
ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.
સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો
બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર
અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ
બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી,
અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર
નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો
ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા
મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે
હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા
તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી
નાસી છૂટીશ.
– મણિલાલ દેસાઈ
દરેક શહેર એમાં રહેતા કવિઓને સતત પીડતુ રહે છે. કવિઓ પોતાના શહેરને જાણે ડંખતા જોડાની જેમ સહન કરે રાખતા હોય છે એવું લાગ્યા કરે છે. મહાદેવની જેમ વિષને ગળામાં રાખીને જીવવાની આ પીડા જાણે નગરકાવ્યોમાં બહાર આવે છે. ( સાથે જોશો : નગર એટલે, અમદાવાદ અને મુંબઈ )
ઉલ્લાસ ઓઝા said,
January 13, 2011 @ 5:37 AM
કવિશ્રીની અમદાવાદ પ્રત્યેની લાગણી સમજી શકાય છે.
આજના અમદાવાદે ઘણી પ્રગતી કરી છે.
અમદાવાદ-ગાંધીનગર-ગુજરાતનો ડંકો ભારત અને પૂરા વિશ્વમા વાગી રહ્યો છે.
જય જય ગરવી ગુજરાત.
pragnaju said,
January 13, 2011 @ 9:14 AM
સ્વ.મણિલાલ દેસાઈ,અમારા સૂરતના ગોરગામમાં જન્મ્યા. અમદાવાદમાં નાની ઉંમરે મરણ.તેઓ અંધકારના રંગ, લય અને ગતિના કવિ. તેમનીકવિતામાં ડી.એચ.લોરેન્સશાહી પ્રિમિટિવ ફોર્સ છે. આ અદિમતા એનું લક્ષણ છે. તળપદો સ્વાદ પણ છે.
કરુણા તો અમદાવાદની કવિ એ લખી છે,
એમાં સાચી વાત કહી છે..
પણ કવિ પોતે અમદાવાદના નથી…
એ નવાઇ ની વાત છે!!
Pancham Shukla said,
January 13, 2011 @ 8:26 PM
અત્યંત તીવ્ર… કવિતાનો આ પણ એક રંગ છે.
વિવેક said,
January 16, 2011 @ 1:12 AM
અસરકારક ગદ્યકાવ્ય…
કવિને એમનું શહેર નહીં, શહેરીકરણ બહુધા પીડતું હોય છે… શહેર ઊના પાણીનું એક એવું તળાવ છે જ્યાં માણસાઈના માછલાં ટકી શક્તાં નથી… માણસમાં માણસ ન હોવાની પીડા બધાંને થતી હોય છે, કવિ એને અક્ષરદેહે ચાક્ષુષ કરી આપે છે…