ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ફાગુ

ફાગુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૧

વસંતપંચમીએ પંચમસ્વરે છડી પોકારી નથી કે પાનખરમાં આખેઆખી કાયા ખંખેરી દઈ ખાલી થઈ ગયેલાં વૃક્ષોના હાડપિંજરમાં લીલો ગરમાટો છવાવો શરૂ થઈ જાય… વસંતનો આ રાગ ફાગણના ફાગ સુધી પહોંચતા સુધીમાં તો કેસૂડે કેસરિયાળાં કામણ દેખા દેવા માંડે છે અને થોડા જ દિવસોમાં ગુલમહોર અને સોનમહોર પણ લાલ-પીળા વાઘે સજી ધૂળેટીની તૈયારી આદરે છે… હોળી જાય અને તાપ સોળે કળાએ ખીલે ત્યારે ગરમાળો પણ મંચપ્રવેશ કરે છે પણ અત્યારે આપણી વાતનું કેન્દ્રબિંદુ ફાગણ અને હોળી-ધૂળેટીને લગતી કાવ્યકૃતિઓ હોવાથી આપણે એ દિશામાં આગળ વધીએ…

શરૂઆત પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસથી કરીએ. છસોએક વર્ષ પહેલાં કોઈક અનામી કવિએ રચેલ આ કૃતિ તમામ ફાગકાવ્યોના બ્રાન્ડ એમ્બેસડર જેવી છે.

નવયૌવન અભિરામ તિ રામતિ કરઈ સુરંગિ |
સ્વર્ગિ જિસ્યા સુર ભાસુર રાસુ રમઈ મન રંગિ ||
નવયૌવનથી અભિરામ (યુવકો) રંગથી રમે છે. સ્વર્ગના તેજસ્વી દેવો જેવા તેઓ અંતરના ઉલ્લાસથી રાસ રમે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન |
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ ||
(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ |
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ ||
કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

આદિકવિ નરસિંહ મહેતાના ખજાનામાં પણ ફાગણના અનેક રત્નો ભર્યાં પડ્યાં છે… બેએકનો ચળકાટ માણીએ-

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવ–શું, ઊભાં કુંજને દ્વાર.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુરોળ.

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,વસંત આવ્યો વનવેલ ફૂલી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,આજ તો લાજની દુહાઈ છૂટી.
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,ખોયેલા દિવસનો ખંગ વળશે.

મીરાંબાઈના તો અનેક પદ… કિયા તે નામે લખવી કંકોતરી જેવો ઘાટ થાય, એટલે ચાંગલુક આચમન કરી ભીનાં થઈએ-

અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.
(આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.)

હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી! ગિણતા ગિણતા ઘિસ ગઈં રેખા, આઁગરિયાઁ કી સારી! અજહૂઁ નહિં આયે મુરારી!
(પ્રિયજન વિનાની હોળી અકારી છે. પ્રતીક્ષાના દિવસો ગણતાં ગણતાં આંગળીઓના વેઢા ઘસાઈ ગયા પણ મુરારી આવ્યા નહીં.)

જાને ક્યા પિલાયા તૂને, બડા મજા આયા,
ઝૂમ ઊઠી રે મૈં મસ્તાની દીવાની।
(દિપીકા-રણવીરની ફિલ્મનુંગીત યાદ આવ્યું?)

કેનૂ સંગ ખેલૂ હોલી?
પિયા ત્યજ ગયે હૈં અકેલી…

હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)

ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.
(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)

આજથી ત્રણેક સદી પૂર્વે ધ્રાંગધ્રા તરફના ગઢવી જીવણ રોહડિયાની ‘બારમાસી’માંથી ફાગણનો એક અંશ પણ સાંભળવા જેવો છે-

અંબા મોરિયા જી કે કેસુ કોરિયા,
ચિત્ત ચકોરિયા જી કે ફાગણ ફોરિયા.
ગલ્લાલ ઝોળી, રમત હોળી, ગોપ રમાવણાં,
આખંટ રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!
(આંબા મહોર્યાં છે ને કેસૂડા કોળ્યાં છે, ચિત્ત ચકોર જેવા ચંચળ બન્યાં છે, કારણ કે ફાગણ ફોર્યો છે. ઝોળીમાં ગુલાલ ભરી હોળી રમાય છે ત્યારે હે ગોવાળોને રમાડનાર, સ્નેહથી બંધાયેલ કૃષ્ણ! રાધા કહી રહી છે કે વ્રજમાં આવો.)

અઢારમી સદીમાં થઈ ગયેલ રણછોડ લખે છે-

કેસર કેસુ લાલ ગુલાલા, ઉરણ ભયો આકાશ ફૂલ્યો હે ફાગણ માસ.

એ જ સદીમાં થઈ ગયેલ રત્નો સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી ફાગુ કાવ્યોની પરંપરામાં ઉમેરો કરતાં કહે છે –

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ, હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ, અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ

ફાગણનાં ફૂલ ખીલી ઊઠ્યાં છે આવામાં એનો સાથ સોહામણો લાગે પણ કપટી કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. હે સોહામણા રંગવાળા શ્યામ ! ફાગણ ફોરી ઊઠયો છે.આવામાં તો અંગ ઉપર રંગ હોય તોજ શોભે પણ હે નંદજીના લાલ ! તને તો મૂળથી જ અમારી માયા નથી રહી. આવો ગુસ્સો તો કંસ ઉપર જ કરાય, ભરપૂર જોબનવંતી રાધા ટોળીમાં હોળી રમતાં રમતાં કૃષ્ણને આમ કહે છે. અંત્યપ્રાસ અને આંતર્પ્રાસની અદભુત રચનાના કારણે આ ચારણી કૃતિ સાદ્યંત સંતર્પક થઈ છે. મેઘાણી લખે છે એમ આ રચનાકારનું નામ મોટા ભાગે ભૂરો છે. કદાચ ઉપલેટાના રહીશ ભૂરો રાવળ અથવા ભૂરો મીર પણ હોઈ શકે…

કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ,
સાથ લાગ્યો સોહામણો, ફાગણ ખીલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગા ઓપીએ,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએ,
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.
જી ! કહે રાધા કાનને.
– ?ભૂરો

ભાવનગરના રાજકવિ પીંગળશીભાઈ પાતાભાઈની રાધાકૃષ્ણની આધુનિક બારમાસીમાંથી ‘ફાગણ’નો વૈભવ પ્રમાણીએ-

ફાગુન પ્રફુલિત, બેલ લલિતં, કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં, દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં, નાથ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી!
(ફાગણ ખીલતાં વેલીઓ લલિત લાગે છે, પોપટ ને કોયલો કિલકિલાટ કરતાં રસગીતો ગાય છે, પણ વસંતના આવા દિવસોમાં મારું દિલ દુઃખાય છે. પ્રથમ પ્રીત કર્યા બાદ આવી કુરીતિ કરવાની અનીતિ સારી નથી…)

Comments (9)

વસંતવિલાસ – અજ્ઞાત (ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ (અર્થાત્ જેમાં રાત અને દિવસ સરખાં છે એવી) શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંતની ઋતુ (શરૂ થઈ) છે. દસે દિશાઓમાં (પુષ્પોના) પરિમલ પ્રસરી રહે છે. અને દિગંતો નિર્મળ (વાદળવિહીન) બન્યાં છે.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

વસંતના ગુણો (લાક્ષણિક શોભા) ખીલી ઊઠ્યા છે. બધા આંબા (મંજરીથી) મઘમઘી રહ્યા છે, અને કોયલના અનંત ટહુકા ત્રિભુવનમાં (વસંતઋતુનો) જયજયકાર કરી રહ્યા છે.

માનિની જનમનક્ષોભન શિભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

માનિની સ્ત્રીઓનાં મનને ક્ષુબ્ધ કરી નાંખતા (અર્થાત્ પરાવ્શ કરી નાંખતા) મનોહર વાયરા વાય છે અને રતિક્રીડાથી શ્રમિત બનેલાં કામીજનોનાં અંગોને સુખ ઉપજાવે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

વસંતના વાયુઓ મુનિજનના મનને (કામાવેગથી) ભેદે છે (અર્થાત્ વ્યથિત કરી મૂકે છે). માનિની સ્ત્રીઓનાં માન (પ્રણયકોપ) મુકાવી દે છે, કામીજનનોના મનને આનંદ આપે છે અને પથિકજનોના પ્રાણને પીડે છે.

મયણ જિ વયણ નિરોપિએ લોપએ કોઈ ન આણ,
માનિનીજનમન હાકએ તાકએ કિશલકૃપાણ. |૨૧|

મદન જે આદેશો ફરમાવે છે તેની આણ કોઈ લોપતું નથી. (અર્થાત્ કોઈ લોપવાને સમર્થ નથી.) તે કિસલય (કૂંપળ)રૂપી કટાર સામે ધરે છે અને (પ્રિયતમથી રિસાયેલી) માનિનીઓનાં મનને ભયભીત કરે છે.

થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સ્તનો (હંમેશા) દૃઢ રહેવાનાં નથી માટે હે ગમાર સ્ત્રી, મૂર્ખતા કર નહીં. તું શા માટે રિસાય છે? યૌવન તો બેચાર દિવસ જ (ટકનાર) છે.

જિમ જિમ વિહસઈ વિણસઈ વિણસઈ માનિની માન,
યૌવનમદિહિં ઊદંપ તી દંપતી થાઈ યુવાન. |૨૭|

જેમ જેમ વનસ્પતિ ખીલી ઊઠે છે તેમ તેમ માનિનીઓનું માન (પ્રણયપ્રકોપ) ઓસરતું જાય છે (નાશ પામે છે), અને યૌવનના મદથી તે યુવાન દંપતીઓ ઉન્મત્ત બને છે.

ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ ઉપર ભરાઓ ઘૂમી (ગુંજી) રહ્યા છે, જાણે કે શૂરવીર મન્મથના (યુદ્ધ) પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકે છે!

– અજ્ઞાત
(ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

*

મધ્યકાલીન ગુજરાતમાં ફાગુકાવ્યોનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી ફાગુ એટલે વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર એમ કહી શકાય. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ ‘વસંતવિલાસ’ નામના આ ફાગુકાવ્યના કર્તાનું નામ જાણી શકાયું નથી, પણ મોટાભાગે જૈનેતર કવિની આ રચના હોવાનું મનાય છે. ૨૪ માત્રાના દોહરા અને રોળા છંદોની ગૂંથણી વડે ૮૪ કડીઓનું આ કાવ્ય વસંતઋતુ આવતાં પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા અને પ્રિયતમના આગમન અને બંનેના મિલનના વર્ણનનું કાવ્ય છે, જેમાંથી કેટલીક કડીઓ લયસ્તરોના વાચક મિત્રો માટે અહીં રજૂ કરી છે. કવિતાની ભાષા, નાદસૌંદર્ય, પ્રાસ અને આંતર્પ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે.

કડીઓ સાથેનો સરળ ગુજરાતી પાઠ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનો છે. એમનો આભાર.

Comments (1)