પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રસાદ બ્રહ્મભટ્ટ

પ્રસાદ બ્રહ્મભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વસંતવિલાસ – અજ્ઞાત (ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ (અર્થાત્ જેમાં રાત અને દિવસ સરખાં છે એવી) શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંતની ઋતુ (શરૂ થઈ) છે. દસે દિશાઓમાં (પુષ્પોના) પરિમલ પ્રસરી રહે છે. અને દિગંતો નિર્મળ (વાદળવિહીન) બન્યાં છે.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

વસંતના ગુણો (લાક્ષણિક શોભા) ખીલી ઊઠ્યા છે. બધા આંબા (મંજરીથી) મઘમઘી રહ્યા છે, અને કોયલના અનંત ટહુકા ત્રિભુવનમાં (વસંતઋતુનો) જયજયકાર કરી રહ્યા છે.

માનિની જનમનક્ષોભન શિભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

માનિની સ્ત્રીઓનાં મનને ક્ષુબ્ધ કરી નાંખતા (અર્થાત્ પરાવ્શ કરી નાંખતા) મનોહર વાયરા વાય છે અને રતિક્રીડાથી શ્રમિત બનેલાં કામીજનોનાં અંગોને સુખ ઉપજાવે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

વસંતના વાયુઓ મુનિજનના મનને (કામાવેગથી) ભેદે છે (અર્થાત્ વ્યથિત કરી મૂકે છે). માનિની સ્ત્રીઓનાં માન (પ્રણયકોપ) મુકાવી દે છે, કામીજનનોના મનને આનંદ આપે છે અને પથિકજનોના પ્રાણને પીડે છે.

મયણ જિ વયણ નિરોપિએ લોપએ કોઈ ન આણ,
માનિનીજનમન હાકએ તાકએ કિશલકૃપાણ. |૨૧|

મદન જે આદેશો ફરમાવે છે તેની આણ કોઈ લોપતું નથી. (અર્થાત્ કોઈ લોપવાને સમર્થ નથી.) તે કિસલય (કૂંપળ)રૂપી કટાર સામે ધરે છે અને (પ્રિયતમથી રિસાયેલી) માનિનીઓનાં મનને ભયભીત કરે છે.

થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સ્તનો (હંમેશા) દૃઢ રહેવાનાં નથી માટે હે ગમાર સ્ત્રી, મૂર્ખતા કર નહીં. તું શા માટે રિસાય છે? યૌવન તો બેચાર દિવસ જ (ટકનાર) છે.

જિમ જિમ વિહસઈ વિણસઈ વિણસઈ માનિની માન,
યૌવનમદિહિં ઊદંપ તી દંપતી થાઈ યુવાન. |૨૭|

જેમ જેમ વનસ્પતિ ખીલી ઊઠે છે તેમ તેમ માનિનીઓનું માન (પ્રણયપ્રકોપ) ઓસરતું જાય છે (નાશ પામે છે), અને યૌવનના મદથી તે યુવાન દંપતીઓ ઉન્મત્ત બને છે.

ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ ઉપર ભરાઓ ઘૂમી (ગુંજી) રહ્યા છે, જાણે કે શૂરવીર મન્મથના (યુદ્ધ) પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકે છે!

– અજ્ઞાત
(ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

*

મધ્યકાલીન ગુજરાતમાં ફાગુકાવ્યોનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી ફાગુ એટલે વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર એમ કહી શકાય. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ ‘વસંતવિલાસ’ નામના આ ફાગુકાવ્યના કર્તાનું નામ જાણી શકાયું નથી, પણ મોટાભાગે જૈનેતર કવિની આ રચના હોવાનું મનાય છે. ૨૪ માત્રાના દોહરા અને રોળા છંદોની ગૂંથણી વડે ૮૪ કડીઓનું આ કાવ્ય વસંતઋતુ આવતાં પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા અને પ્રિયતમના આગમન અને બંનેના મિલનના વર્ણનનું કાવ્ય છે, જેમાંથી કેટલીક કડીઓ લયસ્તરોના વાચક મિત્રો માટે અહીં રજૂ કરી છે. કવિતાની ભાષા, નાદસૌંદર્ય, પ્રાસ અને આંતર્પ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે.

કડીઓ સાથેનો સરળ ગુજરાતી પાઠ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનો છે. એમનો આભાર.

Comments (1)