ગંધ – બ્રિજેશ પંચાલ
આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.
– બ્રિજેશ પંચાલ
લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…
જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.