સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું
– હરીશ મીનાશ્રુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નેહા પુરોહિત

નેહા પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કહી દે, આવશે ક્યારે ? – નેહા પુરોહિત

ઢળી છે આંખ, ખીલ્યો ચાંદ, તું સંભારણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

ગુલાબી ઠંડીની રાતો રૂપાળી થઈ ગઈ,
નભે છે તારલા, કે કોઈ છાંટે છે જરી ?
પરોવી ચાંદનું મોતી અદીઠા તાંતણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

હું મારી આશ ગૂંથું શ્વાસના સોયા વડે,
ભરું છું વેલબુટ્ટા, રંગ સપનાનાં ચડે.
બનાવી શાલ ઓઢાડું, એ સપનું પાંપણે..
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

– નેહા પુરોહિત

નઝાકતભર્યું મધુરું ગીત….

Comments (10)

(નોખો છે) – નેહા પુરોહિત

આ તરફનો હકાર નોખો છે,
એ તરફનો નકાર નોખો છે.

એય બાવન ને સાતમાં રમતો,
એ છતાં ગીતકાર નોખો છે.

આજ નોખી તરસને માણી મેં,
આજનો ઓડકાર નોખો છે.

એટલેથી પડે નહીં પડઘો,
એટલે ઉંહકાર નોખો છે.

કેમ મારી ગતિ થતી જ નથી?
કેમ, આ ઓમકાર નોખો છે?

– નેહા પુરોહિત

મત્લાના ‘આ’ અને ‘એ’ને બાદ કરીએ, તો બાકીના ચારેય શેરના બંને મિસરાની શરૂઆત સમાન શબ્દો – એ-એ, આજ-આજ, એટલે-એટલે, કેમ-કેમ -થી થઈ છે. શબ્દોની આ નાનકડી રમત ટૂંકી બહેરની ગઝલમાં કવિરમણાનો અવકાશ ઓર ઘટાડીને કવિકર્મ વધુ મુશ્કેલ બનાવે છે, પણ સર્જક બહુ ઓછા શબ્દોમાં જાતને વ્યકત કરવાનો પડકાર સુપેરે ઝીલી લઈને સંઘેડાઉતાર ગઝલ આપી શક્યાં છે એનો આનંદ. ‘એટલે’ની પુનરુક્તિમાં યમક અલંકાર ચૂકવા જેવો નથી. સર્જકે એટલેથી પડઘો નહીં પડે એમ કહ્યું છે. અહીં એટલેથી એટલે એટલા અંતરથી એમ અર્થબોધ થાય છે, પણ આ અંતર વધુ છે કે ઓછું એ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. બહુ નજીકથી બોલવામાં આવે કે બહુ દૂરથી બોલવામાં આવે – આ બંને અવસ્થામાં કહેલી વાતનો પડઘો-પ્રતિસાદ સાંપડતો નથી એટલે નોખો ઉંહકાર સાંપડે છે. સરળ સહજ મત્લા પછીના બધા જ શેર ખાસ્સા અર્થગહન છે..

Comments (17)

(રંગરેજ) – નેહા પુરોહિત

મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..

એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

– નેહા પુરોહિત

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!

*

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..

Comments (11)

(-) – નેહા પુરોહિત


લગભગ રોજ
મારા વહેતાં જળમાં પગ ડૂબાડી
કલાકો સુધી
મને એકટસ તાકતો
બેસી રહેતો.

આજે..

મારા જ કિનારે
બેસીને
જાળ ગૂંથી રહ્યો છે..
હે સોનેરી માછલાંઓ
જતાં રહો દૂર… દૂર…
જ્યાં લગ પહોંચતા
એ ખુદ બની જાય
માછલી!

– નેહા પુરોહિત

કવિતામાં બહુધા અર્થ કરતાં અનુભૂતિનું વિશેષ મહત્ત્વ હોય છે. કહ્યું છે ને, A poem has to be, not mean! પ્રસ્તુત રચના નદીની ઉક્તિ સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી નજરે કશું ન સમજાય એવું કે અર્થકોશની બહારનું નજરે ચડતું નથી પણ કાવ્યાંતે પહોંચતા સુધીમાં અનુભૂતિ અર્થને અતિક્રમી જાય છે. ‘લગભગ રોજ’ અને ‘કલાકો’ –સમયના આ બે આયામો નદી અને મનુષ્ય વચ્ચેનો નિઃસ્વાર્થ નિર્હેતુક સ્નેહસંબંધ પ્રસ્થાપિત કરે છે. પણ જ્યારે માણસનો હેતુ બદલાતો દેખાય છે, ત્યારે નદી માછલાંઓને એટલાં દૂર ચાલ્યા જવાની સલાહ આપે છે કે ત્યાં સુધી પહોંચવામાં મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ગુમાવીને સ્વયં મત્સ્ય બની જાય. આ metamorphosis અસ્તિત્વનું નથી, હકીકતમાં તો હેતુનું છે. જેનો શિકાર કરવાની મંશા હોય, શિકારી એ જ બની જાય ત્યારે જાળ આપોઆપ ખુલી જતી હોય છે… નદી અને મનુષ્યને સામસામે બેસાડીને વાત કરતી આ રચના સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પણ લાગુ પડતી જણાય છે. પણ શરૂમાં કહ્યું એમ, કેટલીક કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું પ્રાધાન્ય વધારે હોય છે… નદીમાં તો ઓગળીને વહી જવાનું જ હોય ને!

Comments (14)

(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત

વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…

– નેહા પુરોહિત

કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.

માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.

બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…

આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી  ભીંજવતા રહે છે…

Comments (24)

આટલો તો વહાલો તું લાગ મા – નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..

ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..

નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..

– નેહા પુરોહિત

સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત.  હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…

Comments (13)

(ફોઈએ) – નેહા પુરોહિત

એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.

આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!

શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!

ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?

ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;
ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.

કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!

– નેહા પુરોહિત

આમ તો ક્રિયાપદવાળી રદીફ હોય એટલે ગઝલ કહેવી આસાન થઈ જાય પણ અહીં પ્રયોજાયેલી ક્રિયાપદવાળી રદીફમાં જે રીતે સોઈ અને ફોઈ આવી ગયાં છે એ કાબિલે-દાદ છે. સોયનું કામ બે છેડા જોડવાનું અને ફાટેલું સાંધવાનું. આટલી અમથી વાત જ્યારે બે પંક્તિના શેરમાં આવે છે ત્યારે કેવી ઉત્તમ કવિતા બની શકે છે એ તો જુઓ. સોય હોય કે જીવતર હોય, સાંધવા-ઢાંકવા સાથે પનારો પણ બહુધા સ્ત્રી જ પાડતી હોય છે, અને આ ગઝલ પણ એક સ્ત્રીના હૈયેથી જ અવતરી હોવાથી વાત આટલી દમદાર થઈ શકી છે. સ્ત્રી જ એકલી હોય તોય રોવાને બદલે મોતીની જેમ ચળકાટ વેરતા રહેવાની વાત પણ કરી શકે. બધા જ શેર સંતર્પક થયા છે, પણ સ્વનામધન્ય મક્તા તો કેવો મજાનો! પોતાના નામનો મક્તામાં આવો બખૂબી ઉપયોગ બહુ ઓછા કવિઓ કરી શકે છે.

Comments (10)

(મારામાં) – નેહા પુરોહિત

હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!

ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં..

જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..

ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં..

ના, અગોચરની કથા આ તો નહિ,
ગેબની કોઈ ઝલક મારામાં!

– નેહા પુરોહિત

ખૂબ હળવેથી હાથમાં લેવાની રચના… ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા પ્રયોજાતા છંદમાં મજાનું કામ…

Comments (7)

નણદલ માગે લે’રિયું રે બાઈ! – નેહા પુરોહિત

મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઈ!

મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઈ;
મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઈ;
મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!

તારા વીરે વખાણેલ લેરિયું રે બાઈ;
હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!

હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઈ,
એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!

– નેહા પુરોહિત

ગઈકાલે જ આપને લે’રિયાની લૂંટાલૂંટ લોકગીત માણ્યું. હવે એ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે…

Comments (6)

શોધી શકે? – નેહા પુરોહિત

તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?

કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?

ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!

સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?

– નેહા પુરોહિત

કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…

જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.

મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:

તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:

પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?

ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?

જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!

Comments (10)

નિસાસો – નેહા પુરોહિત

બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.

ઝરણ જેવું હળવેકથી હું વહું ત્યાં,
ભરે બાથમાં થઈને સમદર નિસાસો.

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.

ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો.

દિવસભર તો નાચ્યા કરે શહેરભરમાં,
રમે રાસ રાતેય ઘરઘર નિસાસો.

જરા સમતા આંજી કરી આંખ રાતી,
જુઓ, કેવો થાતો ત્યાં થરથર નિસાસો.

ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.

– નેહા પુરોહિત

નિસાસો એટલે આર્તનાદ. દુઃખની પરાકાષ્ઠાના સમયે જે નિઃશ્વાસ ઠે..ઠ નાભિમાંથી નીકળે એ નિસાસો. તો નિસાસાની ગઝલ પણ જો ઠે..ઠ નાભિમાંથી ઊઠીને આવી ન હોય તો સ્પર્શે નહીં. આ ગઝલ વાંચતાવેંત એક ડચૂરો ગળે અટકી જતો અનુભવાય, જાણે આપણા શ્વાસોને અજગર ગળતો ન હોય! પ્રિયતમને સ્વપ્નમાં પણ આવવાની કવયિત્રી મનાઈ ફરમાવે છે કેમકે સ્વપ્નમાં થતું મિલન તો મધુરુ લાગે છે પણ આંખ ખુલ્યા પછી એના વળતરરૂપે જે નિસાસા નાંખવા પડે છે એ કેમ સહેવા?! લોકોની નજરે સમૃદ્ધિ તો તરત જ ચડે છે પણ બહારથી નજરે ચડતી એ સાહ્યબીની પાછળ અથવા બીજી રીતે જોઈએ તો એ સાહ્યબી મેળવવા પાછળ જે એકલતા, તકલીફો, સંઘર્ષો વેઠવા પડ્યા છે એ કોણ જુએ જ છે? પોતાના મૃત દીકરાને પુનર્જીવિત કરાવવા બુદ્ધના શરણે આવેલ માને આખા ગામમાં એકે ઘર એવું મળતું નથી જ્યાં કોઈ અવસાન પામ્યું જ ન હોય; દુઃખની આ યુનિવર્સાલિટીને કવયિત્રી નિસાસો શરેઅભરમાં રાત-દિવસ રાસ રમે છે એમ લહીને કેવી સ-રસ રીતે રજૂ કરી શક્યાં છે! દુઃખના માથે અજરામર યયાતિનો હાથ ફર્યો છે કે શું, નિસાસો કદી જર્જરિત થતો જ નથી…

Comments (6)

વાદળજી વાયડાઈ મેલો – નેહા પુરોહિત

હવે વાદળજી વાયડાઈ મેલો,
ધરતીની સાથ વીજ-વારિનો ખેલકૂંભ પૂરી તાકાત લઈ ખેલો….
હવે વાદળજી વાયડાઈ મેલો.

સૂરજનું માનસિક સંતુલન ખોરવાયું એવું કંઈ આભે ચર્ચાય છે?
પાગલના કોપથી નમણી રૂપાળી મા ધરતી ઉઝરડાતી જાય છે.
વાયરો શું ઠારે ધરાને, જ્યાં રોમરોમ તાપથી એ ય દાઝેલો…
હવે વાદળજી વાયડાઈ મેલો !

રૂડાં એંધાણ છે આભમાં ગાભ સોળ આનીનો અહિંથી વરતાય,
મોરલાને વીનવું કે મેલી મલ્હાર, સૂર કેદારી આજે થૈ જાય !
એવી તે તાન છેડ સાંબેલાધારે એય વરસી પડવાને થાય ઘેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

ઝૂકો વાદળજી, કે ચૂમો ધરાને એને લીલવણી ચૂંદડીના કોડ ,
સોળે શણગાર સજી લેવા આતુર એણે હાથવગો રાખ્યો છે મોડ !
આવી નઠારાઈ શોભે ? જ્યાં કહેવાતું મેઘ તો છે સાગરનો ચેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

– નેહા પુરોહિત

ચોમાસું વહેલું આવશે… ૯૮% જેટલો વરસાદ વરસશે. – હવામાન ખાતાએ આગાહી કરી અને કાળાંડિબાંગ વાદળો લઈ લઈ રોજ ડોકાતો મેઘ છેહ આપીને પાછો ફરી જવા માંડ્યો. ગરમી સહન થતી નથી અને વાદળ ખાલી થતાં નથી એવામાં આવું મજાનું ગીત ન સ્ફૂરે તો જ નવાઈ… આ ગીત હિમગિરી પર ઊભો રહી યક્ષ લલકારે તો મેઘરાજે આવવું જ પડે એવું તાકાતવર ગીત!

(મોડ= લગ્ન વખતે સ્ત્રીઓ માથે રાખે છે તે મોડીઓ : લગ્ન વખતે વરની માને કપાળે બાંધવાનો સુથાડિયા નામના ઘાસની સળીનો બનાવેલો એક ઘાટ: તેની ઉપર કપડું મઢી મોતી જડી બનાવાય છે. મુકુટ એટલે મુગટ. તેમાંથી અર્થ ફેર થઈ કન્યાને કપાળ ઉપર પરણતી વખતે બાંધવામાં આવે છે તે મોડ કહેવાય છે.)

Comments (6)

વાત ક્યાં સમજાય છે ! – નેહા પુરોહિત

આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

– નેહા પુરોહિત

આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.

કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે…  ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….

Comments (8)

મને ઓઢાડો અજવાળું – નેહા પુરોહિત

ભીતરનાં અંધાર વચાળે હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું.

માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,
કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી ?
રણકારે પરખાય ઘડૂલો.. લોટી ..માણસ માળું,
મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,
પછી ય રોજેરોજ દીધાં છે અંધારું અજવાસ !
દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,
કહો પ્રભુજી શું કરવું , જ્યાં હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્‍હોરું,
આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,
સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .
મને ઓઢાડો અજવાળું .

– નેહા પુરોહિત

નકલી આધ્યાત્મિક કવિતાઓનો આપણે ત્યાં આજકાલ લીલો દુકાળ પડ્યો છે એવામાં નકરી ‘પોઝિટિવિટિ’ વાળી આવી મજાની સો ટચની રચના હાથ જડે તો દિવસ સુધરી જાય. સંસારની સહુથી મોટી સમસ્યા મનુષ્ય એક-બીજાને ઓળખી નથી શકતો એ નથી પણ કદાચ મનુષ્ય પોતાની જાતની અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરી શકતો નથી એ છે. ઘડો-લોટી વગરેને તો કદાચ રણકારથી પારખી શકાય પણ માળું આ માણસજાતને કેમ કરીને પારખવી? કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય.

Comments (9)

ગઝલ – નેહા પુરોહિત

એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને,
તોડવા સઘળાં જ સગપણ, હોય એ આપો મને.

છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું જે નિવારણ હોય, એ આપો મને.

રાતનું લઈ ચેન, આખો દિ’ જે આંસુ દઈ જતી,
એવી પ્રીતિનું વળામણ હોય એ આપો મને.

ભૂખનો મતલબ રહ્યો ના, ને તરસ કોઠે પડી,
શુષ્ક દરીયો કે સભર રણ, હોય એ આપો મને !

આજીવન દેતી રહી છું, આજીવન દેતી રહીશ,
એકદા આંસુ કે કંઈ પણ હોય એ આપો મને.

કૃષ્ણ માફક કોઇને તરછોડી દે, એ હું નથી,
ગાયધણ, વ્રજકણ કે માખણ… હોય એ આપો મને.

– નેહા પુરોહિત

સુન્દરમ્ ના ‘ઘણ ઉઠાવ મારી ભુજા’ની યાદ આપે એવા ઉઠાવ સાથે એરણ અને ઘણની માંગ સાથે ગઝલ પ્રારંભાય છે પણ અહીં કવયિત્રીને કશું જૂનું તોડી નવસર્જન અપેક્ષિત નથી. તમામ પ્રકારના સગપણથી તમામ મોરચે ત્રસ્ત થઈ ગયેલ મનુષ્યના હૈયાનો ભારોભાર આક્રોશ બીજા શેરમાં પણ તરસના નિવારણ માટે છાતી-હોઠ સળગાવવાના વિરોધાભાસ સાથે વધુ બળવત્તર બને છે. મુસલસલ કહી શકાય એવી આ રચનામાં આજીવન દેતા રહેવાની વાત અને કૃષ્ણની જેમ દગાબાજ ન હોવાની પ્રકૃતિ સ્ત્રીસહજ સંવેદન પણ ઉજાગર કરે છે.

Comments (8)

(વેદના) – નેહા પુરોહિત

મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.

વેદના સત્વો જે રગરગમાં ભરે,
વેદના એણે વખાણી હોય છે.

શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે.

નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે.

વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે,
ગાલગામાં પણ સમાણી હોય છે.

– નેહા પુરોહિત

એક-એક શેર પાણીદાર… ગઝલ જાણે વેદનાનો વેદ ના હોય !

Comments (9)

Divorcee !! – નેહા પુરોહિત

સવારે એક ચકલી આવીને શાંત ઘરમાં શોર ભરી ગઈ.
ને ગાય આંગણે ઊભીને ભાંભરી,
રાતની વધેલી રોટલીની આશાએ.
કાછિયાએ શાકભાજી વાજબી ભાવે આપ્યા,
ધોબી ઇસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.
સાંજ પણ સમયસર પડેલી,
રાત પણ !
એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી, પણ…..
એટલું કહે
આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?

– નેહા પુરોહિત

છૂટાછેડાનો અર્થ પુરુષ માટે ગમે તે હોય, સ્ત્રી માટે કંઈક અલગ જ છે. નેહાની આ કવિતામાં આ સમ્-બંધવિચ્છેદમાં સ્ત્રી-સમ્-વેદન નગ્ન છરીની જેમ આપણા અહેસાસને આરપાર ચીરીને લોહી નીંગળતો કરી મૂકે છે…. ‘એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય !

Comments (9)

ગઝલ- નેહા પુરોહિત

parpota ni jaat

ટપકતાં ટપકતાં કરી જાય ખાલી,
શું અશ્રુ જ મારી છે જાહોજલાલી ?

વિરહની વ્યથા એ તો શણગાર મારો,
ન હાથોમાં મહેંદી, નયન માંહે લાલી.

પ્રતીક્ષાની સરહદ વળોટાય ક્યાંથી ?
મને મારાં પગલાં જ દે હાથતાલી.

આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ,
દિવસ રાત વાતો તો તારી જ ચાલી.

ન સમજાઈ માયા કદી ઈશ તારી,
ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.

– નેહા પુરોહિત

ગુજરાતી કવયિત્રીવિશ્વમાં “પરપોટાની જાત” લઈને ભાવનગરથી નેહા દબદબાપૂર્વક અને પૂર્ણ અધિકારપૂર્વક પ્રવેશે છે. નેહાના ગીત-ગઝલ-અછાંદસમાંથી પસાર થતાં જ ઊડીને આંખે વળગે છે એની સ્ત્રીસહજ સુકોમળ સંવેદનની ઓરિજિનાલિટિ, લવચિક શબ્દ-વિન્યાસ અને નાવીન્યતાપૂર્ણ અભિવ્યક્તિ… લયસ્તરો તરફથી નેહાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…

Comments (15)

અમે તો પરપોટાની જાત – નેહા પુરોહિત

parpoTo_neha

*

અમે તો પરપોટાની જાત
હેત કરીને આપી તેં તો સોય તણી સોગાત!!!
અમે તો પરપોટાની જાત…

ભેટ મળી વહાલમની તો પણ કેમ રાખવી માયા ?
પોત અમારું કાચું, સાજન ! પવન તણી છે કાયા,
જળની મૂરત – ફૂંક તણો યે ક્યાં સહેશે આઘાત ?
અમે તો પરપોટાની જાત…

સૂરજ થઈને પસવારી દે તેજ કિરણનાં બાહુ
મારા ગ્રહકૂંડળનાં સઘળાં સ્થાને તુજને સ્થાપુ
એક ટશરના બદલે આપી દઈએ રંગો સાત
અમે તો પરપોટાની જાત…

– નેહા પુરોહિત

વહાલ વેરતા વેલેન્ટાઇનના દિવસે વેરી વહાલમને સળી કરતું વેલ-ઇન-ટાઇમ ગીત !

પરપોટા જેવી નાજુક પ્રિયતમા અને સોયની અણી ભેટ ધરતો બરછટ વહાલમ… કવયિત્રી કેવી કમનીયતાથી પરપોટાની ઓથમાં પોતાના લવચિક સ્નેહને વ્યક્ત કરે છે ! સોયની અણીની ભેટ ભલે વહાલમની કેમ ન હોય, જેને એક ફૂંકનો આઘાતેય જાનલેવા હોય એવો પરપોટો વળી કેમ કરીને એને હૈયે ચાંપી શકે? પણ તોય જો વહાલમ જીવનમાં પ્રકાશ થઈ આવવા ચહે તો પોતાનાં બધા જ પૂર્વગ્રહો ત્યજીને બધાં સ્થાને એને સ્થાપવા પ્રેયસી તૈયાર છે. સૂર્યનું એક કિરણ પડતાં  જ પરપોટા પર ખીલી ઊઠતાં સાત રંગોની હકીકત જે રીતે શબ્દોમાં વણી લેવાઈ છે એ ગીતને કવિતાની, સારી કવિતાની કક્ષાએ આણે છે…

હેપ્પી વેલ-ઇન-ટાઇમ ડે, દોસ્તો !

 

 

Comments (6)

તારી લાગણીનાં કેમ કરું મૂલ ? – નેહા પુરોહિત

તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…

વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?

રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?

ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…

-નેહા પુરોહિત

સ્ત્રીઓના મનોજગતમાં ડોકિયું એ હંમેશા કવિતાનો પ્રિય વિષય રહ્યો છે. અને સ્ત્રી પોતે જ્યારે પોતાના અંતરમાં ડૂબકી મારી સમવેદનાના મોતી ગોતી લાવે ત્યારે કવિતાનો રંગ કંઈ ઓર જ ઓપી ઊઠે છે. એક અભિસારિકા જ્યારે ગોપીભાવે એના મનના માધવની મુલાકાતે નીકળે છે ત્યારે એ શું શું વિચારતી હશે ! પોતાની અહર્નિશ પ્રતીક્ષા, પોતાનું માત્ર અદના માનવી તરીકેનું મૂલ્ય, વખતે-કવખતે પરોક્ષ હાજરીથી પણ સતત મદદ કરનાર માધવની કદર અને ભીતર ગમે એટલું ભર્યું પડ્યું કેમ ન હોય, લોકલાજે ખાલી હાથે મિલનની ક્ષણોની નજીક સરવું – કવયિત્રીએ કેવી કમનીય પદાવલિથી સઘળું આકાર્યું છે !

ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે !

 

Comments (17)

ગઝલ – નેહા પુરોહિત

આંસુઓનો આ તે કેવો સાથ છે
જાતનો સંદર્ભ ખારોપાટ છે.

વેલ જેવું હું વળગતી ગઈ અને
વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે.

પગલે પગલે કાળજી લેજે હવે
ચોતરફ અંગાર ફરતે રાખ છે.

મેં જ મારી જાતનો દીવો કર્યો
આવ…અહીંયાં ક્યાં કોઈ અંધાર છે !!!!

નેહા પુરોહિત
(૬/૧૨/૧૨)

ચાર જ શેરની ગઝલ પણ ચારે દિશાઓ ઉજાગર કરતી ગઝલ..  વેલ અને વૃક્ષની વાત તો શિરમોર લાગી…

Comments (18)

બે કાફિયાની ગઝલ – નેહા પુરોહિત

એક ઘર ગુમાવતું ઝળહળપણું,
દ્વારને વળગણ હશે સાંકળ તણું.

હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
ભેજના સંદર્ભમાં ઝાકળપણું.

ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
જળનું ખોવાઈ જતું ખળખળપણું.

કોઈ અમથું અમથું તડપાવે નહીં,
તેંય રાખ્યું હોય છે વળગણ ઘણું.

ચાહું કાયમ રાખવી મારી કને,
દીકરી, નડતું તને થાપણપણું.

– નેહા પુરોહિત

નેહા પુરોહિતે SMS વડે આ બે કાફિયાની ગઝલ મોકલાવી… વાંચતા જ ગમી ગઈ… પણ આ જ આધારના કાફિયા અને આ જ છંદ જાળવીને બે કાફિયાની એક ગઝલ મેં પણ લખી નાંખી. પ્રસ્તુત ગઝલની સાથે-સાથે એ ગઝલ પર પણ નજર નાંખવી ચૂકશો નહીં…

Comments (21)

ગીત – નેહા પુરોહિત

આમ જુઓ તો ઝળહળ ઝળહળ, આમ જુઓ તો આંસુ,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

છાતી માંહે સળવળ સળવળ ભ્રમરોની વણજાર,
હળવે હળવે વીંધે મારી ગઈકાલ ને આજ,
ભરી ભરી પાછું ઠલવાવું એમ થયું છે ખાસ્સું,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

તું ચૈતરીયું નભલું કોરું, હું આષાઢી મે’,
હું રે વરસું રિમઝિમ, તુંને માવઠડાનો ભે’,
આપ્યું આંખો બંધ કરી મેં, કેમ કરી તપાસું ?
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

– નેહા પુરોહિત

દહીં વલોવાય ત્યારે માખણ સપાટી પર તરી આવે છે, ભીતર વલોવાય ત્યારે આંસુ! પણ આંખની મધ્યમ મધ્યમ ઝરમર જોઈને કંઈ અંદરના ચોમાસાનો ખરો અંદાજ આવે? પોતે અષાઢનો મેઘ હોવાની પ્રતીતિ સામે પ્રિયતમ ચૈત્રનું કોરું આભ હોવાની ખાતરી કેવી દર્દદાયી હોય છે ! છાતીમાં આવ-જા કરતાં શ્વાસ પણ ભમરાની જેમ શું કાલ કે શું આજ, આખા આયખાને ડંખે છે. પોતે ઊર્મિનો છલકાતો કૂવો હોય અને પ્રિયજન પાળ બાંધી દઈ એનું છલકાવું રોકી દે એય કેવું વસમું! પ્રેમમાં તો છલકાઈ જવાનું હોય, રેલાઈ જવાનું હોય અને ભીંજવી દેવાનું હોય… પ્રેમમાં કોઈ તરસ્યું રહે એ કેમ ચાલે ? પણ કાવ્યનાયિકાની આ વેદના કાવ્યનાયક સમજશે ખરો?

Comments (19)