આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
નિનાદ અધ્યારુ

શોધી શકે? – નેહા પુરોહિત

તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?

કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?

ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!

સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?

– નેહા પુરોહિત

કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…

જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.

મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:

તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:

પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?

ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?

જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!

10 Comments »

  1. નેહા પુરોહિત said,

    August 30, 2018 @ 3:43 AM

    લયસ્તરો પર મારી રચના પ્રકાશિત કરવા માટે આભાર માનું છું.

  2. Rohit kapadia said,

    August 30, 2018 @ 5:15 AM

    ખૂબ જ સુંદર રચના. ધન્યવાદ
    ‘મા’ ના સંદર્ભે લખાયેલી બે પંક્તિના અનુસંધાનમાં પિતા માટે બે પંક્તિ –
    ઝૂંપડીમાં પણ મહેલના સુખ આપ્યા હતાં તને,
    વૃદ્ધાશ્રમની એને જરૂરત કેમ પડી, શોધી શકે?

  3. રસિક ભાઈ said,

    August 30, 2018 @ 8:09 AM

    બહુ સુંદર તાજગી ભરી ગઝલ.

  4. Rina Manek said,

    August 30, 2018 @ 8:31 AM

    Waaahhhh

  5. SARYU PARIKH said,

    August 30, 2018 @ 9:38 AM

    ખૂબ સરસ રચના. દરેક વિચારની સુંદર અભિવ્યક્તિ.
    સરયૂ પરીખ

  6. સ્વાતિ said,

    August 30, 2018 @ 9:45 AM

    Khub saras

  7. JAFFER Kassam said,

    August 30, 2018 @ 10:39 AM

    તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?

  8. La Kant Thakkar said,

    September 3, 2018 @ 9:41 AM

    {તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
    એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?}
    હા !
    આ લ્યો …. –
    { આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી? }
    આ શક્ય છે ! એની કૃપા.પહેલી શરત! બીજું . “આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? ” આ શાંત થઈ સ્થિરતા કેળવવી પડે, “પુરુષાર્થ” -સખળ ડખળ
    ન થાય એનો ખ્યાલ રાખવો .ત્રીજું ,”પાત્રતા” નિર્માણ થશે એટલે આકસ્મિક તત્ત્વ આપણી ભીતર ઊગશે !!!

    પરમ આનંદ!

    { છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
    કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
    વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
    સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
    મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
    હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક” }
    ***
    .- હું છું

    હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.
    સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું,
    અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,
    અનુભૂતિ તણો એહસાસ અમાપ છું
    ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
    પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,
    સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! કેવો આરપાર છું !
    પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું.
    ***
    આનંદ.
    ચારેકોર ગરમાટો છે,આ તે કેવો સન્નાટો છે?,આનંદ?
    હુંફાળી લહર ચાલી,અંધારામાં તેજ-લકીર ,આનંદ.

    સુવાસ અને શ્વાસના અભેદબિંદુએ સ્થિરતા, આનંદ,
    અવાજ-નાદ ને શાંતિનો કેવો આ એહસાસ છે,આનંદ.

    અહીં રાત્રિ-અંધાર ને ભડ-ભાંખળા સાથે છે આનંદ!
    તેજ-તિમિરની સીમા પર કૈંક ક્ષણોની સફર ,આનંદ.

    સંવેદના-ધારા શમી,સમથળ-થિર થવાયું,આનંદ,
    ખુદને મળ્યા, ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.

    આવજાવ બધી થમી,વિચારભાવો શમ્યા, આનંદ,
    સમય સમજણની ધારે સરકે સમમાં સ્થિર,આનંદ.

    નિસર્ગની નિશ્રામાં અલસ આશાયેશની ક્ષણો,આનંદ,
    ઇન્દ્રિયો બધી સંતૃપ્ત, સંતોષ-સુખની આ ક્ષણો,આનંદ.

    દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત,આનંદ,
    પ્રાણ-તેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.

    ***

  9. La Kant Thakkar said,

    September 3, 2018 @ 9:46 AM

    ખુદને મળ્યા, ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.
    અલમ ! – એક ધ્યાન!
    એક હું,એક હું; એક હું! હુંજ એક, એકજ હું! સિર્ફ હું,
    માત્ર હું; કેવળ હુંજ !હું, હું, હું ,હું,….માત્ર હુંજ છું!
    આ ગેબી નાદના મોજાં,ધ્વનિ આંદોલનો ભાળું હું,
    ભીતર વારંવાર ફરી ઉછળે!સતત અપરંપાર હું!
    આ ગૂંજ,આ વ્યાપ, આ રણઝણ, ધ્રૂજારી,ને હું,
    આ ઘંટારવ, આ ઘૂમરાવ!તાણી જાય છે,ઊંડે
    વમળમાં વમળ, વમળના ચક્કર! ઔર ઊંડે !
    જાણે, ‘બ્લેકહોલ’ના અકળ તળ! ને, ઠરું હું માત્ર
    બિંદુમાં,-જાણે,સોયની અણીએ ઓસબૂન્દ,જળ!
    વહેતા સમયમાં સ્થિર થયેલી એક નક્કર પળ!

  10. La Kant Thakkar said,

    September 3, 2018 @ 10:01 AM

    વાત તો સાચે જ ૧૦૦ % ખરી , બેઉની. {આસ્વાદકની પણ ,-“એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું.”}

    {તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
    એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?}
    જવાબ હાજર હોય ત્યારેજ સવાલ હોય ( ઉભો થાય ) ને?
    હા એ શક્ય છે !
    આ લ્યો … એક અનુભુતિ …
    “…ખુદને મળ્યા, ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ….”
    નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
    પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
    જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.

    .- અલમ ! – એક ધ્યાન!

    એક હું,એક હું; એક હું! હુંજ એક, એકજ હું! સિર્ફ હું,
    માત્ર હું; કેવળ હુંજ !હું, હું, હું ,હું,….માત્ર હુંજ છું!
    આ ગેબી નાદના મોજાં,ધ્વનિ આંદોલનો ભાળું હું,
    ભીતર વારંવાર ફરી ઉછળે!સતત અપરંપાર હું!
    આ ગૂંજ,આ વ્યાપ, આ રણઝણ, ધ્રૂજારી,ને હું,
    આ ઘંટારવ, આ ઘૂમરાવ!તાણી જાય છે,ઊંડે
    વમળમાં વમળ, વમળના ચક્કર! ઔર ઊંડે !
    જાણે, ‘બ્લેકહોલ’ના અકળ તળ! ને, ઠરું હું માત્ર
    બિંદુમાં,-જાણે,સોયની અણીએ ઓસબૂન્દ,જળ!
    વહેતા સમયમાં સ્થિર થયેલી એક નક્કર પળ!

    -લા’ કાન્ત ઠક્કર “કંઇક” /૩-૯-૨૦૧૮

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment