કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

(-) – નેહા પુરોહિત


લગભગ રોજ
મારા વહેતાં જળમાં પગ ડૂબાડી
કલાકો સુધી
મને એકટસ તાકતો
બેસી રહેતો.

આજે..

મારા જ કિનારે
બેસીને
જાળ ગૂંથી રહ્યો છે..
હે સોનેરી માછલાંઓ
જતાં રહો દૂર… દૂર…
જ્યાં લગ પહોંચતા
એ ખુદ બની જાય
માછલી!

– નેહા પુરોહિત

કવિતામાં બહુધા અર્થ કરતાં અનુભૂતિનું વિશેષ મહત્ત્વ હોય છે. કહ્યું છે ને, A poem has to be, not mean! પ્રસ્તુત રચના નદીની ઉક્તિ સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી નજરે કશું ન સમજાય એવું કે અર્થકોશની બહારનું નજરે ચડતું નથી પણ કાવ્યાંતે પહોંચતા સુધીમાં અનુભૂતિ અર્થને અતિક્રમી જાય છે. ‘લગભગ રોજ’ અને ‘કલાકો’ –સમયના આ બે આયામો નદી અને મનુષ્ય વચ્ચેનો નિઃસ્વાર્થ નિર્હેતુક સ્નેહસંબંધ પ્રસ્થાપિત કરે છે. પણ જ્યારે માણસનો હેતુ બદલાતો દેખાય છે, ત્યારે નદી માછલાંઓને એટલાં દૂર ચાલ્યા જવાની સલાહ આપે છે કે ત્યાં સુધી પહોંચવામાં મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ગુમાવીને સ્વયં મત્સ્ય બની જાય. આ metamorphosis અસ્તિત્વનું નથી, હકીકતમાં તો હેતુનું છે. જેનો શિકાર કરવાની મંશા હોય, શિકારી એ જ બની જાય ત્યારે જાળ આપોઆપ ખુલી જતી હોય છે… નદી અને મનુષ્યને સામસામે બેસાડીને વાત કરતી આ રચના સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પણ લાગુ પડતી જણાય છે. પણ શરૂમાં કહ્યું એમ, કેટલીક કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું પ્રાધાન્ય વધારે હોય છે… નદીમાં તો ઓગળીને વહી જવાનું જ હોય ને!

14 Comments »

  1. Hiral Vyas said,

    June 26, 2021 @ 1:44 AM

    ખૂબ જ સુંદર અને ધારદાર

  2. Shah Raxa said,

    June 26, 2021 @ 1:49 AM

    વાહ..વાહ..વાહ..સાચું…અંત લગી પહોંચતા અનુભૂતિ અર્થને અતિક્રમી ગઈ. .ખૂબ ખૂબ અભિનંદન નેહાબેન.

  3. Sandhya Bhatt said,

    June 26, 2021 @ 1:51 AM

    બહુ જ સુંદર કવિતા છે..તમારો આસ્વાદ પણ…

  4. કિશોર બારોટ said,

    June 26, 2021 @ 2:38 AM

    અતાજગીપૂર્ણ બળકટ અભિવ્યક્તિ.
    વાહ 🌹

  5. કિશોર બારોટ said,

    June 26, 2021 @ 2:39 AM

    તાજગીપૂર્ણ બળકટ અભિવ્યક્તિ.
    વાહ 🌹

  6. Harihar Shukla said,

    June 26, 2021 @ 3:04 AM

    બહુ સરસ 👌

  7. Neha said,

    June 26, 2021 @ 5:08 AM

    લયસ્તરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કવિતા તો સાહજિક અવતરતી હોય,
    પણ એને જોવાની જુદીજુદી દૃષ્ટિ આપી મજાના આસ્વાદથી મલાવવામાં
    આવે ત્યારે સર્જનનો આનંદ બેવડાય.. આ પ્રોત્સાહન માટે ધન્યવાદ.

  8. DILIPKUMAR CHAVDA said,

    June 26, 2021 @ 9:07 AM

    સુંદર કાવ્ય સાથે આસ્વાદની મઝા

  9. pragnajuvyas said,

    June 26, 2021 @ 10:08 AM

    કવયિત્રી નેહા પુરોહિતનુ સુંદર અછાંદસ
    ડૉ વિવેકના સ રસ આસ્વાદ બાદ અનુભવાયુ

  10. Pravin Shah said,

    June 26, 2021 @ 10:16 AM

    ખૂબ સુંદર કાવ્ય રચના..
    કવિને અભિનન્દન..

  11. લલિત ત્રિવેદી said,

    June 26, 2021 @ 2:00 PM

    સરસ

  12. Maheshchandra Naik said,

    June 26, 2021 @ 7:39 PM

    સરસ,સરસ..
    કવિયત્રી અભિનંદન…

  13. Poonam said,

    June 27, 2021 @ 12:54 AM

    એ ખુદ બની જાય
    માછલી!

    – નેહા પુરોહિત – આઅહા… આસ્વદ 👌🏻

  14. Rina said,

    July 1, 2021 @ 2:32 AM

    Waahhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment