હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં!
જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમ ને હું પ્રગટ મારામાં..
– નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા – નેહા પુરોહિત

આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..

ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..

નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..

– નેહા પુરોહિત

સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત.  હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…

13 Comments »

  1. હરિહર શુક્લ said,

    April 23, 2020 @ 8:17 AM

    અદ્દભૂત લયબદ્ધ ગીત👌
    …. લઈ લે આ લુચ્ચીને લાગમાં!

    લુચ્ચી શબ્દ થોડો અસહજ આખા ગીતના સંદર્ભમાં પણ ગીત બહુ સરસ. કવયિત્રીને લુચ્ચીનો વિકલ્પ નહિ મળતાં આ શબ્દ રાખ્યો છે, લાગમાં સાથે પ્રાસ પણ સરસ મળે છે 👌💐

  2. Prahladbhai Prajapati said,

    April 23, 2020 @ 9:49 AM

    nice

  3. Jayshree Bhakta said,

    April 23, 2020 @ 11:48 AM

    વાહ…. જલસો પડી ગયો…!!!

  4. pragnajuvyas said,

    April 23, 2020 @ 1:49 PM

    કવયિત્રી નેહા પુરોહિતનું સોનેરી સપનાંમાં નેહભીનાં નિમંત્રણ આપતું પ્રણય ગીત .
    અને તેનો ડૉ વિવેકનો મધુરો આસ્વાદ
    પ્રેમ સોનેરી સપનાંની સાર્વત્રિક અનુભૂતિ છે.
    અનેકોએ અનુભવેલી વાત આ રીતે કહે છે..
    ‘નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
    કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
    ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ‘
    તેમા ‘લુચ્ચી’ શબ્દ સટિક અભિવ્યક્તી !
    જૈન સાધ્વી કેશ લોચન કરતી. પોતાની જાતે માથાના વાળ ઉખાડી નાખતી. એમને લુચ્ચી કહેવાતી.
    આ લુચ્ચીની લાગણી અનુભવતાની વાતે યાદ આવે વિરાજ
    સીધી ના એ રે’તી લુચ્ચી, ટેઢી મેઢી વાંકી લુચ્ચી,
    આડી અવળી વાતોથી એ, મારું માથું ખાતી લુચ્ચી.

    ફ્યુચરનું એ પ્લાનિંગ કરતી મોટા પાયે સેવિંગ કરતી,
    શોપિંગ માટે હરતી ફરતી લાત બજેટ્ને મારતી લુચ્ચી,

    ફિગર સાચવવાને માટે સ્ટ્રીક્ટ ડાયટની વાતો કરતી,
    ડાર્કફોરેસ્ટની કેક જોઇને ખાવા તૂટી પડતી લુચ્ચી!

    સિરિયલોની વાતો લઈને ફોન ઉપર એ ગોસીપ કરતી,
    ક્રિકેટ જોવા હું બેસું ‘ને રીમોટ ઝુંટવી લેતી લુચ્ચી.

    સેડ થતાની સાથે પાછી મૌનવ્રત એ ધારણ કરતી,
    રીઝન દુઃખનું પૂછતાં એની કેસેટ ચાલુ કરતી લુચ્ચી.

    પોએમ એની માટે લખતો રોમેન્ટિક હું મૂડ બનાવી,
    ટાઈટ એવું એક hug આપીને પોએમ ફેંકી દેતી લુચ્ચી!
    ……………
    આ પ્રણય ગીતને મધમીઠા સ્વર સાથે રિધમમાં ભારતીય તાલવાદ્યની સાથે મુકવા જેવું…

  5. વિવેક said,

    April 24, 2020 @ 8:23 AM

    @ શ્રી હરિહરભાઈ શુક્લ:

    કવયિત્રીને ‘લુચ્ચી’ શબ્દનો વિકલ્પ નહિ મળતાં આ શબ્દ રાખ્યો છે – આવું આપ કયા કારણોથી કહો છો એ સમજાવશો?

  6. Suresh Shah said,

    April 24, 2020 @ 8:31 AM

    મનને ગમતુ હોવા છતા ના પાડે – લોકલાજ કે બીજુ કાઈ!

  7. Harihar Shukla said,

    April 24, 2020 @ 8:54 AM

    કવયિત્રી નેહા પુરોહિતજી એ આ ગીત એક વ્હોટ્સએપ ગ્રુપમાં મૂક્યું હતું અને આ જ comment મેં ત્યાં કરેલી એનો એમણે જ લુચ્ચીનો વિકલ્પ નહિ મળતાં એ શબ્દ રાખેલો એ સ્પષ્ટતા એમણે કરી હતી. 💐

  8. વિવેક said,

    April 24, 2020 @ 9:08 AM

    @ હરિહરભાઈ શુક્લ:

    વૉટ્સએપ પર ચાલતું કોઈ ગ્રુપ અને લયસ્તરો વેબસાઇત – આ બે અલગ પ્લેટફૉર્મ છે એટલું આપને નહીં સમજાયું હોય એ સમજવું જરા કપરું છે. બીજું, જે વૉટ્સ-એપ ગ્રુપની આપ વાત કરો છો એ કવિતા વિષયક ચર્ચા માટેનું ગ્રુપ છે, જેમાં થયેલી ચર્ચા કોઈ કવિએ સ્વીકારવાની ફરજિયાત હોતી નથી. એ ગ્રુપમાં કવયિત્રીના પોતાના શબ્દો આ હતા -“લાગમાં લેવાની વાત હતી, એટલે નાયિકા માટે લુચ્ચી લીધું. ભોળી કે ઘેલી લઈ શકાત, પણ એની સાથે લાગમાં લેવું બંધબેસતું નહીં આવે.”

    – આ વાતમાં ક્યાંય કવયિત્રીએ લખ્યું નથી કે એમને વિકલ્પ મળ્યો ન હોવાના કારણે એમણે લુચ્ચી શબ્દ વાપર્યો છે. કવયિત્રીનો પ્રતિભાવ સમજવામાં આપે કદાચ ગેરસમજ કરી છે.

    આપ વડીલ છો. અને ઊંચા ગજાના સર્જક પણ છો. જાહેરમાં કોઈ સર્જકની સમર્થતા સામે આમ વૃથા આંગળી ચીંધવી શું આપને યોગ્ય લાગે છે?

  9. હરિહર શુક્લ said,

    April 24, 2020 @ 10:05 AM

    વિવેકભાઈ, માફ કરશો વિકલ્પ શબ્દ ખોટો મૂકાઈ ગયો. હવેથી ધ્યાન રાખીશ. ફરી માફી આપની અને નેહાજીની પણ 💐

  10. હરિહર શુક્લ said,

    April 24, 2020 @ 10:09 AM

    વિવેકભાઈ, માફ કરશો, વિકલ્પ શબ્દ ખોટો મૂકાઈ ગયો. ફરી માફી, આપની, આપની સરસ વેબસાઈટની અને નેહાજીની પણ 💐

  11. નેહા પુરોહિત said,

    April 24, 2020 @ 2:11 PM

    મારી રચના માટે મને પ્રોત્સાહિત કરનાર મિત્રોનો હ્યદયપૂર્વક આભાર.
    આભાર લયસ્તરો..
    આભાર વિવેક ટેલર..

  12. Kajal kanjiya said,

    April 24, 2020 @ 11:03 PM

    આખીને આખી તો તું તાગમાં!

  13. Haresh Jamnadas Nimavat said,

    April 26, 2020 @ 1:10 AM

    मने तो लुच्ची बहु प्रभावक लागे छे.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment