ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
રઈશ મનીઆર

(રંગરેજ) – નેહા પુરોહિત

મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..

એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

– નેહા પુરોહિત

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!

*

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..

11 Comments »

  1. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 3, 2022 @ 1:03 PM

    વાહ…ખૂબ સરસ👌

  2. Varij Luhar said,

    September 3, 2022 @ 1:16 PM

    વાહ.. સરસ ગીત અને આસ્વાદ..
    રંગ કાચો પડે તોય રંગરેજ કાચો જ
    ગણાય

  3. Shah Raxa said,

    September 3, 2022 @ 1:19 PM

    વાહ..વાહ..વાહ નેહાબેન….ગીત અને આસ્વાદ ..👌👌🙏💐🌷

  4. યોગેશ પંડ્યા said,

    September 3, 2022 @ 1:19 PM

    વાહ! અદ્ભૂત ગીત!
    ભાવનગર ના કવિયત્રી નેહાબેન નું આ ગીત ખરેખર ખૂબ સરસ છે.ગીતકારે પ્રકૃતિના /મોસમના/ઋતુઓના ભિન્ન ભિન્ન રંગોની સલૂણી કલ્પના કરી એક અનુપમ અધ્યાત્મના નવરંગી વસ્ત્રને પ્રતિકાત્મક રીતે રંગવાનો રાગ ગાયો છે.પરંતુ રંગ હજી કાચો છે.એ કેવું સૂક્ષ્મ નિરીક્ષણ એમણે કર્યું છે. ?! આથમતા/ઉગતા સૂર્યનું સોનલ તેજ નો કેસરી રંગ, પાનખરનાવગડાનો પીળો રંગ, રાન(લીલાછમ જંગલ,વન) નો લીલો રંગ!!
    અહા!ગીતકારે શાહીમાં કેટલા રંગ ભર્યા છે? ખૂબ સરસ કલ્પનો..નેહાબેન હવે એક પોતાની આગવી ઓળખ લઈને ગુજરાતી ગીતલેખન ના માઈલ સ્ટોન ઉપર ઉભા છે. તેમની કલમ માંથી આવા જ સરસ ગીતો પ્રગટી ઉઠે એજ શુભકામના💐💐

  5. નેહા પુરોહિત said,

    September 3, 2022 @ 1:31 PM

    લયસ્તરોને આંગણે મારું ગીત સ.આસ્વાદ મૂકવા બદલ
    ખૂબખૂબ આભાર @vivek tailor

    આભાર રિયાઝભાઈ, વારીજ લુહારસર, રક્ષા શાહબહેન ..
    ગીતનું સુંદર આકલન કરવા બદલ યોગેશભાઈ પંડ્યાનો પણ
    આભાર.

  6. Parbatkumar Nayi said,

    September 3, 2022 @ 2:33 PM

    કાંતો કાચો રંગ પડ્યો ને કાં કાચો રંગરેજ
    વાહ
    અદભુત

  7. Jigna Trivedi said,

    September 3, 2022 @ 2:36 PM

    વાહ , આમ તો નેહાબેનના બધાં જ ગીતો ખૂબ માણવા ગમે તેવા હોય છે. અહીં પ્રસ્તુત ગીત પણ ખૂબ સરસ છે.સખી નેહાબેનને હૃદયથી અભિનંદન.

  8. Poonam said,

    September 3, 2022 @ 5:07 PM

    “ કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
    કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ! “ Waah !
    – નેહા પુરોહિત –

    Aaswad swadisth 😊

  9. નિરંજના જોશી said,

    September 3, 2022 @ 8:06 PM

    ગીત તો અનોખું છે જ! કલ્પના પણ અકલ્પનીય! પ્રકૃતિ પ્રેમ નેહાબહેને હ્રદયથી ગાયો છે. રંગરેજને કાચો કહેવાનું સાહસ સર્જક જ કરી શકે.

  10. pragnajuvyas said,

    September 4, 2022 @ 1:15 AM

    ખૂબ સરસ ગીત

  11. Mona Mehat said,

    September 4, 2022 @ 10:55 AM

    વાહ ખુબ સરસ 🙏 ખુબ ખુબ શુભેચ્છા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment