(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત
વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?
ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?
વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…
– નેહા પુરોહિત
કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.
માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.
બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…
આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી ભીંજવતા રહે છે…
રાજેશ હિંગુ said,
September 19, 2020 @ 1:42 AM
આહા…. ગીત સાથે આસ્વાદ પણ ભીંજવી ગયો..
Rinku Rathod said,
September 19, 2020 @ 1:48 AM
વાહ..અપ્રતિમ રચના અને આસ્વાદ.
Shah Rasa said,
September 19, 2020 @ 1:55 AM
વાહ..ગીત સાથે આસ્વાદ..વાહ.
Vimal Agravat said,
September 19, 2020 @ 1:58 AM
વાહ ખૂબ જ સુંદર ગીત અને સુંદર આસ્વાદ. નેહાબેન અને વિવેકભાઈ બંનેને અભિનંદન 💐💐💐
Anjana bhavsar said,
September 19, 2020 @ 3:00 AM
ખૂબ સુંદર ગીત અને એટલોજ મોહક આસ્વાદ..ફક્ત એન્ડમાં વાદળની બદલે વાદલ લખાયું છે..typing error સુધારી લેશો.
Kajal kanjiya said,
September 19, 2020 @ 4:02 AM
વાહ વાહ ખૂબ સરસ ગીત
ખૂબ ખૂબ અભિનંદન 💐
મિત્ર રાઠોડ said,
September 19, 2020 @ 4:12 AM
મસ્ત ગીત 👌👌👌
મસ્ત આસ્વાદ 👏👏👏
Manilal J Vankar said,
September 19, 2020 @ 6:23 AM
વાહ
સરસ ગીતનો સરસ આસ્વાદ!
લયસ્તરો સરસ કામ કરી રહ્યું છે એનો આનંદ છે.
Juhi Joshi said,
September 19, 2020 @ 6:33 AM
ખૂબ જ સુંદર , મધુર સંવેદનાઓ પ્રગટાવતું લયાત્મક ગીત . સુંદર આસ્વાદ.
હરિહર શુક્લ said,
September 19, 2020 @ 8:16 AM
શ્રવણની મોજ/વૈશાખી લૂ
વરસે/વર્ષોવર્ષ વરસે
મોજનો મહાસાગર 👌💐
pragnajuvyas said,
September 19, 2020 @ 12:03 PM
સુગમ સહજતા વાળુ ગીત અને મધુરો આસ્વાદ
વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…
અફલાતુન
Chetna said,
September 19, 2020 @ 1:24 PM
Saras majja nu geet aswad pan Jordar
Lata Hirani said,
September 19, 2020 @ 2:00 PM
ઓવારેી ગૈ ગેીત અને આસ્વાદ પર !
Maheshchandra Naik said,
September 19, 2020 @ 2:58 PM
સુગમ સન્ગીત માટે શિરમોર ગીત,
આસ્વાદ પણ જબરજસ્ત
કવિયત્રી ને અભિનદન……….
આઅસ્વાદક નો આભાર…..
Suresh Parikh said,
September 19, 2020 @ 6:45 PM
કલ્પના અને કાવ્યકસબ નો અદભુત પ્રયોગ . અભિનન્દન .
Suresh Parikh said,
September 19, 2020 @ 6:47 PM
Congratulations on unique imagination and artistic alliteration!
Poonam said,
September 20, 2020 @ 1:31 AM
… હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું… Vahal(la)
– નેહા પુરોહિત
Aasawad 👌🏻
નેહા પુરોહિત said,
September 20, 2020 @ 9:30 PM
Vivek Tailor
મારું આ ગીત લયસ્તરોના ખજાનામાં મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર માનુ છું.
ગીતની ઝીણીઝીણી ખૂબીઓની નોંધ લેવાઈ એનો વિશેષ આનંદ.. આખાં ગીતમાં ‘લ’ પોતાનો આવો પગપેસારો કરીને બેઠો છે એ તો મને આ આસ્વાદ માણ્યા પછી ખ્યાલ આવ્યો..
ગીતને દાદ આપનાર સહુ મિત્રોનો પણ હ્યદયપૂર્વક આભાર..
Divya Modi said,
September 21, 2020 @ 6:10 AM
જેટલું અદ્ભુત ગીત, એટલો જ મનભાવન આસ્વાદ…
બંને સર્જકો ને અભિનંદન.
લયસ્તરો હંમેશાં ગમતા નો ગુલાલ કરે છે, એને લીધે સારી સારી કૃતિઓ નવાં નવાં ઉઘાડ સાથે આપણાં સુધી પહોંચી શકે છે !!
ધન્યવાદ લયસ્તરો!!!
Divya Modi said,
September 21, 2020 @ 6:12 AM
જેટલું અદ્ભુત ગીત, એટલો જ મનભાવન આસ્વાદ…
બંને સર્જકો ને અભિનંદન.
લયસ્તરો હંમેશાં ગમતા નો ગુલાલ કરે છે, એને લીધે સારી સારી કૃતિઓ નવાં નવાં ઉઘાડ સાથે આપણાં સુધી પહોંચી શકે છે !!
ધન્યવાદ લયસ્તરો!!!
Dilip Chavda said,
September 25, 2020 @ 6:19 AM
સુંદર ગીત સાથે અતિ સુંદર આસ્વાદ
વિવેક said,
September 25, 2020 @ 8:58 AM
કવિતા અને કાવ્યાસ્વાદ બાબતે પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…
Dr Sejal Desai said,
October 2, 2020 @ 11:09 AM
ખૂબ સરસ ગીત અને આસ્વાદ… ખૂબ ખૂબ અભિનંદન અને આભાર લયસ્તરો… નવી નવી રચનાઓથી અવગત કરાવવા બદલ 👍🙏
વિવેક said,
October 3, 2020 @ 1:39 AM
આભાર ડૉક્ટર