(ફોઈએ) – નેહા પુરોહિત
એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.
આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!
શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!
ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?
ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;
ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.
કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!
– નેહા પુરોહિત
આમ તો ક્રિયાપદવાળી રદીફ હોય એટલે ગઝલ કહેવી આસાન થઈ જાય પણ અહીં પ્રયોજાયેલી ક્રિયાપદવાળી રદીફમાં જે રીતે સોઈ અને ફોઈ આવી ગયાં છે એ કાબિલે-દાદ છે. સોયનું કામ બે છેડા જોડવાનું અને ફાટેલું સાંધવાનું. આટલી અમથી વાત જ્યારે બે પંક્તિના શેરમાં આવે છે ત્યારે કેવી ઉત્તમ કવિતા બની શકે છે એ તો જુઓ. સોય હોય કે જીવતર હોય, સાંધવા-ઢાંકવા સાથે પનારો પણ બહુધા સ્ત્રી જ પાડતી હોય છે, અને આ ગઝલ પણ એક સ્ત્રીના હૈયેથી જ અવતરી હોવાથી વાત આટલી દમદાર થઈ શકી છે. સ્ત્રી જ એકલી હોય તોય રોવાને બદલે મોતીની જેમ ચળકાટ વેરતા રહેવાની વાત પણ કરી શકે. બધા જ શેર સંતર્પક થયા છે, પણ સ્વનામધન્ય મક્તા તો કેવો મજાનો! પોતાના નામનો મક્તામાં આવો બખૂબી ઉપયોગ બહુ ઓછા કવિઓ કરી શકે છે.
Kajal kanjiya said,
February 7, 2020 @ 3:04 AM
વાહ સુંદર રચના
ઝાંઝરી રણકી રહી વર્ષો પછી
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?
Sandip Pujara said,
February 7, 2020 @ 4:25 AM
વાહ… ખુબ સરસ
Narendrasinh said,
February 7, 2020 @ 4:31 AM
ખુબ સુન્દર રચના
Falguni Purohit said,
February 7, 2020 @ 5:37 AM
👌👌👌👌
લલિત ત્રિવેદી said,
February 7, 2020 @ 7:40 AM
સરસ ગઝલ
pragnajuvyas said,
February 7, 2020 @ 11:36 AM
સુ શ્રી નેહા પુરોહિતની ગઝલ ખુબ જ સરસ છે .ડૉ વિવેકજીનો આસ્વાદ પણ મધુરો ધન્યવાદ
એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.
મત્લાનો પ્રેરણાદાયી શેરે યાદ આવે
લાંબી આ સફરમાં, જીંદગીના ઘણાં રૂપ જોયાં છે,
તમે એકલા શાને રડો છો? સાથી તો અમે પણ ખોયા છે.
આપ કહો છો, આને શું દુઃખ છે? એ તો સદા હસે છે,
અરે, આપ શું જાણો, આ સ્મિતમાં કેટલું દુઃખ વસે છે.
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુઃખી છો?
પણ ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો.
આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂજ્યું નથી,
અરે, અમને તો ’કેમ છો?’ એટલું યે કોઈએ પૂછ્યું નથી.
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો?
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ-રોજ શાને મરો છો?
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઈ નથી,
એક આંખ તો બતાવો મને, જે ક્યારેય રોઈ નથી.
બસ, એટલું જ કહેવાનું છે, જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો,
નસીબથી મળી છે જીંદગી, તો એને જીવી જાણો.
અને
કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ! મક્તા નો વિચાર ગમી ગયો.આવા સારા વિચારો ને વાગોળવા અને વેચવાં જ જોઈએ એવું હું પણ માનું છું
શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ! …વિચારવમળે
સોય સોંસરવા નીકળવું કે એવો કોઇક રૂઢીપ્રયોગ છે . સીવવાની સોયની શોધ સૌથી પહેલાં હિંદુસ્તાનમાં થઈ હતી. આજથી ૨૭૦૦ વર્ષ પહેલા જે શોધાઈ હતી; તે સોય હાડકામાંથી બનાવવામાં આવી હતી. લોહચુંબકવાળી સોયનો વપરાશ સાધન તરીકે ઉપયોગ ૩,૦૦૦ વર્ષથી થાય છે એમ કહેવાય છે. ગાંધીધામમાં પણ સોયની મોટી ફેકટરી છે. પહેલા JARK NEEDLE નામ હતું , હવે જર્મની સાથે જોડાણ કરીને બની ગઈ છે SCHMETZ, અહીં સોય બનીને જર્મની એક્સ્પોર્ટ થાય અને પછી ત્યાંથી દૂનિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય !
સોય આપીને કોશ લેવી = ઠામ લઈને ઠીકરું આપવું; નાનું આપીને મોટું પડાવવું.
સોય પાછળ દોરો = એકને આધારે બીજાએ પાછળ પાછળ ચાલવું તે
Artisoni said,
February 7, 2020 @ 6:12 PM
ખૂબ જ સરસ ગઝલ
Dr Sejal Desai said,
February 10, 2020 @ 6:05 AM
વાહ
Mrs Priti Trivedi said,
February 12, 2020 @ 9:50 AM
વાહ ખુબ સરસ
ભૂપેન જીગર said,
February 13, 2020 @ 12:43 PM
અદ્ભુત ગઝલ 👏👏👏