નણદલ માગે લે’રિયું રે બાઈ! – નેહા પુરોહિત
મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઈ!
મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઈ;
મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઈ!
મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઈ;
મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
તારા વીરે વખાણેલ લેરિયું રે બાઈ;
હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઈ,
એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઈ!
– નેહા પુરોહિત
ગઈકાલે જ આપને લે’રિયાની લૂંટાલૂંટ લોકગીત માણ્યું. હવે એ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે…
Bharat vaghela said,
February 23, 2019 @ 1:41 AM
સરસ… નેહાબેન…
Nashaa said,
February 25, 2019 @ 2:00 AM
જૂની પ્રણાલી પર પ્રકાશ પાડતું લોકગીત અને એના આધારે લખેલું અને આજના સમયમાં આપ-લેની પ્રણાલીમાં સમય સાથે કેવું પરિવર્તન આવ્યું છે તે દર્શાવતું નેહાબેનનું લખેલું ગીત- બેઉ સરસ છે, ફરી એક વખત ‘રિવાજો’ ઉપર આપણને વિચાર કરતા કરી દે એવા આ ગીતો છે. સમય એવું પણ પરિવર્તન લાવ્યો છે જેમાં આવનાર વહુને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવે છે કે આવનારે કોઈ ને માટે કોઇ જ ભેટ-સોદાગો લાવવી નહીં, એ રાખવામાં નહીં આવે અને
આવનાર નવી વહુને સાસરા તરફથી યથાશક્તિ સાડી, ચુંદડી, ઘરેણાં વિ. આપવામાં આવે છે – આ વાત હું ચાલીસથી વધારે વર્ષોથી જોતી આવી છું. આ સાથે એક interesting link share કરું છું ….
http://zweiweicheeierineinerreihe.blogspot.com/2008/11/idea-of-false-generosity.html?m=1
વિવેક said,
February 25, 2019 @ 7:08 AM
@ Nashaa :
આપે બહુ સ-રસ વાત કરી… વહુને કશું પણ લીધા વિના સાસરે આવવાનું કહેવામાં આવે એ નવી પ્રણાલિકાનો હું પણ સાક્ષી છું… મારા ઘરમાં મારી પત્નીને માત્ર પહેરેલ લૂગડે આવવાનું સૂચન મેં કર્યું હતું અને એણે એ સૂચન માન્યું હતું…
Nashaa said,
February 26, 2019 @ 1:15 AM
અસલના વખતમાં પરણીને સાસરે આવે થોડા વર્ષો થાય પછી સ્ત્રીના મનમાં કદાચ જે ભાવ ઉદભવતા હશે અને જેને એ વ્યક્ત નહીં કરી શકતી હોય એ ભાવોને કવિશ્રીએ એક કાવ્યમાં વણીને પોતાના કંઠમાં રજૂ કરી હતી તેનો video અહીં share કરું છું ( કદાચ લયસ્તરો પર આ કાવ્ય આવી પણ ગયું હોય..)
https://youtu.be/5zICBtAAah0
વિવેક said,
February 26, 2019 @ 3:10 AM
@ નશાઃ
લયસ્તરો પર આ ગીત છે જ –
https://layastaro.com/?p=371
આભાર…
Hemant Madrasi said,
August 9, 2019 @ 1:59 AM
સુંદર ગીત, નેહાબેન..