જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

સપનું – નેહા પુરોહિત

રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…

– નેહા પુરોહિત

આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.

નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…

11 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    March 8, 2025 @ 1:06 PM

    કવિતા વાંચતા વાંચતા આંખ સામે તાદર્શ ચિત્ર અંકિત થઈ જાય છે ખુબ સરસ કવિતા નેહાબેન

  2. Varij Luhar said,

    March 8, 2025 @ 1:46 PM

    વાહ.. સરસ કાવ્ય અને આસ્વાદ

  3. Leena said,

    March 8, 2025 @ 1:50 PM

    Excellent

  4. વ્રજેશ said,

    March 8, 2025 @ 2:09 PM

    વાહહ. વાહહ.

  5. Lalit Trivedi said,

    March 8, 2025 @ 2:53 PM

    દેવતા કહેવાય એ તો…. ખૂબ સરસ કાવ્ય.. આ કાવ્ય હિન્દીમાં પણ અનુવાદિત થયું છે… નેહાબેન ને અભિનંદન

  6. Riyaz Langda said,

    March 8, 2025 @ 3:08 PM

    ખૂબ સરસ…

  7. Pinki Pathak said,

    March 8, 2025 @ 4:52 PM

    સચોટ ચિત્ર… મહિલા દિન નિમિત્તે શુભેચ્છાઓ 💐

  8. Dhruti Modi said,

    March 9, 2025 @ 4:10 AM

    ઘરનું વૈતરું કરતા જ ઉંમર વીતી ગઈ અને એટલે જ તો લાકડી લઈ ચાલવા જતા લાકડી જ છટકી ગઈ!
    સ્ત્રીની દશા આજ છે. આજે જ એક કાવ્ય વાંચ્યું કૈફી આઝમી સરનું જેમાં એ પત્નીને કહે છેકે, ‘ચાલ મારી સાથે બહાર નીકળ વહેમના અંધકારમાંથી ‘ શું બધા ઘરમાં આવું પ્રોત્સાહન હોય છે ?’

  9. Ramesh Maru said,

    March 9, 2025 @ 6:18 PM

    વાહ…આસ્વાદ પણ એટલો જ મજાનો.

  10. vipul jariwala said,

    March 9, 2025 @ 8:48 PM

    Very nice poem with deep meaning.
    (Review written in english as no gujarati fonts in laptop)

  11. Neha Purohit said,

    March 10, 2025 @ 2:05 PM

    લયસ્તરોમાં મારી રચના લેવા બદલ આભારી છું.
    સહુ મિત્રોની પ્રોત્સાહક ટિપ્પણીઓ માટે પણ આભારી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment