સંબંધમાં હજીપણ એ દાબ રહી ગયા છે.
પીછાં ખરી ગયાં પણ રુઆબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

(મારા જ ઘરમાં) – ચંદ્રેશ મકવાણા

શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં,
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં.

એ કમળમાં બંધ ને હું પાંપણોમાં,
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં.

આખરે ખેંચી લીધી તલવા૨ મેં પણ,
ક્યાં સુધી જીવ્યા કરું ડ૨માંને ડરમાં?

સ્હેજ કંપન આવતાવેંત જ નજરમાં
એમણે મૂકી દીધો ક૨ મારા ક૨માં.

ગીરવે મૂકીને પડછાયોય અંતે,
નીકળ્યો ‘નારાજ’ વણથંભી સફરમાં.

– ચંદ્રેશ મકવાણા

સરસ મજાની ગઝલ. ભમરાવાળો શેર શિરમોર.

Comments (4)

Please call me by my true names – Thich Nhat Hanh

Don’t say that I will depart tomorrow —
even today I am still arriving.

Look deeply: every second I am arriving
to be a bud on a Spring branch,
to be a tiny bird, with still-fragile wings,
learning to sing in my new nest,
to be a caterpillar in the heart of a flower,
to be a jewel hiding itself in a stone.

I still arrive, in order to laugh and to cry,
to fear and to hope.

The rhythm of my heart is the birth and death
of all that is alive.

I am the mayfly metamorphosing
on the surface of the river.
And I am the bird
that swoops down to swallow the mayfly.

I am the frog swimming happily
in the clear water of a pond.
And I am the grass-snake
that silently feeds itself on the frog.

I am the child in Uganda, all skin and bones,
my legs as thin as bamboo sticks.
And I am the arms merchant,
selling deadly weapons to Uganda.

I am the twelve-year-old girl,
refugee on a small boat,
who throws herself into the ocean
after being raped by a sea pirate.
And I am the pirate,
my heart not yet capable
of seeing and loving.

I am a member of the politburo,
with plenty of power in my hands.
And I am the man who has to pay
his “debt of blood” to my people
dying slowly in a forced-labor camp.

My joy is like Spring, so warm
it makes flowers bloom all over the Earth.
My pain is like a river of tears,
so vast it fills the four oceans.

Please call me by my true names,
so I can hear all my cries and my laughter at once,
so I can see that my joy and pain are one.

Please call me by my true names,
so I can wake up,
and so the door of my heart
can be left open,
the door of compassion.

– Thich Nhat Hanh

વિયેતનામના મૂળ નાગરિક એવા ટાય [ અથવા ધાય ] નાટ હાન હમણાં જ દેહવિલય પામ્યા. શિષ્યો તેઓને વ્હાલથી The Teacher કહેતા.

આજથી પંદર-સત્તર વર્ષ પહેલા બેંગ્લોરના એરપોર્ટ પર પુસ્તકોના પહાડના તળિયે પડેલા એક પુસ્તકે અકારણ ધ્યાન ખેંચ્યું હતું – OLD PATH WHITE CLOUDS – અને તે પછી તો ટીચરના ઘણા પુસ્તકો વાંચ્યા અને તેઓને સાંભળ્યા. તદ્દન સરળ વાણી, સાવ સરળ-સહજ વ્યક્તિત્વ, ધીમો સ્પષ્ટ અવાજ, પ્રેમનીતરતી આંખો – અને છતાં એક પ્રચંડ મક્કમતાની આભા એટલે ટીચર…… વિયેતનામના ખરાબ સમય દરમ્યાન તેઓ જંગલોમાં પીડિતો વચ્ચે રહેતા અને અમેરિકન સૈનિકો પણ તેઓનું ભરપૂર સન્માન કરતા. તેઓએ વિયેતનામના પીડિતો માટે પુષ્કળ આંતરરાષ્ટ્રીય મદદ મેળવી અને વહેંચી. ત્યાર બાદ ફ્રાન્સ અને અમેરિકામાં બૌદ્ધધર્મ અને ઝેનનો પ્રચાર,પ્રસાર અને શિક્ષણની પ્રવૃત્તિ જબરદસ્ત મોટા પાયે કરી. અસંખ્ય પશ્ચિમી વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય નાગરિકોને mindfullness તેમજ walking meditation ની પ્રત્યક્ષ તાલીમ આપી. અસંખ્ય શિબિરો કરી – એક દિવસથી લઈને આખું વરસ લાંબી !! પશ્ચિમમાં ઝેનને સાચા અર્થમાં સમજાવનાર બે વિભૂતિઓ – એક Dr D T Suzuki અને બીજા ટાય નાટ હાન. પોતાની માતૃભૂમિની અમેરિકાએ કશી જ લેવાદેવા વગર અક્ષમ્ય બરબાદી કરી હોવા છતાં ટીચરના મનમાં લેશમાત્ર વૈમનસ્ય નહોતું. અમેરિકાએ પણ ટીચરને ભરપૂર સન્માન આપ્યું.

‘ધર્મ’ અને ‘ધાર્મિકતા’ વચ્ચેનો તફાવત એટલે ટીચરનું જીવન. ઓશો પણ આ જ કહેતા. ટીચરની ધાર્મિકતા એક પંથની મહોતાજ નહોતી, તેઓ ખરા અર્થમાં વિશ્વમાનવ હતા અને વિશ્વકલ્યાણનાં સિપાઈ હતા. બૌદ્ધધર્મ તેઓ માટે એક Live Entity હતો અને એ વાહનની મદદથી તેઓ સમગ્ર માનવજાત સુધી પહોંચવા પ્રયત્નશીલ રહ્યા. કોઈકે તેઓને પૂછ્યું હતું કે ” શું આપ બુદ્ધત્વ પામ્યા છો ?” તો તેઓનો જવાબ હતો – ” એ મારા કશા ખપનું નથી. ” આ પ્રત્યુત્તર ઝેનની પરાકાષ્ઠા સ્તરનો છે. જે ધાર્મિકતા સમસ્ત માનવજાતના કલ્યાણમાં ઉપયોગી નથી તે ધાર્મિકતા પોથીમાંનાં રીંગણાં સમાન છે.

પસ્તુત કાવ્ય ટીચરે ધ્યાનની એ અવસ્થામાં લખ્યું હતું કે જયારે એક બાર વર્ષની દીકરી દરિયાઈ ચાંચિયાની હેવાનિયતનો શિકાર બની આત્મહત્યા કરી દે છે અને ટીચર અત્યંત વ્યથિત થઈ જાય છે. ધ્યાનની અવસ્થામાં તેઓ એ અનુભૂતિ કરે છે કે જો હું એ ચાંચિયાનાં સંજોગોમાં જન્મ્યો અને ઉછર્યો હોતે તો હું પણ આવું અધમ કૃત્ય કરી બેસતે….. અત્યાચારનો જરૂર પૂરી તાકાતથી સામનો કરવો જ રહ્યો, પરંતુ અત્યાચારી કેમ અત્યાચારી બન્યો છે તે સ્તરે જઈને જ્યાં સુધી મૂલતઃ પરિવર્તન લાવવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વ પીડામુક્ત થવું અસંભવ છે. આતતાયી પોતે પણ અત્યાચારનું જ ફરજંદ છે તે આત્મસાત કરી તે સ્તરે કામ કરવું રહ્યું….. Please call me by my true names – અર્થાત – રામ પણ હું જ છું અને રાવણ પણ હું જ છું, હણનાર પણ હું છું અને હણાનાર પણ હું છું…….

કાવ્યની ભાષા સરળ છે તેથી ભાષાંતર કરતો નથી.

https://plumvillage.org/series/thays-poetry/

– અહીં આ કાવ્ય ટીચરના પોતાના અવાજમાં…..

Comments (4)

ઝુરાપાનું ગીત – અનિલ ચાવડા

ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સુક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ
નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો
થાતો જાય ઊંડો એક ખાડો;

બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ
રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ
હોય તો જ ફરકે ને પાન!

જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?

– અનિલ ચાવડા

કવિએ ગીતનું શીર્ષક આપ્યું છે – ” ઝૂરાપાનું ગીત ” – શીર્ષક બધું જ કહી દે છે….

Comments (5)

(તમે પણ ન છોડી હોડી) – હેમંત ધોરડા

ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.

હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,
અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.

એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,
જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.

હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાં
અમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.

હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.

– હેમંત ધોરડા

(છંદવિધાન: લલગાલગા લગાગા લલગાલગા લગાગા)

સંબંધના સાગરમાં ક્યારેક સાથે સફર ખેડી હોય એવી બે વ્યક્તિ જીવનના કોઈક દોરાહે આવીને અલગ થઈ જાય એ સમયની સમ-વેદનાની સ-રસ મુસલસલ ગઝલ. પાંચેય શેરમાં બે જણની બદલાયેલી દિશાઓ અને દશાઓનો વિરોધાભાસ આપણા હૈયાને આરપાર વીંધી જાય એ રીતે રજૂ થયો છે… મજાની સંઘેડાઉતાર રચના…

Comments (5)

(બોલ ને!) – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.

ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને.

હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને.

જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને.

મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ચુસ્ત કાફિયા સાથે આખા વાક્યનો કાકુ બદલી નાંખતી એકાક્ષરી ‘ને’ રદીફ તંતોતંત નિભાવાઈ હોવાથી સહજ સરળ ભાષામાં એક સ-રસ મજાની ગઝલ આપણને સાંપડે છે.

નવી વાત ન હોવા છતાં સબળ રજૂઆતના જોર પર રચાયેલ મત્લા તો આફરીન પોકારાવે એવો. બાકીના શેરો પણ આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(બે કાવ્ય) – દર્શક આચાર્ય

૦૧.

વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.

૦૨.

વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.

– દર્શક આચાર્ય

પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!

Comments (12)

એક રાતને માટે….- મુકેશ જોષી

શ્વાસ લઈને સાંજે જઈએ સવા૨માં તો પાછા,
એક રાતને માટે શાને લેવા ખૂબ લબાચા.

કો’ક પોટલા બાંધ્યા કરતા કો’ક ભરંતા થેલા,
કો’ક જવાના ટાણે ધોતાં, જીવતર મેલાઘેલા.
સુકાય કેવી રીતે હો તરબોળ જૂઠમાં વાચા. એક રાતને……

એ બોલાવે ત્યારે કેવા હસતાં મોઢે જઈએ,
એના આમંત્રણને આવું ‘મૃત્યુ’ નામ ન દઈએ,
એ તો કેવળ મૌન વાંચશે, શું કરવી છે વાચા. એક રાતને……

પહેરી પાંખ હવાની જાવું નભની પેલે પાર,
ખખડાવો ને નસીબ હો તો હરિ જ ખોલે દ્વાર,
હસી પડે જો હરિ તો સમજો સઘળા ફેરા સાચા. એક રાતને……

– મુકેશ જોષી

પહેલી બે પંક્તિએ મન મોહી લીધું…..

Comments (4)

એ ધારજે – અંકિત ત્રિવેદી

ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.

આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય,
આવવાથી જે કશું આગળ હશે એ ધારજે.

હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં,
ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું ખુમારીને કહી દેજે મને પૂછ્યા વગર,
ધા૨વાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું કહે છે રાતભર ઊંઘ્યો નથી એવું નથી,
જાગવાથી જે કશું આગળ હશે એ ધારજે.

– અંકિત ત્રિવેદી

સરળ સહજસાધ્ય ગઝલ… સાદી ભાસતી વાતને આગળ ઉપર ધારવાનું આહ્વાન આપતી રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે…

Comments (5)

ભૂરાં પતંગિયાં – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયાં નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

આમ તો આ કવિતા લયસ્તરો પર આગળ પણ મૂકી હતી પણ આટલા વરસોમાં લયસ્તરોના વાચકવૃંદમાં ખાસો વધારો થયો હોવાથી આજે ઉત્તરાયણ નિમિત્તે આ કવિતા અહીં ફરી રજૂ કરીએ છીએ. અખિલ શાહના છદ્મનામે લખાયેલી આ કવિતાના મૂળ સર્જક છે લયસ્તરોના સ્થાપક અને સહસંપાદક ડૉ ધવલ શાહ પોતે. ગુજરાતી ભાષાના ઉત્તમ અછાંદસ કાવ્યોની પંગતમાં ગર્વભેર બેસી શકે એવી આ રચના વાંચતાં આપની આંખના ખૂણા ભીના ન થાય તો કહેજો…

આ કવિતા વિશે ધવલના પોતાના શબ્દો: “જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !”

Comments (15)

કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…

સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.

વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.

પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.

પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.

Comments (13)

સ્હાંજ ઢળે ને સૂના મનને – તુષાર શુક્લ

સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચીતર્યા લાભ, શુભ શી
આંખો, એ સુંદર…

સ્હાંજ ઢળે ને પાછાં વળતાં પંખી એને માળે
માળો ના ગૂંથ્યો હો એવાં, બેઠાં એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો, આવી સાગર પાળે
ખડક ભીંજવે, મોજાં, જાણે વ્હાલ ભર્યુ પંપાળે
વગર અષાઢે આંખતી વરસે, આંસુની ઝરમર
સ્હાંજ ઢળે ને સૂના મનને, યાદ આવતું ઘર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઇ સમાતો
માના પાલવ પાછળ જાણે, બાળક કોઇ લપાતો
મીઠી યાદ થઇને કોઇ, વાયુ ધીમો વાતો
વૃક્ષ તણા પર્ણોની કેવળ સંભળાતી મર્મર
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર

મનને આવું કાંઇ થતું નહીં, ઊગતી શાંત સવારે
બપોરની વેળાએ પણ, ના થાતી પાંપણ ભારે
સપનાં શોધતી આંખ મીંચાતી રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ કેવળ, ઢળતી સંધ્યા જ્યારે!
આમ નિરુત્તર મન જાણ છે, ઘર એનો ઉત્તર.
સ્હાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર.

– તુષાર શુક્લ

 

બે ગીત યાદ આવે છે –

સાંજ ઢલે, ગગન તલે, હમ કિતને એકાકી…..

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ હૈ…..

Comments (3)

વરસાદ ક્યાં હતો ? – ભગવતીકુમાર શર્મા

જ્યારે મળ્યાં’તાં આપણે, વરસાદ ક્યાં હતો ?
તડકો હતો ને તેય પછી યાદ ક્યાં હતો ?

ફૂલો ભરી શક્યાં ન વસંતે મુશાયરો ;
સુરભિત હવામાં દાદનો ઉન્માદ ક્યાં હતો ?

ચારેય ભીંતો શાંત હતી ને અલગ અલગ ;
બારી ને બારણાંઓમાં વિખવાદ ક્યાં હતો ?

જીવનના રસના ઘૂંટડા એમ જ ભર્યાં હતા ;
કડવો કે મીઠો એમાં કશો સ્વાદ ક્યાં હતો ?

પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં ;
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો ?

વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?

– ભગવતીકુમાર શર્મા

વ્યથાસભર ઓબ્ઝર્વેશન્સ…..ત્રીજો શેર – ” ચારેય ભીંતો….” એક ઊંડી સ્તબ્ધતા છોડી જાય છે…

Comments (5)

ટ્રાઇકુ – રવીન્દ્ર પારેખ

પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી

પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી

સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી

– રવીન્દ્ર પારેખ

બહુ જાણીતો ન હોવા છતાં ટ્રાઇકુ સાવ નવો પ્રકાર પણ નથી. એના વિશે ખાસ આધારભૂત માહિતી નથી પણ વિન્સ પેઇજ નામના એક કવિએ સહુથી પહેલાં આ પ્રકાર પર હાથ અજમાવ્યો હોવાનું ગૂગલદેવતા (allpoetry.com) કહી રહ્યા છે.

ગુજરાતી કાવ્યક્ષેત્રે આ કાવ્યપ્રકારની પહેલ કરી છે કવિશ્રી રવીન્દ્ર પારેખે. કવિના કહેવા મુજબ આ કાવ્યપ્રકારના અલ્પ અંગ્રેજી ખેડાણથી અનભિજ્ઞ એમણે સ્વતંત્રપણે આ કાવ્યપ્રકારનું સર્જન કર્યું છે. દાવો એટલા માટે સાચો જણાય છે કે અંગ્રેજી ટ્રાઇકુ મહામુશ્કેલીએ પણ માંડ હાથ લાગે છે. ટ્રાઇકુ વિશે થોડું કવિશ્રી રવીન્દ્ર પારેખના પોતાના શબ્દોમાં-

આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.

Comments (13)

વ્હાણની આંખે – જિતેન્દ્ર પ્રજાપતિ

એમ તારી યાદનાં પગલાં ફૂટ્યાં,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યાં જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.

Comments (4)

(અદાવત નથી, હોં!) – ડૉ. દક્ષેશ ઠાકર

જરા જેટલી પણ બગાવત નથી, હોં!
ખુદા સાથે મારે અદાવત નથી, હોં!

ભલેને કર્યો ના કદી ન્યાય એણે,
છતાં એના માટે શિકાયત નથી, હોં!

તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!

ગમે તેટલા ચાંદ નખરા કરે, પણ
નથી, તારા જેવી નજાકત નથી, હોં!

હતો એ સમય ને હતી કેવી દુનિયા!
હવે માણસોમાં શરાફત નથી, હોં!

– ડૉ. દક્ષેશ ઠાકર

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાહોશતમ કુલપતિ તરીકે અને અનેક પુસ્તકોના લેખક-સંપાદક તરીકે આપણે સહુ એમને ઓળખીએ છીએ. એમની ગતિ અને પ્રગતિ જોઈએ તો ઓત્તારીની જ બોલાઈ જાય! જુઓ તો, ગઝલની દુનિયામાં એમણે હજી તો પહેલું પગલું જ મૂક્યું હતું ને એક જ વરસમાં તો ગઝલસંગ્રહ પણ હાજર થઈ ગયો… નામ પણ ‘ઓત્તારીની’ જ! લયસ્તરો પર કવિનું અને ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત કરીએ છીએ અને સંગ્રહમાંથી એક મજાની રચના રજૂ કરીએ છીએ…

Comments (29)

રોશનીમાં અંધારું ભેળવીને આપો…- મુકેશ જોષી

રોશનીમાં અંધારું ભેળવીને આપો,
મારે ના જોઈએ સૂરજમુખી,
રાતરાણી ઊગે તોય કાપો…

બળબળતી રેતીથી છેટો રહું ને
રહું દરિયાનાં મોજાંથી દૂર
પળમાં છલકાય વળી પળમાં સુકાય
મારે ઝરણાનાં પ્હેરવાં નૂપુર
તરતાં ન આવડે ને હોડી ના જોઈએ
આપો નાનકડો તરાપો… મને રોશનીમાં

નભનાં પોલાણ નથી ચીરવાની આશ
નથી પાતાળો ફાડીને જોવાં
થોડાં આંસુ મારે હસવાને હોય
અને થોડાં આંસુઓ હોય રોવા
કાંટાળી કેડી કંડારવી નથી
છતાં પથરીલો પંથ ભલે વ્યાપો.. મને રોશનીમાં

પગલાંમાં હણહણતા ઘોડા ન હોય
નહીં કીડીઓના વેગ સમી ચાલ
થોડું દોડાય, થોડું હાંફી જવાય
થોડા સાચા-ખોટા હો ખયાલ
મળવાની આશ ભલે સાચી ઠરે
છતાં કીકીઓને જોઈએ ઝુરાપો.. મને રોશનીમાં

– મુકેશ જોષી

 

કવિને “ ચૌદહવી કા ચાંદ “ જોઈએ છે….પૂનમનો નહીં. ચૌદસનો ચાંદ વિકાસ પામે….પૂનમનો ચાંદ ક્ષીણ થતો જાય. ચાંદીમાં જેમ ડાઘ છે તેમ કવિને કંઈપણ સંપૂર્ણ નથી જોઈતું-કંઈક અધૂરું હશે તો વિકાસ શક્ય રહેશે…યાત્રામાં મજા રહેશે….

Comments (3)

તમને તો – જગદીશ જોષી

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ :
અમને તો એ જ લાગે સાચું : કે ભમરાને હોય કદી ફૂલોની, ફોરમની ભીંસ ?

કેવો ઉમંગ લઈ વૈશાખી વાયરો વગડાને વીંધીને આવ્યો ?
ફોરમનાં જુલ્ફમાં ક્યાંક હું લપાઉં એવા મનગમતા ખ્યાલને ઝુલાવ્યો !
જરા મરમ કરીને તમે પાસે આવો, પછી પડખું ફરો : અને અમરતને કહી દિયો વિષ
તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

તમને તો ગુલછડી હાથમાં ખપે : નહીં વાળમાં ગૂંથાયેલું ફૂલ :
ઝરતાં આંસુને તમે ઓળખો નહીં ને તમે ધોળાં વાદળમાં મશગૂલ :
આઘેની મીટ અને પાસેની પ્રીત અને તૂટેલો લય અને નંદવાયું ગીત – મારા
મૂગાં આ હોઠે ગુંજીશ !

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

– જગદીશ જોષી

પ્રેમ હોય, સહવાસ હોય, કદાચ લગ્નનું બંધન પણ હોય…પરંતુ કોઈક વાર બે હૈયા વચ્ચે તાદાત્મ્ય નથી હોતું….ક્યાં તો ભાષા અલગ છે, ક્યાં તો અભિવ્યક્તિ ભિન્ન છે, ક્યાં તો એષણાઓ જુદી છે….પ્રેમ છે, પણ હૈયા એકતાલે ધબકતા નથી.

આ કોઈ કવિ-કલ્પના નથી. આ વાસ્તવિકતા છે અને ઘણી વ્યાપક વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિનું કોઈ સરળ નિવારણ નથી. શનૈઃ શનૈઃ આ જ સ્થિતિ બે હૈયાને વિખૂટા કરતી જતી હોય છે….

Comments (4)

વર્ષો – પારુલ ખખ્ખર

નથી ઊંચકાતાં વજનદાર વર્ષો,
છતાં જાય ભાગ્યાં તડામાર વર્ષો.

તમારા પછીનું આ પહેલું વરસ છે,
હવે કાપવાનાં લગાતાર વર્ષો.

યુગોના યુગોથી જે ક્ષણ ના ભૂલાતી,
એ ક્ષણમાં ભૂલાતાં ઘણીવાર વર્ષો.

અચાનક નવા સ્વાંગમાં આવી ઊભાં,
કર્યાં’તાં અમે જે તડીપાર વર્ષો.

ઘણું છીનવ્યું છે, હજુયે છીનવશે,
છે મારાં, તમારાં ગુનેગાર વર્ષો.

જે બેચાર વર્ષોમાં ખૂલ્યાં ને ખીલ્યાં
જીવાડે હવે એ જ બેચાર વર્ષો.

લખે છે કવિતા એ મારાથી ઊંચી
છે મારાથી ઊંચા કલાકાર વર્ષો.

– પારુલ ખખ્ખર

કોરોનાગ્રસ્ત વીસ અને એકવીસ તો વીત્યાં… બાવીસની શરૂઆત પણ કોરોનાના પુનઃસૂર્યોદયથી જ થઈ છે… આવામાં વર્ષોની વાત કરતી એક મનભર રચનાથી વર્ષ બે હજાર બાવીસનો પ્રારંભ કરીએ… ઉમદા કસબ અને શબ્દગૂંફણીના કારણે રચના આખીયે મનનીય થઈ છે…

Comments (4)

(ભલા માણસ) – નીરવ વ્યાસ

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ,
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કૈં જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઈ ખુલાસા નહિ,
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

હજારો દાવેદારી છે, તમારી થોડી મિલકતમાં,
અમારી પાસે શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ, ‘નીરવ,’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

– નીરવ વ્યાસ

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…

Comments (5)

(છંછેડાઈ ગયા ને?) – કૃષ્ણ દવે

સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?

મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?

ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?

‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?

– કૃષ્ણ દવે

ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. બધા જ શેર સહજ સાધ્ય છે…

Comments (4)

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त – મિર્ઝા ગાલિબ

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ

ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.

ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ

નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…

ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ

ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..

इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ

એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..

लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ

ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!

तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ

તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….

हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ

મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..

– મિર્ઝા ગાલિબ

સદીઓમાં એક ગાલિબ પાકે !!!

Comments (4)

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

Comments (7)

કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.

– નિરંજન ભગત

‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…

સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.

પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.

આજે ‘કરોળિયો’ની વાત કરીએ:

કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!

Comments (7)

(દુબારાની મોસમ!) – નિનાદ અધ્યારુ

નજરથી નજરના નજારાની મોસમ,
છે કાચી-કુંવારી કુંવારાની મોસમ !

તમે બ્હાર નીકળો તો માલૂમ પડે ને !
તમે ક્યાંથી જાણો કિનારાની મોસમ !

તમે જો વધારે સમય ફાળવો તો,
બનાવીને બેસું વધારાની મોસમ !

તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો,
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ !

હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો,
અમે જોઈ લીધી સિતારાની મોસમ !

અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.

‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
અમારી આ આંખે દુબારાની મોસમ !

– નિનાદ અધ્યારુ

શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…

Comments (13)

……..नहीं देखा – પરવીન શાકિર

बिछड़ा है जो इक बार तो मिलते नहीं देखा
इस ज़ख़्म को हम ने कभी सिलते नहीं देखा

બિછડનાર ફરીને મળતો નથી…આ ઝખ્મ ભરાતો નથી

इक बार जिसे चाट गई धूप की ख़्वाहिश
फिर शाख़ पे उस फूल को खिलते नहीं देखा

અર્થાત – એકવાર દૌલતની ચમક આંખને આંજી નાખે, પછી એમાં કોમળ લાગણીને પારખવાની શક્તિ નથી રહેતી. “પૂરબ ઔર પશ્ચિમ ” પિક્ચરનું ગીત યાદ આવી જાય – ” નઝર મેં સિતારે જો ચમકે ઝરા, બૂઝાને લગી આરતી કા દિયા ”

यक-लख़्त गिरा है तो जड़ें तक निकल आईं
जिस पेड़ को आँधी में भी हिलते नहीं देखा

એકાએક એવું ઉખડયું કે મૂળસોતું પડી ગયું, એ વૃક્ષ કે જે આંધીમાં તસુભર હાલ્યું નહોતું…. – પાષાણને તલવાર ન તોડી શકે, કુમળા છોડના મૂળિયાં પાષાણને વીંધી નાખે ! બીજા અર્થમાં, પરાયાના ઘા સહી શકાય, પોતીકાની એક ટપલી આપણને મૂળસોતા જમીનદોસ્ત કરી દે.

काँटों में घिरे फूल को चूम आएगी लेकिन
तितली के परों को कभी छिलते नहीं देखा

આ શેર શિરમોર છે. આ શેરને ખાતર આખી ગઝલ અહીં મૂકી છે. વાહ !!

किस तरह मिरी रूह हरी कर गया आख़िर
वो ज़हर जिसे जिस्म में खिलते नहीं देखा

એ ઝેર એવું હતું જે માત્ર આત્મા પર જ અસર કરી ગયું. એ શરીર પર અસર બેઅસર રહ્યું. અર્થાત – સનમનો પ્રહાર એવો આકરો હતો કે તેણે સીધો આત્મા પર જ આઘાત કર્યો…..

– પરવીન શાકિર

Comments (2)

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

Comments (2)

ધરતીના લીલા કાગળ ૫૨ – હેમેન શાહ

આ કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,
ધરતીના લીલા કાગળ પ૨ ઝાડ કશું ટપકાવે છે!

વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,
એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.

આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને,
નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે!

મોસમ એવી છે કે પથ્થ૨ ૫૨ પણ, કૂણું ઘાસ ઊગે,
એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.

ઊભા રહીને બ્હાર, ઉકેલો આ પાણીના અક્ષરને,
કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?

– હેમેન શાહ

આમ તો શિયાળો બરાબર જામ્યો છે પણ કેટલીક કવિતાઓ બારમાસી હોય છે. વરસાદ ઉપર કવિનું આ પાંચ શેરનું મેઘદૂતમ્ તો જરા જુઓ! વરસાદ કેમ આવે છે એ સવાલ પૂછ્યા વિના કવિ જવાબ આપે છે કે કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે એટલે વરસાદ આવે છે. મેઘધનુષ ગમે એટલું સુંદર કેમ ન લાગે, એનું આયુષ્ય બહુ અલ્પ જ હોવાનું. જીવનની ફિલસૂફી જ સમજો ને! નાની અમથી વસ્તુ પણ બહુ મોટી અસર જન્માવી શકે છે, ખરું ને? ક્ષણાર્ધ માટે આકાશમાં ઝબકી જતી વીજળીના ચમકારા કોને પસંદ નહીં હોય, કહો તો?! પથ્થર પર ઘાસ ઊગે એ હકીકતને કવિ પથ્થરદિલ પ્રિયજનના હૃદયમાં લાગણી ફૂટવા સાથે સ-રસ રીતે સાંકળી લઈ પ્રેમીઓને નિરાશ ન થવાનો કાવ્યાત્મક સંદેશ આપે છે. અને છેલ્લો શેર… વાત તો સાચી જ છે ને! વરસાદની આ કવિતા આમ અહીં વાંચવાના બદલે એ વરસતો હોય ત્યારે તરબોળ થવાનો આનંદ કેમ ન લેવો?

Comments (12)

(…પણ સમજ સાથે) – દર્શક આચાર્ય

પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.

સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.

સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.

– દર્શક આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.

Comments (13)

ચડાઉ પાસ – સૂચિતા કપૂર

મારાં બાળકો
મારો પતિ
મારો પરિવાર
રોજ મને ટોકે છે.
ઉલટ તપાસ પણ કરી લે ક્યારેક.
મને ઘણું બધું નથી આવડતું
લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સિસ્ટમો
બેન્કિંગ નથી સમજાતું
ત્યાં નેટ બેન્કિંગ.
ઓનલાઇન ફોર્મ
ઓનલાઇન બુકિંગ
મેકઅપ,
સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતા
મને આવડતું નથી.
તો કેમ બોલવું
અને શું બોલવું
તે તો હું શીખી જ નહિ.
હું બાઘાની માફક ચૂપચાપ
સાંભળતી રહુ છું.
વાંક મારો છે.
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય
તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.
બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.
જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી.
એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,
હું ‘ને મારી આખી બેચ
અમે બધાજ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.
જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.
ચડાઉ પાસ.

– સૂચિતા કપૂર

આ કવિતા નથી. બહુ ઓછા અપવાદો સિવાય પ્રવર્તતા સનાતન શાશ્વત સત્યના હાથે પુરુષપ્રધાન સમાજના ગાલ પર પડેલો એક સણસણતો તમાચો છે. ઘરમાં નાનાં બાળકો અને પુરુષો જેટલા ટેકનૉસેવી જોવાં મળે છે,. એટલી સ્ત્રીઓ વધુ જોવા મળતી નથી. બેન્કિંગ પણ શીખવાની જેને તક ન મળી હોય, એ નેટ-બેન્કિંગ કરવાનું આવે તો ગોથાં ખાય જ ને! પુરુષોએ સ્ત્રીઓનો કદી સુવાંગ વિકાસ થવા દીધો જ નથી. કોઈ સ્ત્રી આપબળે આગળ આવે તો જમાનાની આંખો ચાર થઈ જાય, એને જજ કરવાનું, એના પર લેબલ લગાવવાનું શરૂ થઈ જાય. પ્રસ્તુત રચનામાં ક્યાંક થોડી અતોશયોક્તિ પણ લાગે પણ સરવાળે વાત સિદ્ધ થાય છે એ વધુ અગત્યનું છે. ચડાઉ પાસ શબ્દપ્રયોગ કવિતામાં જે ઘડીએ આપણને મુખામુખ થાય છે તે જગ્યાએથી સ્ત્રીનો સહજ સામાન્ય પ્રલાપ લાગતો ગદ્યખંડ અચાનક જલદ કાવ્યસ્વરૂપ ધારણ કરે છે… ઘરસંસારમાં જોતરાઈ ગયેલા બળદને ઘાણી બહારની દુનિયા જોવાની તક જ મળતી નથી… જે ક્ષણે કવયિત્રી પોતાના ‘હું’માં આખી બેચને સામેલ કરે છે એ ઘડીએ કવિતા સ્વથી સર્વ તરફ ગતિ કરે છે… વયષ્ટિ સમષ્ટિમાં પલોટાય છે… કવિતા આખેઆખી સ્વયંસિદ્ધ હોવાથી વિશેષ કશું કહેવાપણું રહેતું નથી…

Comments (10)

हम कि ठहरे अजनबी – ફૈઝ અહમદ ફૈઝ

हम कि ठहरे अजनबी इतनी मुदारातों के बा’द
फिर बनेंगे आश्ना कितनी मुलाक़ातों के बा’द

આટલી બધી ખાતિરદારી કરવા છતાં એક અમે જ અજનબી રહી ગયા. કોણ જાણે કેટલી મુલાકાતો પછી ફરી મિત્ર બનીશું… [ આ શેર 1974માં ઢાકાની મુલાકાત બાદ વિમાનમાં કહ્યો હતો – કદાચ તે વખતની રાજકીય પરિસ્થિતિથી વ્યગ્ર થઇ ને કહ્યો હશે. ]

कब नज़र में आएगी बे-दाग़ सब्ज़े की बहार
ख़ून के धब्बे धुलेंगे कितनी बरसातों के बा’द

કોણ જાણે ક્યારે બે-દાગ હરિયાળી નજરે ચડશે….. લોહીના ધબ્બાઓ કેટલા બધા ચોમાસે ધોવશે…..[ આ પણ બાંગ્લાદેશના રક્તપાત સંબંધે લાગે છે ]

थे बहुत बेदर्द लम्हे ख़त्म-ए-दर्द-ए-इश्क़ के
थीं बहुत बे-मेहर सुब्हें मेहरबाँ रातों के बा’द

પ્રેમના અંતકાળની દારુણ વેદનાની પળો અત્યંત દર્દનાક હતી…મહેરબાન રાતોની સવાર ખૂબ જ નિર્મમ હતી… પ્રેમની પૂર્વશરત જ એ છે – વીંધાવા માટે તૈયાર હોવું…. જિબ્રાન એ જ કહે છે – ” પ્રેમનો વાઈન માદક જેટલો છે તેટલો જ દાહક છે ”

दिल तो चाहा पर शिकस्त-ए-दिल ने मोहलत ही न दी
कुछ गिले शिकवे भी कर लेते मुनाजातों के बा’द

દિલ તો બહુ હતું પણ દિલના ઘોર પરાજયે અવકાશ જ ન આપ્યો, બાકી બંદગી બાદ અલ્લાહ સાથે થોડી રાવ-ફરિયાદ પણ કરી લેતે… – આ મારો પ્રિય શેર છે. ઘણીવાર મન એવું ઉઠી જાય કે હજાર હાથવાળા પાસે કંઈ કહેવા-માંગવા હાથ ઊંચકાતો જ નથી. ડૉ મુકુલ ચોક્સી યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા….”

उन से जो कहने गए थे ‘फ़ैज़’ जाँ सदक़े किए
अन-कही ही रह गई वो बात सब बातों के बा’द

નજરાણામાં ઉતારેલું મસ્તક લઈ એમની સાથે જે વાત કરવા ગયા હતા, ત્યાં આડી-તેડી વાતો બાદ મૂળ વાત તો અનકહી જ રહી ગઈ…. કદાચ સંકોચ કારણભૂત હશે, કદાચ ઠંડા આવકારથી એટલો તીવ્ર અભાવ થઈ આવ્યો હશે કે મન જ ન થયું એ વાત કરવાનું, કદાચ તેઓ જાતે જ જો ન સમજે તો ફોડ પાડીને કહેવું વ્યર્થ લાગ્યું હશે……- જે પણ કારણ હોય, જીભ ઉપડી નહીં…મનની વાત મનમાં રહીને નાસૂર બનશે હવે….

–  ફૈઝ અહમદ ફૈઝ

 

નૈયારા નૂર 👇🏻

 

Comments (6)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

માતૃમહિમા : ૦૭ : મમ્મી પ્યારી – એમી આર. એડિંગ્ટન (અનુ.: વિવેક મનહર ટેલર)

તે મારી મા છે,
એક દુર્દાન્ત, અપ્રાપ્ય ધ્યેય.
લોખંડી અને મખમલી અને અક્ષમ્ય વખાણથી બનેલી સ્ત્રી.
એ એ તમામનું માપ છે,
જે હું કદી બની શકનાર નથી.
એ મને જુએ છે અને મારી આરપાર જુએ છે.
એ મને ચાહે છે પણ એના કાંટાળી વાડવાળા દિલથી,
મને અનુમોદનની
અવિરત તડપની સાંકળમાં જકડી રાખીને.
હું મારું માથું ઈંટોની દીવાલ સાથે
અવિરતપણે અફાળ્યા કરીશ,
જો તું મને માત્ર એટલું કહી દે કે તું મને પ્રેમ કરે છે,
તને મારા પર ગર્વ છે,
બસ, કહી દે કે હું સારી છું.
સ્વ-મૂલ્યનના તમામ માપદંડ એક જ સ્ત્રીમાં ભર્યા પડ્યા છે
જે મને એટલો પ્રેમ કરે છે
કે મને ચીરી નાંખી શકે છે.

– એમી આર. એડિંગ્ટન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પુષ્કળ શોધખોળ કરવા છતાં માતા અને સંતાનોના સંબંધમાં ઉદભવતી તકલીફો વિશે બહુ ઓછી કવિતાઓ જ હાથ લાગી. આ વિષય પર દિલીપ ઝવેરીની એક અદભુત રચના થોડા દિવસ પહેલાં આપણે માણી. એક રચના મારી પણ આપ અહીં માણી શકો છો. આજે જે રચના અહીં પૉસ્ટ કરી છે, એના કવયિત્રીનું નામ બિલકુલ જાણીતું નથી. એમણે લખેલી અન્ય કોઈ રચનાઓ પણ હાથ આવતી નથી.

દીકરી માને પુષ્કળ પ્રેમ કરે છે અને મા પણ દીકરીને પ્રેમ કરે છે પણ જિંદગી માટે પોતે ‘સેટ’ કરેલ સિદ્ધાંતોના ભોગે નહીં. સંતાનો માટે મા-બાપ જીવનના પ્રથમ આદર્શ હોય છે અને દરેક સંતાન કમસેકમ જીવનની શરૂઆતમાં તો મા-બાપ જેવા જ બનવાનું નિર્ધારતાં હોય છે. પણ અહીં દીકરી મા માટે મા એક અદમ્ય અને અપ્રાપ્ય ધ્યેય છે. એનું વ્યક્તિત્વ લોખંડી પણ છે અને મખમલી પણ. કઠોરતા અને ઋજુતાના સંમિશ્રણથી બનેલી મા દીકરીની આરપાર તાગી શકે એવી તીક્ષ્ણ નજર પણ રાખે છે. એ દીકરીને પ્રેમ તો કરે છે પણ એના હૃદયની ફરતે કાંટાળી વાડ છે અને દીકરીએ માનો સ્નેહ મેળવવા માટે અવિરતપણે તડપતા રહેવું પડે છે, કેમકે માએ નિર્ધારિત કરેલ પદચિહ્નો પર ચાલી ન શકે ત્યાં સુધી મા એને પ્રેમામૃતનો સ્વાદ ચખાડનાર નથી. દીકરી માને એટલો પ્રેમ કરે છે કે ખાલી એકવાર પણ જો મા એમ કહી દે કે એ એને ચાહે છે, એને એના પર ગર્વ છે અને એ સારી દીકરી છે, તો બદલામાં આખી જિંદગી દીવાલમાં માથું અફાળ્યા કરવાની સજા ભોગવવા પણ એ તૈયાર છે. પણ મા પોતે નક્કી કરેલ સ્વમૂલ્યનના માપદંડ પરથી તસુભર પણ નીચે ઉતરવા માંગતી નથી, ભલે દીકરી એના પ્રેમની તરસમાં ચિરાઈ કેમ ન જાય!

આપણામાંથી ઘણાને વધતે-ઓછે અંશે આ અનુભવ થયા જ હશે. દરેક માતા પોતાના સંતાનોને સુપર-કિડ જોવા માંગે છે. અભ્યાસ, રમત-ગમત, કળા –તમામ ક્ષેત્રમાં અગ્રેસર આવવા માટે માતાઓ સંતાનોને સતત પ્રેસરાઇઝ્ડ કરતી જ રહે છે. દર થોડા દિવસે અખબારમાં સમાચાર આવતાં રહે છે કે નવમા-દસમા-બારમા ધોરણમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. ખલિલ જિબ્રાનની આ વાત આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવી છે:

Your children are not your children.
They are the sons and daughters of Life’s longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.
You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
You may strive to be like them, but seek not to make them like you.

*
mommy dearest

She is my mother,
that indomitable, unattainable goal.
A woman of iron and silk and unforgiving praise.
She is the measure of all that
I will never be.
She sees me and looks right through me.
She loves me with a barbed wire heart,
chaining me to a relentless yearning
of approval.
I will beat my head
endlessly against a brick wall
if you simply say you love me,
say you’re proud of me,
say I’m good.
All measure of self-worth is wrapped
in the one woman who loves me enough
to tear me apart.

– Amy R. Addington

Comments (8)

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

માતૃમહિમા : ૦૫ : મા – જયન્ત પાઠક

ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.

રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.

– જયન્ત પાઠક

મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?!  મા તે મા, બીજા બધા વગડાનાં વા !    જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!

હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.

Comments (5)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)

માતૃમહિમા : ૦૩ : सिपाही का मर्सिया – फैज़ अहमद फैज़

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

तुमरी सेज सजावन कारन
देखो आई रैन अँधियारन
नीले शाल-दोशाले ले कर [ ઘેરા રંગની શાલ ]
जिन में इन दुखियन अँखियन ने
ढेर किए हैं इतने मोती
इतने मोती जिन की ज्योती
दान से तुम्हरा, जगमग लागा
नाम चमकने

उट्ठो अब माटी से उट्ठो
जागो मेरे लाल
अब जागो मेरे लाल

घर घर बिखरा भोर का कुंदन [ સવારનો સોનેરી તડકો }
घोर अँधेरा अपना आँगन
जाने कब से राह तके हैं
बाली दुल्हनिया, बाँके वीरन
सूना तुमरा राज पड़ा है
देखो कितना काज पड़ा है
बैरी बिराजे राज-सिंहासन
तुम माटी में लाल

उट्ठो अब माटी से उट्ठो,
जागो मेरे लाल
हठ न करो माटी से उट्ठो,
जागो मेरे लाल
अब जागो मेरे लाल

– फैज़ अहमद फैज़

મા નો આર્તનાદ છે – વીર પુત્ર અન્યાય સામે લડતા શહીદી પામે છે ત્યારે મા વિશ્વાસ નથી કરી શકતી કે તે હવે કદી નહીં ઉઠે….દીકરાને અદમ્ય વ્હાલથી ઉઠાડે છે….

આ નઝ્મ વાંચીને આંખ ભીની ન થાય તો નવાઈ….

માભોમ માટે વીરગતિ પામતા પુત્રોની માતાઓની પરિસ્થિતિ વિચારતા રુંવાડા ઊભા થઈ જાય !! પોતાના હાથે વીરતિલક કરીને વહાલસોયાને રણભૂમિએ વિદાય કરતી મા પુત્ર કરતાં ઓછી વીર નથી હોતી…..

 

નૈયારા નૂરના અદ્ભૂત કંઠે આ રચના ગવાયેલી છે 👇🏻

 

Comments (2)

માતૃમહિમા : ૦૨ : મા – દિલીપ ઝવેરી

એક વા૨ જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે
જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂત૨ના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સ૨નામાં
બહેનપણીઓનાં નામ નામ વગ૨ના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલ૨
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફે૨વતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય ત્યારે
ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘ૨વાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બ૨ડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વ૨ના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વા૨ જનમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.

– દિલીપ ઝવેરી

ભાવકોની ક્ષમાયાચના – હું માર્તુત્વના glorificationમાં નથી માનતો. માતા આખરે માનવી છે અને માનવસહજ નબળાઈઓ અને સામર્થ્ય – બંને ધરાવે છે. ખૂબ નાનપણથી જ મને કદીપણ એ વાત સમજાઈ જ નથી કે બાળકને જન્મ આપીને શું માતા-પિતા તેના પર કોઈ ઉપકાર કરે છે ?? શું એ પ્રકૃતિના નિયમને આધીન નથી ? બાળકનો ઉછેર અને તે માટે આપવામાં આવતું બલિદાન એ જરૂર માતા-પિતાનું ઉત્તમ ચારિત્ર્ય દર્શાવે છે, પરંતુ તે શું માતા-પિતાની personal choice પણ નથી ?? બાળક તો તે વખતે કંઈપણ માગણી મૂકવા સક્ષમ હોતું જ નથી. વળી એ તો ઋણાનુબંધ છે – બાળક પોતાનો સમય આવ્યે પોતાનું કર્તવ્ય નિભાવે જ છે !!. ” છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય ” – આ કહેવત બાળકો સાથે અન્યાય કરતી મને હંમેશા લાગી છે. સમાજમાં કમાવતરના કિસ્સા ઓછા નથી. દીકરીની ભ્રુણહત્યાથી વિશેષ કમાવતરપણાના ઉદાહરણની જરૂર ખરી વળી ??? ભૃણહત્યા કરાવનાર માતા હમેશા ‘લાચાર અને અસહાય’ નથી હોતી !!

જેવા અન્ય સંબંધો છે તેવા જ મા-બાળકના સંબંધ- એમ માનું છું. કોઈપણ માનવીય સંબધનું ઊંડાણ માનવી-માનવીની મૂળભૂત સારાઈ, પ્રજ્ઞાના સ્તર અને જે-તે વ્યક્તિની કરુણાની વ્યાપકતા ઉપર આધાર રાખે છે. જે માણસ મૂળભૂત રીતે જેટલું સારું,તેટલા તેના સંબંધો સુંદર, તેટલું તેનું કોઈપણ સંબંધમાં commitment સંપૂણ…..ઘણીબધી મહિલાઓ “માતા-બાળક” ના લેબલ વગરના સંબંધો પણ ઉત્કૃષ્ટ રીતે ઉજાળે છે. માતાને glorify કરવામાં અજાણતા અન્ય સંબંધોને અન્યાય થઇ જતો હોય છે.

વળી મને માતૃસવરૂપની પોતાના સંતાન માટેની મમતા તો દેખાય છે, અનુભવાય છે, સમજાય છે…..પરંતુ તે સંતાનના જીવનસાથી માટેનો-ખાસ કરીને પુત્રવધુ માટેનો -માતાનો અભાવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજી તો શકાય છે, પણ સ્વીકારી નથી શકાતો,માફ નથી થઈ શકતો,નજરઅંદાઝ નથી કરી શકાતો….. આવી કેવી મમતા ??? પોતાની દીકરી એ દીકરી અને પોતાની પુત્રવધુ એ ડાકણ ?????

માતાની મમતા સૌએ અનુભવી છે, સાથે જ પિતાની મમતા પણ અનુભવી છે….અન્ય આપ્તજનોની પણ અનુભવી છે….

પ્રસ્તુત કાવ્ય મીઠું-કડવું કાવ્ય છે. ક્યાંક કવિ માતાની લાક્ષણિકતાઓને હસી કાઢે છે, તો ક્યાંક માતાની માનવસહજ ત્રુટિઓને બક્ષતા નથી. છેલ્લી પંક્તિ કવિનો મૂડ સ્પષ્ટ કરી દે છે.

માતા માનવી છે – વધુ પણ કંઈ નહીં, ઓછું પણ કંઈ નહીં……

Comments (17)

માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક

(મંદાક્રાન્તા)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!

– કરસનદાસ માણેક

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે માતૃમહિમાની શરૂઆત કરસનદાસ માણેકના આ સૉનેટથી કરીએ.

જીવનના ગૂઢતમ રહસ્યો ઉકેલવા માટે, જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે મનુષ્ય જીવનભર મથતો રહે છે. ગ્રંથો ઉથલાવ્યે રાખે છે, તીર્થોના મેલા પાણીમાં સ્નાનાદિ કરે છે, મંદિરોના આંટાફેરા કરે છે, સંતોનું શરણું સેવે છે, એકાંતવાસમાં જાતને જોવા-પામવાની કોશિશ કરે છે, દુનિયામાં વખણાયેલ ભીતરના સઘળા ભંડાર પણ ખોલી જુએ છે, પણ ક્યાંય ઇચ્છિત તેજકણ કે જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.

દીકરાનો આ વૃથા વ્યાયામ, આ ગડમથલ માની આંખોથી છાનો રહેતો નથી. એ કેવળ પ્રેમામૃત વર્ષાવ્યા કરે છે અને એમાં નથી હોતો સંતાનને પોતાના તરફ ખેંચવાની સ્વાર્થવૃત્તિ કે નથી હોતી પોતાની થઈ રહેલી અવગણનાના કારણે અનુભવાતા દુઃખનો સહેજે ભાસ. એની તો દિલી ઇચ્છા એ જ રહે છે કે પોતાના બાળકને જ્યોતિ લાધે… પણ સંતાનને મોડે મોડે રહીરહીને ખબર પડે છે જે એની મા જ ખરું જ્યોતિધામ છે…

માતૃમહિમા કરતી કેટલીક રચનાઓ લયસ્તરો પર પહેલેથી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરવાનું નિર્ધાર્યું છે. ગુજરાતી સાહિત્યની એ અમર રચનાઓ આપ અહીં ફરીથી માણી શકો છો:

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ. – દામોદર ખુ. બોટાદકર
વળાવી બા આવી – ઉશનસ્
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

આ સિવાય પણ કેટલીક ઉમદા રચનાઓ અહીં માણી શકાશે…

મા-અશોક ચાવડા ‘બેદિલ’
બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી
બા – મૂકેશ જોશી
ઠાકોરજી – મા – હસમુખ પાઠક
પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ
મા – સંદીપ ભાટિયા
ગઝલ – કિશોર બારોટ
મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

Comments (5)

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટની આજે સત્તરમી વર્ષગાંઠ…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકામાં ગુજરાત અને ગુજરાતી સાથે લુપ્ત થઈ ગયેલું અનુસંધાન સાધવા ધવલ શાહે લયસ્તરો વેબ્લોગની શરૂઆત કરી… સત્તર વર્ષની અવિરત યાત્રા બાદ આજે અગિયારસોથી વધુ કવિઓની ૫૦૦૦થીય વધુ રચનાઓ ગુજરાતી કાવ્યસાહિત્યપ્રેમીઓની સેવામાં આજે ઉપલબ્ધ છે… લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની આંધી વચ્ચે ગઈકાલ બનતી જતી વેબસાઇટ્સ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે એ તો સમય જ કહેશે પણ હજી સુધી લયસ્તરોના ચાહકોનો સ્નેહ ઢાલ બનીને રક્ષણ કરી રહ્યો હોવાથી અમારો ઉત્સાહ હજી ટકી રહ્યો છે.. આ ઉત્સાહ આગળ જતાં પણ બરકરાર રહે એ માટે અમને આપ સહુના સ્નેહ-સાથની સતત જરૂર રહેશે… આપ અમારી સાથે ને સાથે જ રહેશો ને?

મહંમદ પયગંબરે કહ્યું હતું: ‘તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે.’ તો ચાલો, આ વરસે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવણીના નિમિત્તે માતૃમહિમાના કાવ્યોના માધ્યમથી આ સ્વર્ગની થોડા વધુ નજીક સરીએ…

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

– ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (49)

એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…

વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
.                   સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
.                   સાથે સૌ સ્હેજો !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

* * *

વીત્યાંને રોવું – કલાપી

રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :

– કલાપી
(૨૯-૪-૧૮૯૭)

આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.

આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.

કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…

Comments (8)

તારનું તૂટવું – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0

તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0

– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)

કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી

Comments (2)

ઇચ્છા – ફિલિપ ક્લાર્ક

રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ

રોજ રોજ રેતીમાં જોયા કરે છે એ
મૃગજળની ફેલાતી માયા.
પાન એનાં પળપળ નાખે છે નિસાસા
ને ખુદમાં સમેટે છે છાયા.
પાંદડી ફૂટે ને એના હૈયામાં ફાળ પડે.
ના આવે એને નવો કૈં મોડ;
રણમાં ઊગેલા એક છોડની આંખમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

ઉપાડી લો કો’ક એને મૂળ સોતો રેતથી
કો’ક વગડામાં દો ને વાવી;
બારે મહિના એને વેઠવી રહી પાનખર
કે છે વસંત ક્યારેય ના આવી.
રેડો લીલાશ કોઈ પીળા પડતા પાનમાં
કે હળવે હાથેથી કરો ગોડ.
રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

– ફિલિપ ક્લાર્ક

…..યું હોતા તો ક્યા હોતા…..

Comments (5)

પ્રાર્થના – વિપિન પરીખ

કોઈ વા૨ એવું બને
આપણે જવાની ઉતાવળ ન હોય
છતાં
આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે.

‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
છતાં ત્યારે જ
બળજબરીથી એને બીડી દેવામાં આવે.

આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દોઃ
‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય
ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં

એટલા માટે જ
આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
મારી વિદાયવેળાએ
તમે હાજર રહેજો.

– વિપિન પરીખ

તાજેતરમાં એક આપ્તજનના અંતિમ સમયના સાક્ષી બનવાનું થયું….આજે આ કવિતા વાંચી…. એક એક અક્ષર નકરું સત્ય છે….હજુ કળ નથી વળી…કદાચ વળશે પણ નહીં.

Comments (4)

ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

– રમેશ પારેખ

આજે ર.પા.ની જન્મજયંતી નિમિત્તે એક મસ્ત મજાની રચના… છ દોહાઓની સિક્સર પણ કહી શકો એને.

Comments (4)

રૂબાઇયાત – ઓમર ખય્યામ (અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ગર આવે તું મુજ સાથ કોઈ જંગલ અંદર,
લીલોટરીથી ભરપુર કોઈ વેરાણ સુંદર;
ત્યાં શાહ ને ગડા બે જણાએ એક શાંન,
તો જ પાદશાહતના દુઃખોની બુજાએ કદર.

કોઈ સુખ સમજે છે દુનિયામાં બનવે જરદાર,
કોઈ મુફલીશ રહી જીન્નત પર રાખે છે આધાર;
ગુમરાહ બીગાના એ બન્ને ખરા !
ફક્ત સંતોષમાં જ રહ્યાં છે સુખ ને કરાર.

ગર મલે તુંને રહેવા એક ભાંગું મકાન,
ને ખાવાને દરરોજ ફક્ત સુકી એક નાન;
ના ગુલામ કોઈનો હોય તું, ન કોઈ તારો શેઠ,
તો તુજ સમ સુખી નહીં બીજો ઇનશાન.

આ દુન્યાને સમજું છું એક જુન્ની સરાઈ,
રહ્યો નહીં જ્યાં કાયમ કોઈ મુસાફીર ભાઈ;
શાહ ને સુલતાનો બી લાખો હજાર,
આવ્યા ને રહ્યા ને ગયા તનાઈ.

ઓ ખુદા વાસ્તે આટલું તું માનજે જરૂર
ને ફરેબીના સાહ્યાથી રેજે ભાઈ દૂર;
આ દુન્યાના તકલાદી સુખને ખાતર,
હરગીઝ ન ગુમાવીસ અમરગીનું નુર

– ઓમર ખય્યામ
(અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ઓમર ખય્યામની રૂબાઈઓના અનેક અનુવાદો થયા છે. અંગ્રેજીમાં એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડનો અને આપણે ત્યાં શૂન્ય પાલનપુરીનો અનુવાદ વિખ્યાત છે. પણ શું આપણે જાણી છીએ કે લગભગ સો વર્ષ પહેલાં ૧૯૨૭ની સાલમાં આ રૂબાઈઓનો અનુવાદ આપણે ત્યાં એક પારસી બાવાએ પણ કર્યો હતો? રૂસ્તમ ભાજીવાલાના અનુવાદમાંથી ચાર રૂબાઈ લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ.

પહેલી નજરે અટપટી જણાતી પારસી ગુજરાતી ભાષાની મીઠાશ જરા ધ્યાન આપતાંવેંત હૈયાને સ્પર્શી જશે.

જંગલની અંદર, જ્યાં જંગલ એટલું ગાઢ હોય કે રણ સમું વેરાન લાગે, એવી જગ્યાએ રાજા અને રંક બંને એકસમાન છે. આવી જગ્યાએ જ્યાં રણ અને જંગલ એક થાય છે, ત્યાં તું જો મારી સાથે આવે તો તને પાદશાહના દુઃખોની કદર થશે.

કોઈને લાગે છે કે પૈસાદાર બનવું જ દુનિયાનું ખરું સુખ છે તો કોઈ મુફલિસ રહીને સુખ માટે સ્વર્ગ પર આધાર રાખે છે; પણ આ બંને ખરેખર ગુમરાહ અને બેગાના છે, કેમ કે હકીકતમાં તો સંતોષમાં જ ખરા સુખશાંતિ રહ્યાં છે.

ભલે રહેવાને એક ભાંગ્યું મકાન હોય ને ખાવાને રોજ એક સૂકું નાન મળે, પણ અગર તમે કોઈના ગુલામ ન હો અને કોઈ તમારો શેઠ ન હોય તો તમારા જેવો સુખી બીજો કોઈ ઇન્સાન નથી.

આ દુનિયા એક જૂનું મુસાફરખાનું છે, જ્યાં કોઈ મુસાફર કાયમ રહેવાને આવતો નથી. લાખો હજાર બાદશાહો અને સુલતાનો પણ આવ્યા, રહ્યા અને ચાલ્યા ગયા. આપણે સહુ પળ-બે પળ અહીં રહેવાનાં છીએ.

ખુદાને ખાતર પણ તું ધોખા-ફરેબીના પડછાયાથી દૂર રહેવાની આ સલાહ માનજે. આ દુનિયાનું તકલાદી સુખ મેળવવા માટે સ્વર્ગનું નૂર હરગીઝ ગુમાવીશ નહીં.

Comments (3)

(જમાનો ખરાબ છે) – મરીઝ

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.

એમાં કોઈ જો ભાગ ન લે, મારી શી કસુર,
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કુદરતને એની જાણ છે, બુલબુલને શું ખબર,
કાલે હશે એ શું કે જે આજે ગુલાબ છે.

આઘાત એનો કોઈ સ્વમાની હૃદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અઝાબ છે.

કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના,
એ આફતાબ! તું તો ફકત આફતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.

ચારિત્ર હો ગુલાબની સુરત સમુ ‘મરીઝ’,
જે બાજુથી જુઓ, અતિ સુંદર ગુલાબ છે.

– મરીઝ

મરીઝની આ અતિસુંદર ગઝલ ઇન્ટરનેટ પર આખી જોવા મળતી નથી અને કેટલાક શેર જોવા મળે છે, પણ એય ભૂલભરેલા… અમુક લોકોએ તો મરીઝે લખ્યો નથી એવો મક્તા પણ ઉમેર્યો છે… આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે આ ગઝલ આખેઆખી…

Comments (9)

अर्ध सत्य – दिलीप चित्रे

चक्रव्यूह में घुसने से पहले
कौन था मैं और कैसा था
ये मुझे याद ही ना रहेगा
चक्रव्यूह में घुसने के बाद
मेरे और चक्रव्यूह के बीच
सिर्फ एक जानलेवा निकटता थी
इसका मुझे पता ही ना चलेगा
चक्रव्यूह से निकलने के बाद
मैं मुक्त हो जाऊं भले ही
फिर भी चक्रव्यूह की रचना में
फर्क ही ना पड़ेगा
मरूं या मारूं
मारा जाऊं या जान से मार दूं
इसका फैसला कभी ना हो पायेगा
सोया हुआ आदमी जब
नींद से उठकर चलना शुरू करता है
तब सपनो का संसार उसे
दोबारा दिख ही ना पायेगा
उस रोशनी में जो निर्णय की रोशनी है
सब कुछ समान होगा क्या
एक पलड़े में नपुंसकता
एक पलड़े में पौरूष
और ठीक तराजू के कांटे में
अर्ध सत्य.

– दिलीप चित्रे

1983માં આવેલી ફિલ્મ અર્ધસત્યની આ સારરૂપ કવિતા છે, ફિલ્મમાં ઓમ પુરી એનું પઠન પણ કરે છે.

મને ગુજરાતી કાવ્ય સામે આ ગંભીર ફરિયાદ છે – ગુજરાતી કાવ્ય રાજકીય/સામાજિક વિષમતાઓને લગભગ લગભગ સદંતર અવગણે જ છે – જાણે કે એ કોઈ કાવ્યવસ્તુ હોઈ જ ન શકે !! આંગળીના વેઢે પણ નહીં – આંગળીઓએ પણ માંડ ગણાય એટલી રાજકીય/સામાજિક પ્રશ્નોને ઉઠાવતી મજબૂત કવિતા ગુજરાતીમાં સાંપડે !!! ખબર નહીં કેમ આ વિષય-દરિદ્રતા ગુજરાતી કાવ્યને આભડી ગઈ છે…..

કાવ્ય મર્મભેદી છે – આપણે સહુએ શાળા/કૉલેજ છોડીને વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં આ અનુભવેલી જ વાત છે – સાચું શું તે સાથે વ્યવહારુ દુનિયાને ખાસ કોઈ મતલબ નથી, ભૌતિક સફળતા એક જ પારાશીશી હોય છે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનાર ક્યાંતો સમય સાથે માર્ગ-વિચલિત થઈને સિસ્ટમમાં વેચાઈ જાય છે, ક્યાંતો ફ્રસ્ટ્રેશનના કળણમાં ખૂંપતો જ જાય છે. ઘણીવાર તો સત્ય શું છે તે પણ નથી સમજાતું એ હદે સત્ય-અસત્યની ભયાનક ભેળસેળ કરી દેવામાં આવતી હોય છે ! સત્યના માર્ગે ચાલવું તો છે પણ સત્યનો માર્ગ કયો ???? કોઈ માર્ગદર્શન પણ હાથવગું હોતું નથી. Greatest good of the greatest number – એ સાચું કે પછી સત્યના માર્ગે ચાલતી વ્યક્તિમાત્રનું હિત સર્વોપરી ?? આવા આવા અસંખ્ય જટિલ મૂંઝવતા પ્રશ્નો સત્ય-માર્ગીએ હલ કરવા રહ્યા. વળી જો એ બિચારો પોતાના જજમેન્ટમાં ભૂલ કરી બેસે તો આજીવન એનો પરિતાપ ભોગવવો રહ્યો ! જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એક ઝાટકે જમીનસરસો થઈ જાય….જીવનભરની તપશ્ચ્રયા નિરથર્ક નીવડી જાય….

કેટલોક ભાર એક માનવ વેંઢરે !! મોટેભાગે ત્રાસીને સિસ્ટમમાં વેચાઈ જાય – આત્મા ગીરવે મૂકી દે…કોઈક વિરલા માર્ગચ્યુત ન પણ થાય – ફના થઇ જાય જાતે અને ફના કરી દે પોતાના નિકટતમ સ્નેહીઓને પણ – પરંતુ સિસ્ટમ સામે ઝૂકે નહીં… સલામ છે એવા વિરલ યોદ્ધાઓને…..

Comments (3)

મારું હૈયું ખોવાયું એક વેળા… – ગુલાબદાસ બ્રોકર

મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઈ એક વેળા,
રે રાજ,મારું હૈયું ખોવાયું એક વેળા.

ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં કહાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

– ગુલાબદાસ બ્રોકર

 

ગુલાબદાસ બ્રોકર ગીત પણ લખતા તે આજે જ ખબર પડી ! મજબૂત માવજતથી રચાયેલું મધુરું ગીત….

Comments (2)

પોતીકું અજવાળું – કિશોર જિકાદરા

બ્હેતર છે કે ખુદના ઘરમાં પાડું બાખું,
શા માટે હું અન્યોનાં જીવનમાં ઝાંખું?

ચોખલિયો છું, કપડાં ધોવા બેસું તો હું,
ભેગાભેગું મેલું મન પણ ધોઈ જ નાખું!

સાચું કહું તો ડાઘ તમારી દૃષ્ટિમાં છે,
ચંદ્રવદન પર અમને તો લાગે છે લાખું!

હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે,
પોતીકું અજવાળું મારું સાથે રાખું!

મરતાંને ક્યારેય નથી મેં મર કીધું તો,
યાર, તમારું ભાવિ કેમ અમંગળ ભાખું?

તડ ને ફડ કરવામાં પૂરું જોખમ છે પણ,
દાદાગીરી શ્વાસોની હું ક્યાં લગ સાંખું?

ખોવાયેલી ખુશીઓથી મેળાપ કરાવો,
રાજીપામાં ગામ લખી દઉં આખેઆખું!

– કિશોર જિકાદરા

સમાજની તાસીર તો પહેલાં પણ આ જ હતી, પણ સૉશ્યલ મિડીયાની બારીમાંથી ઝાંખતા રહેવાની પડેલી આદતને લઈને બીજાના જીવનમાં ચંચુપાત કરવાની બિમારી જેટલી આજે વકરી છે એટલી આ પહેલાં કદાચ ક્યારેય નહોતી. કવિનો અભિગમ આવા સમયમાં કેવો ઉત્તમ અને ઉમદા છે એ મત્લામાં વર્તાય છે. આખી ગઝલ ધનમૂલક થઈ છે. બધા જ શેરમાંથી ‘પોઝિટિવિટી’ની રોશની ઊઠી રહી છે. પોતીકું અજવાળું વાળો શેર વાંચીએ ત્યારે સહેજે રઈશ મનીઆરનો ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ યાદ આવ્યા વિના રહેતો નથી.

આ પ્રકારના અરુઢ અને ચુસ્ત કાફિયા સથે કામ પાર પાડવું એ સફળ અને સજ્જ કવિકર્મની નિશાની છે.

Comments (11)

મનમોજી – સંજુ વાળા

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
.             ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
.             વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
.             નિવૃતોની હું એક જ દિલસોજી

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

– સંજુ વાળા

મનમોજી લલનાનું ગીત… ઊઠાવ જ કેવો પ્રભાવક થયો છે, જુઓ! અમે-અમારામાં ‘અ’ અને ‘મ’ની વર્ણસગાઈથી સરસ ઉપાડ સાથે ગીત પ્રારંભાય છે અને ‘મ’ની વર્ણસગાઈ તો અહીંથી વિસ્તરીને મન-માલિક-મસ્ત-મિજાજી-મોજી અને મોગરા સુધી લંબાય છે. ‘મ’નો આ રણકો ગીતના રમતિયાળ સ્વભાવને અદભુત રીતે માફક આવ્યો અનુભવાય છે.

સ્ત્રીને આપણો પુરુષપ્રધાન સમાજ પરાપૂર્વથી મર્યાદાના ચશ્માંમાંથી જ જોવા ટેવાયેલો છે. એટલે કોઈ સ્ત્રી સમાજે નિર્ધારિત કરેલી રેખા વળોટીને ચાલતી દેખાય કે તરત એની અગ્નિપરીક્ષા લેવા સમાજ તૈયાર થઈ જાય. પણ આપણી કાવ્યનાયિકા તો ‘નિજાનંદે રહેજે બાલ મસ્તીમાં મજા લેજે’નો ગુરુમંત્ર પચાવી ચૂકી છે. એ એના મનની માલિક છે અને આ હકીકતની પૂર્ણતયા જાણતલ પણ છે. એને મન પડે તો એ જૂઈ-મોગરા પહેરીને-બાંધીને ભરી બજારે નીકળેય ખરી. લોક ગમે તે કહે એને આમાં કોઈ બત્ટો લાગવાની ભીતિ નથી. વાયરાના તાલે અંગ હિલ્લોળતી એ ચાલે છે. એને પોતાને ખબર છે કે એનો પગ ક્યાંય લપસ્યો નથી એટલે એ કોઈ ગુનાનું આળ માથે ઓઢવા તૈયાર નથી. પોતાના માટે લોકો જાતભાતની અફવાઓ છો ને ઊડાડે, લોકનિંદાના ડરે પોતાના તોરતરીકા બદલવાની એની લગરિક તૈયારી નથી. એ ભીનેવાન મંદિર જાય ત્યારે રામધૂનમાં લીન હોવાનો ડોળ કરતા બગભગતોનું ધ્યાન રામમાં ઓછું અને ‘કામ’માં વધારે છે એની એને જાણ છે જ. નવરા લોકો જ્યાં-ત્યાં એની જ જિંદગીની કિતાબ ખોલી બેસે છે એ જાણતી હોવા છતાં એ તો એની મસ્તીમાં જ મોજ માણે છે અને માણશે…

દુનિયા પોતાનો નજરિયો બદલવા તૈયાર ન હોય, તો આપણે શા માટે આપણી જાતને બીજાને વશવર્તીને પલોટવી જોઈએ?

Comments (15)