મનમોજી – સંજુ વાળા
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
. ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?
કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
. વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
. નિવૃતોની હું એક જ દિલસોજી
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
– સંજુ વાળા
મનમોજી લલનાનું ગીત… ઊઠાવ જ કેવો પ્રભાવક થયો છે, જુઓ! અમે-અમારામાં ‘અ’ અને ‘મ’ની વર્ણસગાઈથી સરસ ઉપાડ સાથે ગીત પ્રારંભાય છે અને ‘મ’ની વર્ણસગાઈ તો અહીંથી વિસ્તરીને મન-માલિક-મસ્ત-મિજાજી-મોજી અને મોગરા સુધી લંબાય છે. ‘મ’નો આ રણકો ગીતના રમતિયાળ સ્વભાવને અદભુત રીતે માફક આવ્યો અનુભવાય છે.
સ્ત્રીને આપણો પુરુષપ્રધાન સમાજ પરાપૂર્વથી મર્યાદાના ચશ્માંમાંથી જ જોવા ટેવાયેલો છે. એટલે કોઈ સ્ત્રી સમાજે નિર્ધારિત કરેલી રેખા વળોટીને ચાલતી દેખાય કે તરત એની અગ્નિપરીક્ષા લેવા સમાજ તૈયાર થઈ જાય. પણ આપણી કાવ્યનાયિકા તો ‘નિજાનંદે રહેજે બાલ મસ્તીમાં મજા લેજે’નો ગુરુમંત્ર પચાવી ચૂકી છે. એ એના મનની માલિક છે અને આ હકીકતની પૂર્ણતયા જાણતલ પણ છે. એને મન પડે તો એ જૂઈ-મોગરા પહેરીને-બાંધીને ભરી બજારે નીકળેય ખરી. લોક ગમે તે કહે એને આમાં કોઈ બત્ટો લાગવાની ભીતિ નથી. વાયરાના તાલે અંગ હિલ્લોળતી એ ચાલે છે. એને પોતાને ખબર છે કે એનો પગ ક્યાંય લપસ્યો નથી એટલે એ કોઈ ગુનાનું આળ માથે ઓઢવા તૈયાર નથી. પોતાના માટે લોકો જાતભાતની અફવાઓ છો ને ઊડાડે, લોકનિંદાના ડરે પોતાના તોરતરીકા બદલવાની એની લગરિક તૈયારી નથી. એ ભીનેવાન મંદિર જાય ત્યારે રામધૂનમાં લીન હોવાનો ડોળ કરતા બગભગતોનું ધ્યાન રામમાં ઓછું અને ‘કામ’માં વધારે છે એની એને જાણ છે જ. નવરા લોકો જ્યાં-ત્યાં એની જ જિંદગીની કિતાબ ખોલી બેસે છે એ જાણતી હોવા છતાં એ તો એની મસ્તીમાં જ મોજ માણે છે અને માણશે…
દુનિયા પોતાનો નજરિયો બદલવા તૈયાર ન હોય, તો આપણે શા માટે આપણી જાતને બીજાને વશવર્તીને પલોટવી જોઈએ?
Lata Hirani said,
November 19, 2021 @ 12:49 AM
મન મસ્ત હુઆ …. ફિર ક્યા બોલે !!
વાહ કવિ
DILIPKUMAR CHAVDA said,
November 19, 2021 @ 3:51 AM
વાહ કવિ,
મઝાનું ગીત…
મનમોજી લલનાના મનની સુંદર અભિવ્યક્તિ
Mansi shah said,
November 19, 2021 @ 4:06 AM
માર્મિક તીર…એ પણ મસ્ત મજાની મોજ થી ..
Harihar Shukla said,
November 19, 2021 @ 5:31 AM
વાહ, નરી મોજ 👌
હર્ષદ દવે said,
November 19, 2021 @ 9:04 AM
વાહ…અલ્લડ મિજાજની અભિવ્યકતિ કરતું ગીત.
કવિ સાથે સરસ આસ્વાદ માટે આપને પણ અભિનંદન.
Shah Raxa said,
November 19, 2021 @ 10:06 AM
વાહ સાહેબ વાહ.આસ્વાદમાં પણ એટલી જ મોજ
pragnajuvyas said,
November 19, 2021 @ 10:11 AM
આજે ૧૯ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ઉજવણીમા
અમે પુરુષનાં આંસુ…
અમે થઈ ઘનઘોર આભ, ના વરસે એ ચોમાસું
અમે હળાહળ લાગણીઓના દરિયામાં આથડિયે
નકારની નૌકાના સઢમાં મધદરિયે ફડફડિયે
આંખ બચાવી કહો,
ક્યાં સુધી ખારા જળમાં ન્હાશું?
અમે પુરુષનાં આંસુ ગવાય છે
ત્યારે કવિશ્રી સંજુ વાળા દ્વારા મનમોજી લલનાનું મધુર ગીત
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
.ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?
બિંદાસ મધુરું ગીત
ડૉ વિવેકનો મધુરો આસ્વાદ
Poonam said,
November 19, 2021 @ 10:31 AM
અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
– સંજુ વાળા mast moji 👌🏻
Aaswad pan mast sir ji 😊
Himanshu Jasvantray Trivedi said,
November 20, 2021 @ 1:51 AM
Khoob j saras…Bahot Achchhe….waah! Ye baat. Kavi Shri Sanju Vala ne khoob khoob abhinandan and Vivekbhai and Sanjubhai no aabhar.
હરીશ દાસાણી. said,
November 20, 2021 @ 6:11 AM
ગીત અને આસ્વાદલેખ બંને મસ્ત મિજાજી
praheladbhai prajapati said,
November 20, 2021 @ 11:11 AM
SUNDAR
Maheshchandra Naik said,
November 20, 2021 @ 3:00 PM
મસ્ત મોજીલુ ગીત અત્યંત ભાવસભર જુવાનીની છટાદાર અભિવ્યક્તિ…..
સરસ ભાવવાહી આસ્વાદ…..
Vijay Trivedi said,
November 21, 2021 @ 12:11 AM
વાહ! ખૂબ સરસ ગીત, આસ્વાદ.
વિવેક said,
November 21, 2021 @ 12:34 AM
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
સંજુ વાળા said,
November 22, 2021 @ 9:36 PM
સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર
ધન્યવાદ વિવેક