એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

પહેલાં આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખું આકાશ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ !
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
કાનમાં પડી છે કેવી ધાક !
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો,
ને કહો સૂરજનાં ટોળાંને હાંક !
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

– ઉષા ઉપાધ્યાય

પ્રારબ્ધની ગતિ ન્યારી છે. આવા જ અસંખ્ય અનુભવો બાદ ઝેન સમજાય છે…..

2 Comments »

  1. pragnajuvyas said,

    October 18, 2021 @ 10:35 AM

    કવયિત્રી ઉષા ઉપાધ્યાયનુ મધુર ગીત- સુ શ્રી અપેક્ષા ભટ્ટના મધુર સ્વરમા મનમા પડઘાય છે!
    પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
    ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
    રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !
    …આલાદહક અનુભૂતિનો અહેસાસ
    યાદ આવે કવિશ્રી કાંતની રચના
    વર્ષોના સહવાસથી પણ અરે! જાણ્યો નહીં તેં મને,
    જાણે શા થકી યોગ્ય છે પ્રણયના શા તું ઉપાલંભને?
    સ્નેહી, સ્નેહ તણો અનાદર કહે શી રીતથી હું સહું?
    આલંબી ઊછરેલ કેવલ રહું શાથી નિરાધાર હું?

  2. હર્ષદ દવે said,

    October 19, 2021 @ 7:55 AM

    સરસ ગીત કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment