માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
રઈશ મનીઆર

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો
.                       સાદ કરો ના અમને.

તમે પવનનું રૂપ બાવરું
.                       પળમાં આવી ઘેરો,
અમે ન લાવ્યાં પાંખ અમોને
.                       ફોગટ લાગે ફેરો,
ઊડવાની રઢ જાગે એવો
.                       સાદ કરો ના અમને.

જળના છાંટે જલી જવાનું
.                       પથ્થરને ક્યાં સ્હેલ?
રણ વચ્ચે અટવાતાં પાને
.                       અમથી સઘળી રેલ,
જાચું કરવત-કાશી હરપળ એવો
.                       સાદ કરો ના અમને.

– ઉષા ઉપાધ્યાય

સાદ આવી રહ્યો છે. કોના તરફથી? પ્રિયજન તરફથી કે પરમેશ્વર તરફથી? હશે, પણ આ સાદ જેવોતેવો નથી. અસ્તિત્વને હચમચાવી મેલે એવો આ સાદ છે. આવા સાદનો પ્રતિસાદ શું આપવો એ અવઢવ હોવાથી કથક એ ન આપવા વિનવે છે. પણ કવિતાનો અંડરકરંટ તો આ સાદની તો જાણે યુગયુગોથી પ્રતીક્ષા ન હોય એવો છે!

ગીતના બંને બંધ બહુ સ-રસ થયા છે.

કાશીએ જઈ કરવત મુકાવવી એવી જાણીતી કહેતી છે. અગાઉના વખતમાં કાશીએ જઇને હરિજનને હાથે માથા ઉપર કરવત મુકાવીને મરી જવાથી મોક્ષ મળતો એવી માન્યતા હતી તે ઉપરથી આ કહેવત બનેલ છે. મયૂરધ્વજ નામના રાજાએ કાશીએ જઇને કરવત મુકાવેલ હતી એવી માન્યતા પણ પ્રચલિત છે. કાશીએ જઈને માથે કરવત મૂકાવવાનું પળેપળ મન થાય એવો સાદ અહીં પેલી તરફથી આવી રહ્યો છે.

6 Comments »

  1. ઉષા ઉપાધ્યાય said,

    September 30, 2021 @ 7:00 AM

    પ્રિય વિવેકભાઈ,
    મારાં ખૂબ ગમતાં અને મહત્વનાં ગીતને તમે લયસ્તરો દ્વારા અનેક કાવ્યરસિકો સુધી પહોંચાડ્યું છે તેનો આનંદ છે. ધન્યવાદ.
    – ઉષા ઉપાધ્યાય

  2. Harihar Shukla said,

    September 30, 2021 @ 7:25 AM

    ઊડવું છે ને પાંખ નથી એટલે ફોગટ ફેરો છે પણ સાથે ઊડવાની રઢ જ ન લાગે એવી વિનંતી નું રટણ પણ! કેવી વિડંબના?
    👌💐

  3. DILIPKUMAR CHAVDA said,

    September 30, 2021 @ 9:16 AM

    તમે પવનનું રૂપ બાવરું
    . પળમાં આવી ઘેરો,
    અમે ન લાવ્યાં પાંખ અમોને
    . ફોગટ લાગે ફેરો,
    વાહ જી વાહ મન મોહક લાઈન

  4. DILIPKUMAR CHAVDA said,

    September 30, 2021 @ 9:20 AM

    તમે પવનનું રૂપ બાવરું
    . પળમાં આવી ઘેરો,
    અમે ન લાવ્યાં પાંખ અમોને
    . ફોગટ લાગે ફેરો,
    વાહ જી વાહ મન મોહક લાઈન અભિનંદન કવિયત્રીને

  5. pragnajuvyas said,

    September 30, 2021 @ 5:47 PM

    અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ સુ શ્રી ઉષા ઉપાધ્યાયનુ સ રસ ગીત તેઓ સાદ કરો ના અમને કહે છે તો પણ સાદનો પ્રતિસાદ આપ્યો
    જાચું કરવત-કાશી હરપળ એવો
    . સાદ કરો ના અમને.
    વાહ
    ડૉ વિવેકનો સ રસ રસાસ્વાદ

  6. Poonam said,

    October 2, 2021 @ 4:45 AM

    રણ વચ્ચે અટવાતાં પાને
    અમથી સઘળી રેલ…

    – ઉષા ઉપાધ્યાય – maya (jal) 👌🏻

    Aasawad sundar sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment