એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા.            આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.              આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.                 આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા.             આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.               આહા0 ૦૪

આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.

પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…

*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:

ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)

3 Comments »

  1. Mansi said,

    October 20, 2021 @ 5:02 AM

    Mastammmm… Shital kavita

  2. pragnajuvyas said,

    October 20, 2021 @ 9:16 AM

    મસ્ત રચના ,સ રસ આસ્વાદ અને કવિશ્રીનો અદભુત અર્થવિસ્તાર
    ડૉ વિવેકજી આ રચનાને ઊર્મિકાવ્ય ગણે છે તો નર્મદે સ્વયં પોતાની આ રચનાને ‘રેખ્તો’ એવું નામ આપ્યું છે. આ રચનામાં છંદ-માપ, કાફિયા આદિના નિયમો સચવાયા નથી, તે છતાં તે ગઝલ છે. દરેક પંક્તિમાં “લગાગાગા-લગાગાગા” એમ બબ્બે ગણ લાવવાનો પ્રયાસ નર્મદે કર્યો છે.કાફિયાની દ્રષ્ટિએ જોઈએ તો નર્મદે અહીં “ચંદા”, “કંદા”, “મંદા”, “આનંદા”, “છંદા” અને “બંદા” એમ કાફિયાના નિયમોનું ચુસ્ત પાલન કર્યું છે. આ ‘મુકફ્ફા ગઝલ’ નું સ્વરૂપ સિદ્ધ થાય છે. બધે સ્થાને એણે કાફિયાના નિયમો પણ જાળવ્યાં છે. મતલામાં એણે “આહા” એમ લીધું છે. એ “આ”ના સ્થાને આ છંદમાં એક માત્રા આવે છે. મૂળમાં તો એ અર્વાચીનોમાં પહેલો કવિ હોવાથી “અહા” એ ઉદ્ગાર વાચક શબ્દને એ રીતે લે છે ગઝલનો મુખ્ય વિષય પ્રેમ હોય છે, પણ એ પ્રેમ ક્યાંક પ્રકૃતિ સાથે વણાઈ જાય છે. આમ, વિષયની દ્રષ્ટિએ જોઈએ તો એ સંદર્ભે પણ આ રચના ગઝલ સિદ્ધ થાય છે.
    અનેક સ્વરૂપોનું ગુજરાતીમાં અવતરણ કરનાર નર્મદ છે એમ ગઝલને પ્રથમ વખત ગુજરાતીમાં એના સંપૂર્ણ આંતર-બાહ્ય સ્વરૂપ સાથે ખેડનાર પણ નર્મદ જ.

    શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!

  3. Poonam said,

    October 21, 2021 @ 1:18 AM

    ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા. Aahaa !
    – નર્મદ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment