આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
– શબનમ ખોજા

(સખી) – રશીદ મીર

ષોડશી લાગણીના કોડ સખી,
રુંવેરુંવેથી મને તોડ સખી,

કાગડો બોલે ને ઉઘલે હૈયું,
માઢ મેડીએ મચે દોડ, સખી.

શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
સાત ગાંઠોને જરા છોડ સખી.

આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
એના હોવાની બકે હોડ સખી.

પાછલી રાતની નીંદર અચબચ
અડવી લાગે છે બહુ સોડ સખી.

– રશીદ મીર

ગામડાની બોલીની લઢણ સુવાંગ ઝીલતી મજાની ગઝલ. આજે તો સ્ત્રીઓની લગ્નની વય ઓછામાં ઓછી અઢાર થઈ ગઈ, પણ એ જમાનો બહુ દૂર નથી ગયો જ્યારે સોળ વરસની અને એથીય નાની કન્યાઓના વિવાહ થઈ જતા. સોળ વર્ષની લાગણીના કોડ કંઈ એવા જન્મે છે કે રુંવેરુંવે તોડપીટ થાય છે. કાગડાનો અવાજ આવતાં જ હૈયું છલકાઈ જાય છે અને અસ્તિત્વના મકાનમાં દોડધામ મચી જાય છે. સાત ગાંઠોમાં પિયુએ શાં શાં વચન બાંધ્યાં હશે એ કલ્પના મનની મનમાં જ રાખવાની છે, કોઈએ પૂછવાની નથી. ચોથો શેર બીજા શેરનો જ પડઘો જાણે.

4 Comments »

  1. Sandip Pujara said,

    September 25, 2021 @ 1:47 AM

    આહા – પાછલી રાતની નીંદર અચબચ
    અડવી લાગે છે બહુ સોડ સખી. … મસ્ત

  2. Anjana Bhavsar said,

    September 25, 2021 @ 3:17 AM

    Wah..

  3. Anila Patel said,

    September 25, 2021 @ 4:32 AM

    “ઊંબરે ઊભી સાંભળુંરે બોલ વાલમના”–યાદ આવી ગયું.
    અતિ સુંદર રચના

  4. pragnajuvyas said,

    September 25, 2021 @ 8:56 AM

    કવિશ્રી રશીદ મીરની સુંદર ગઝલ

    શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
    સાત ગાંઠોને જરા છોડ સખી.

    આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
    એના હોવાની બકે હોડ સખી.
    વાહ્
    અમારા જેવા અનેકોએ અનુભવેલી વાત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment