રશીદ મીર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 10, 2024 at 12:17 PM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.
સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.
આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.
સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!
ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.
આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.
બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.
– રશીદ મીર
Permalink
October 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.
કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી,
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી.
ઊંઘ આપીને પછી વિહ્વળ બનાવ્યો છે મને,
રેશમી ઝુલ્ફોની દિલદારી બહુ મોંઘી પડી.
આભ આખી રાત મારી આંખમાં વરસ્યું છતાં,
ભાગ્યના તારાની નાદારી બહુ મોંઘી પડી.
એક ડૂસકું ખાઈને જંપી ગઈ આ રાત પણ—
પાછલી રાતોની બેદારી બહુ મોંઘી પડી.
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.
મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.
– રશીદ મીર
સહજ-સંતર્પક…
Permalink
September 25, 2021 at 1:42 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
ષોડશી લાગણીના કોડ સખી,
રુંવેરુંવેથી મને તોડ સખી,
કાગડો બોલે ને ઉઘલે હૈયું,
માઢ મેડીએ મચે દોડ, સખી.
શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
સાત ગાંઠોને જરા છોડ સખી.
આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
એના હોવાની બકે હોડ સખી.
પાછલી રાતની નીંદર અચબચ
અડવી લાગે છે બહુ સોડ સખી.
– રશીદ મીર
ગામડાની બોલીની લઢણ સુવાંગ ઝીલતી મજાની ગઝલ. આજે તો સ્ત્રીઓની લગ્નની વય ઓછામાં ઓછી અઢાર થઈ ગઈ, પણ એ જમાનો બહુ દૂર નથી ગયો જ્યારે સોળ વરસની અને એથીય નાની કન્યાઓના વિવાહ થઈ જતા. સોળ વર્ષની લાગણીના કોડ કંઈ એવા જન્મે છે કે રુંવેરુંવે તોડપીટ થાય છે. કાગડાનો અવાજ આવતાં જ હૈયું છલકાઈ જાય છે અને અસ્તિત્વના મકાનમાં દોડધામ મચી જાય છે. સાત ગાંઠોમાં પિયુએ શાં શાં વચન બાંધ્યાં હશે એ કલ્પના મનની મનમાં જ રાખવાની છે, કોઈએ પૂછવાની નથી. ચોથો શેર બીજા શેરનો જ પડઘો જાણે.
Permalink
September 4, 2021 at 1:11 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
– રશીદ મીર
સાચે જ કોઈ ચસોચસ પીવાના આદીની ગઝલ… એક-એક શેર આકંઠ પી જવા ગમે એવી…
Permalink
August 27, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપેા.
આટલી સ્તબ્ધતા હતી કયારે,
ઓસનો સાંભળું છું ધુબાકો.
તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.
એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.
કૈં દયા એની ઉતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.
ભરબપેારે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.
એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !
– રશીદ મીર
આમ તો આખી ગઝલ મજાની છે પણ ઓસનો ધુબાકો પણ સંભળાય એવી તીવ્ર સ્તબ્ધતા વ્યાખ્યાયિત કરતો શેર સવિશેષ સ્પર્શી ગયો…
Permalink
May 15, 2021 at 1:47 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
– રશીદ મીર
કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…
Permalink
May 13, 2016 at 2:03 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.
તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.
એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.
રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.
સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.
‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.
– રશીદ મીર
બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.
Permalink
December 27, 2013 at 12:55 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપો.
આટલી સ્તબ્ધતા હતી ક્યારે,
ઓસનો સાંભળું છું ધ્રુબાકો.
તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.
એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.
કૈં દયા એની ઊતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.
ભરબપોરે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.
એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !
– રશીદ મીર
સાદ્યંત સંતર્પક રચના…
Permalink
October 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
આ નવો રંગ-રાગ છે જાનાં
કાળા કંબલની શાન છે જાનાં
આખી દુનિયા ઉદાસ લાગે છે
દિલની દુનિયા ઉદાસ છે જાનાં
શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં
ખૈર ચાહું છું તારા કમખાની
પયરહન તાર-તાર છે જાનાં
એક તારો વિચાર ઝળહળ છે
બાકી અંધાર રાત છે જાનાં
‘મીર’ના અર્થમાં મહત્તા શી ?
મીર તારો ગુલામ છે જાનાં
– રશીદ મીર
એક પછી એક શેરના પડળ ખુલતા જાય છે અને આ આખી ગઝલ પ્રિયતમાની જેમ આપણને આશ્લેષબદ્ધ કરતી અનુભવાય છે…
Permalink
October 26, 2011 at 5:52 PM by ધવલ · Filed under ગઝલ, રશીદ મીર
શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.
છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.
અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર
બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.
ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.
‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.
– રશીદ મીર
નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.
બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !
Permalink
November 11, 2010 at 1:07 PM by ઊર્મિ · Filed under ગઝલ, રશીદ મીર
સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.
પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઈચ્છા ન કર.
એક પડછાયાને કેટલો વેતરું ?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.
ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર.
આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.
એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
‘મીર’ પાછા પારખા વખના ન કર.
-ડૉ. રશીદ મીર
ડૉ. રશીદ મીરની ગઝલિયતથી ભરપૂર એક ગઝલ…
Permalink