ઘેરે ઘેર દિવાળી – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
રાજી કરીએ કુંભાર, મેરાઈ, વાળંદ, મોચી, માળી;
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી…
આનંદ છે સહિયારી ઘટના -એ મુદ્દે સૌ સંમત,
તડતડ થાતી એક લુમ ને પડે બધાને ગમ્મત;
હોય મુખીનો મનુય ભેગો, હોય ગામ ગોવાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી
મે’ર મે’ર રાજાના નાદે, મેરૈયાને ભાળી,
બેઉ બળદની આંખો ચમકે, બોલે ખમ્મા હાળી !
ગવરી ગાય મુખ ચાટે, નાચે ઘોડી ઘુઘરિયાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી
સાધુ, બામણ, ગરીબગુરબાં, વણકર, મેતર, ઢોલી;
દરબારી ડેલીમાં જાણે પૂરી છે રંગોળી!
ખાય સહુ સહુના હિસ્સાનું, ખુશીઓની પતરાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી
– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
આજે ગ્લોબલાઇઝએશનના ઈરેઝરથી તહેવારોનું અસલી પોત ઝડપભેર ભૂંસાવા માંડ્યું છે, એટલે મારા પછીની પેઢીને તો આ ગીતની દિવાળી કદાચ સમજાય પણ નહીં. નાનો હતો ત્યારની જૂના શહેરની જૂની શેરીઓમાં આવી દિવાળી કૈંક અંશે જોવા મળતી, તે હજી સાવ વિસરાઈ નથી ગઈ, પણ આજે તો કદાચ ગામડાઓમાં પણ આવી દિવાળી જોવા નહીં મળે.
વાત દિવાળીની છે પણ શરૂઆત રાજી કરવાની વાતથી થાય છે, એ નોંધવા જેવું. અસ્સલની દિવાળીની આ જ તો ખાસિયત હતી ને! એમાં રાજી કરવામાં વધુ રાજીપો હતો. અને આજે? એક-બે નહીં, તમામ જ્ઞાતિના માણસોને રાજી કરવામાં આવે એ જ ખરી દિવાળી. અને ભાવના જુઓ! એમ નહીં કે માત્ર મારા ઘરે જ દિવાળી હોય… ઘેર ઘેર દિવાળી હોય એ જ સાચો તહેવાર. એ જમાનામાં આનંદ પણ સહિયારો હતો. એક લૂમ ફૂટે અને આખું ગામ ખુશ થતું. આજે તો બાજુવાળા કરતાં મારા ઘરે ફૂટતી લૂમ મોટી છે કે કેમ એના પર આવીને આપણો આનંદ સંકોચાઇ ગયો છે.
દિવાળીને દહાડે દીકરો અને નવી વહુ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરે અને ઘેર ઘેર ઘી-તેલ પુરાવવા નીકળે એને મેરાયું સીંચવું કહેવાય. આ સિવાય શેરડીના સાંઠે છોકરાંઓ કાકડો બાંધી મસાલ કે દીવો કરી ફરે એ મેરમેરૈયું કહેવાય. એક વાયકા એવી પણ છે કે ઇન્દ્રના પ્રકોપથી સહુને બચાવવા શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત આંગળી પર ઊઠાવી લીધો હતો; અને અંતે, જે ગોવાળિયાઓ વરસાદથી બચવા ગુફાઓમાં સંતાઈ ગયા હતા એમને શોધી કાઢવા મેરૈયો લઈને બાકીના ગોવાળ નીકળ્યા હતા. આ પુરાકથા પણ કદાચ આ રિવાજની પાછળ હોઈ શકે. હશે, પણ મેરૈયાને ભાળીને તો મૂંગા જનાવર પણ ખુશ થઈ જાય છે. મતલબ દિવાળીનો લ્હાવો કવિ કહે છે એમ સૃષ્ટિના તમામ સજીવોને મળી રહ્યો છે. સાચી દિવાળી આને જ તો કહેવાય.
અને આ બધું પતે પછી ગામના દરબારની ડેલીએ નાનાં-મોટાં સૌ ખુશીઓની પતરાળીઓમાં પોતપોતાના હિસ્સાની ખુશીઓથી સંતુષ્ટ થતાં.
સાચે જ, દિ‘ વાળે એ દિવાળી!