પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

મોચમનો ખાર – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

ઢૈડી ઢૈડી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો,
કયાં શેઢા લગ લાગ્યો રે? જીવો પટલ…. ખાર મોચમનો.

હોમી દીધું જીવતર આખું ખાર ગાળવા ખેતરમાં,
એકે કણ ના હેઠે ઉતર્યો, શ્રાવણમાં કે ચૈતરમાં
ગાળી ગાળી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો.

ખાર મઢેલાં ઢેફામાં તો મોલ જરી ના ફુલે ફાલે,
હરખપદૂડો થઈને જીવો ક્યાંથી આ ખેતરમાં મ્હાલે?
તોડી તોડી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો.

પાણી ખારાં, ખેતર ખારું અને આયખું ખારું ખારું,
હાલી નીકળો અહીંથી જીવા, સાંજ પડી ને બજે નગારું
પડતો મેલી હાલ્યો રે જીવો પટલ… ખાર મોચમનોે.

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની સમાલોચના ન વાંચી હોત તો આ ગીતનો મોટાભાગનો હિસ્સો મને સમજાયો જ ન હોત. મિસ્કીનસાહેબની કલમમાંથી જ થોડું ગાળી-ચાળીને આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

નળ સરોવરથી લઈને ધોલેરા સુધીના અનેક ગામો એકલા ખારા પાટમાં આવેલા છે. ઢૈડી ઢૈડીનો અર્થ થાય છે ઢસડવું. ખાર એ જમીનમાંથી ઊદ્ભવતો ક્ષાર છે. મોચમ મૌસમ નહીં. મોસમ એટલે ખેતરના બે શેઢે કિનારી ઉપર નંખાતી આડા ચાસની શેર. જીવો પટેલ એ બીજો કોઈ નહીં પ્રત્યેકનો જીવ. ખેતર એ બીજું કંઈ નહીં પણ જીંદગીનું ખેતર. પ્રત્યેક ઉનાળે ખેતરના શેઢે આ ખારને કાઢવો એ બહુ અઘરું કામ. આ ખાર ખેતરને માટે જોખમી. ખાર ઢૈડી-ઢૈડીને દૂર ના કરો ત્યાં સુધી એમાં કશું ઉગાડવું અઘરું.

જીવનના ખેતરમાંથી પણ ખાર ખસેડતા-ખસેડતા આખું જીવતર હોમાઈ જાય છે. અને ખાર જો વધારે પડતો હોય તો જીંદગીમાં એક કણ ઊગે નહીં. ક્યારેક જીવનભર ખાર ગાળ્યા કરીએ છીએ અને થાકીને મૃત્યુ પામીએ છીએ. જે માટીનાં ઢેફામાં ખાર હોય એ માટીમાં મોલ વિકસતો નથી. ખેતર લીલુંછમ્મ જોવા મળે એવા દિવસો તો ક્યારે આવે? જીવ, માણસ, જાન નામ ગમે તે આપો. પણ પ્રત્યેક વ્યક્તિ પોતાના ખેતરનો ખાર તોડી-તોડીને થાકી જાય છે અને છતાંય પાર આવતો નથી.

ભાલ પ્રદેશની એક વિશેષતા એ છે કે દરિયો નજીક છે. હવા પણ ખારી છે. પાણી ખારું છે. ખેતર ખારાં છે. અને જીવન પણ ખારું છે. જીવન સંધ્યાએ જ્યાં રામજી મંદિરમાં નગારું વાગે છે જાતને કહી દેવાય છે કે ચાલ જીવ અહીંથી હાલી નીકળીએ. જીવનભર જીવનમાંથી દુઃખને દૂર કરવા પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને છેલ્લે એ કામ પડતા મૂકીને ક્યાંક ચાલી નીકળીએ છીએ. આપણે આપણા જીવનના ખેતરમાં આંસુ અને દુઃખનો ખાર જોયેલો છે. એનેય તે દૂર ખસેડયા કરીએ છીએ. માનવ જીવનના ઢસરડાનું આ ગીત છે.

– આસ્વાદ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

16 Comments »

  1. Gaurang Thaker said,

    April 23, 2021 @ 3:00 AM

    અરે વાહ વાહ ને વાહ… ખૂબ જ સુંદર ભાવવિશ્વની ગીતમાં પ્રસ્તુતિ અને આસ્વાદે ગીતને વધારે માણવા જેવું બનાવ્યું છે.

  2. Kajal said,

    April 23, 2021 @ 3:09 AM

    ઢૈડી ઢૈડી થાક્યો રે જીવો પટલ ખાર મોચમનો …..વાહહ સુંદર ગીત સુંદર આસ્વાદ
    અભિનંદન 💐

  3. DILIPKUMAR CHAVDA said,

    April 23, 2021 @ 3:17 AM

    વાહ તળપદી ભાષાનું ઉત્તમ ગીત

  4. DILIPKUMAR CHAVDA said,

    April 23, 2021 @ 3:18 AM

    વાહ તળપદી ભાષાનું ઉત્તમ ગીત
    આસ્વાદ વાંચી ઘણું સમજાયું મોજ મોજ

  5. કિશોર બારોટ said,

    April 23, 2021 @ 3:22 AM

    સુંદર આસ્વાદ.

  6. પ્રતાપસિંહ ડાભી'હાકલ' said,

    April 23, 2021 @ 3:35 AM

    ખૂબ ખૂબ આભાર

  7. Lata Hirani said,

    April 23, 2021 @ 4:23 AM

    વાહ વાહ.. કવિ, આસ્વાદક અને રજૂ કર્તા..

  8. Pravin Shah said,

    April 23, 2021 @ 4:31 AM

    આસ્વાદનો સ્વાદ ખૂબ ભાવી ગયૉ !

  9. praheladbhai prajapati said,

    April 23, 2021 @ 6:25 AM

    સુન્દર ખરા જિવ્ નિ ક લ્પના

  10. હરીશ દાસાણી said,

    April 23, 2021 @ 7:48 AM

    ભાષાની સહજ પકડ અને પ્રતીકો આ ગીતને વિશિષ્ટ મૂલ્ય આપે છે.

  11. Parbatkumar said,

    April 23, 2021 @ 8:09 AM

    વાહ

    આ ગીત અગાઉ વાંચવા મળેલું પણ આસ્વાદ થી વધારે મજા આવી
    વાહ
    ખૂબ સરસ ગીત
    શુભેચ્છાઓ હાકલ સાહેબને
    વંદન મિસ્કીન દાદા
    આભાર વિવેકભાઈ

  12. pragnajuvyas said,

    April 23, 2021 @ 10:22 AM

    કવિશ્રી પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’નુ સુંદર ગીત
    પાણી ખારાં, ખેતર ખારું અને આયખું ખારું ખારું,
    હાલી નીકળો અહીંથી જીવા, સાંજ પડી ને બજે નગારું
    પડતો મેલી હાલ્યો રે જીવો પટલ… ખાર મોચમનોે.
    વાહ
    અમે અનુભવેલી વાત!
    વધુ મજા કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આસ્વાદ થી આવી
    ડો વિવેકને ધન્યવાદ

  13. Harihar Shukla said,

    April 23, 2021 @ 11:57 PM

    ડાભી સાહેબનું ઉત્તમ રીતે આલખાયેલું ગીત, મિસ્કિન સાહેબના આસ્વાદ પછી સરસ સમજાયું. નકરી મોજ 💐

  14. Harihar Shukla said,

    April 23, 2021 @ 11:59 PM

    આમ તો ગુ.સ. માં જ માણેલું પણ ફરી ફરી માણવાનું મન થાય 👌

  15. સ્નેહલ વૈદ્ય said,

    April 24, 2021 @ 1:18 AM

    વહેંચવા માટે ખૂબ આભાર. મારા જેવા સામાન્ય ભાવક માટે તો એક દુરબોધ રચના કહેવાય. તમે આસ્વાદ સાથે મૂકી એટલે વાંચી. આપની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને વંદન સહ અભિનંદન.

  16. Poonam said,

    April 24, 2021 @ 1:40 AM

    ખાર મઢેલાં ઢેફામાં તો મોલ જરી ના ફુલે ફાલે,
    હરખપદૂડો થઈને જીવો ક્યાંથી આ ખેતરમાં મ્હાલે?
    – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ – khaar no saar…

    Aaswad 👌🏻 miskin sahe ne Vivek sir Aabhar

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment