એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.
- વિવેક મનહર ટેલર

ઘેરે ઘેર દિવાળી – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

રાજી કરીએ કુંભાર, મેરાઈ, વાળંદ, મોચી, માળી;
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી…

આનંદ છે સહિયારી ઘટના -એ મુદ્દે સૌ સંમત,
તડતડ થાતી એક લુમ ને પડે બધાને ગમ્મત;
હોય મુખીનો મનુય ભેગો, હોય ગામ ગોવાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

મે’ર મે’ર રાજાના નાદે, મેરૈયાને ભાળી,
બેઉ બળદની આંખો ચમકે, બોલે ખમ્મા હાળી !
ગવરી ગાય મુખ ચાટે, નાચે ઘોડી ઘુઘરિયાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

સાધુ, બામણ, ગરીબગુરબાં, વણકર, મેતર, ઢોલી;
દરબારી ડેલીમાં જાણે પૂરી છે રંગોળી!
ખાય સહુ સહુના હિસ્સાનું, ખુશીઓની પતરાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

આજે ગ્લોબલાઇઝએશનના ઈરેઝરથી તહેવારોનું અસલી પોત ઝડપભેર ભૂંસાવા માંડ્યું છે, એટલે મારા પછીની પેઢીને તો આ ગીતની દિવાળી કદાચ સમજાય પણ નહીં. નાનો હતો ત્યારની જૂના શહેરની જૂની શેરીઓમાં આવી દિવાળી કૈંક અંશે જોવા મળતી, તે હજી સાવ વિસરાઈ નથી ગઈ, પણ આજે તો કદાચ ગામડાઓમાં પણ આવી દિવાળી જોવા નહીં મળે.

વાત દિવાળીની છે પણ શરૂઆત રાજી કરવાની વાતથી થાય છે, એ નોંધવા જેવું. અસ્સલની દિવાળીની આ જ તો ખાસિયત હતી ને! એમાં રાજી કરવામાં વધુ રાજીપો હતો. અને આજે? એક-બે નહીં, તમામ જ્ઞાતિના માણસોને રાજી કરવામાં આવે એ જ ખરી દિવાળી. અને ભાવના જુઓ! એમ નહીં કે માત્ર મારા ઘરે જ દિવાળી હોય… ઘેર ઘેર દિવાળી હોય એ જ સાચો તહેવાર. એ જમાનામાં આનંદ પણ સહિયારો હતો. એક લૂમ ફૂટે અને આખું ગામ ખુશ થતું. આજે તો બાજુવાળા કરતાં મારા ઘરે ફૂટતી લૂમ મોટી છે કે કેમ એના પર આવીને આપણો આનંદ સંકોચાઇ ગયો છે.

દિવાળીને દહાડે દીકરો અને નવી વહુ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરે અને ઘેર ઘેર ઘી-તેલ પુરાવવા નીકળે એને મેરાયું સીંચવું કહેવાય. આ સિવાય શેરડીના સાંઠે છોકરાંઓ કાકડો બાંધી મસાલ કે દીવો કરી ફરે એ મેરમેરૈયું કહેવાય. એક વાયકા એવી પણ છે કે ઇન્દ્રના પ્રકોપથી સહુને બચાવવા શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત આંગળી પર ઊઠાવી લીધો હતો; અને અંતે, જે ગોવાળિયાઓ વરસાદથી બચવા ગુફાઓમાં સંતાઈ ગયા હતા એમને શોધી કાઢવા મેરૈયો લઈને બાકીના ગોવાળ નીકળ્યા હતા. આ પુરાકથા પણ કદાચ આ રિવાજની પાછળ હોઈ શકે. હશે, પણ મેરૈયાને ભાળીને તો મૂંગા જનાવર પણ ખુશ થઈ જાય છે. મતલબ દિવાળીનો લ્હાવો કવિ કહે છે એમ સૃષ્ટિના તમામ સજીવોને મળી રહ્યો છે. સાચી દિવાળી આને જ તો કહેવાય.

અને આ બધું પતે પછી ગામના દરબારની ડેલીએ નાનાં-મોટાં સૌ ખુશીઓની પતરાળીઓમાં પોતપોતાના હિસ્સાની ખુશીઓથી સંતુષ્ટ થતાં.

સાચે જ, દિ‘ વાળે એ દિવાળી! 

8 Comments »

  1. Pratapsinh Dabhi Hakal said,

    November 5, 2021 @ 6:19 AM

    સંક્ષિપ્ત આસ્વાદમાં પણ નોંધવા જેવી એ બાબત છે કે ભલે ગીતમાં ઉલ્લેખ ફક્ત પાલતુ પશુઓનો જ હોય પરંતુ આસ્વાદક એ ભાવની વિશાળતા બરાબર પામ્યા છે ને એ વાતને તમામ સજીવો સુધી લઈ ગયા છે. આસ્વાદકનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અહીં કામ આવ્યો છે તેમ મને લાગે છે.
    લયસ્તરો જેવા અતિ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર મારી દિવાળી કવિતાને સ્થાન મળ્યું એનો ખૂબ આનંદ થયો છે.
    વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું.

  2. Pratapsinh Dabhi Hakal said,

    November 5, 2021 @ 6:35 AM

    એક બીજી પણ મજાની વાત છે અહીં. મેરૈયાની પ્રથા તો બધે જ છે એની સાબિતી પણ અહીં મળી રહે છે. આ કવિતાના કવિ તરીકે હું જે પૃષ્ઠભૂમિમાથી આવું છું તે ભાલ પ્રદેશની વાત કરું તો અમારે ત્યાં કપાસની ખેતી પણ થાય અને મેરૈયા બનાવવા માટે આ કપાસની સાંઠીઓ ખપમાં આવતી. તળાવની કાળી માટીમાંથી બનાવેલા મેરૈયામાં કપાસિયા ભરવામાં આવતા . એટલે એ પણ ખેડૂતનું પોતાનું જ ઉત્પાદન. એની ઉપર દિવાળી નિમિત્તે બનાવેલી લાપસી ભરવામાં આવતી . વળી એની ઉપર ઘી કે તેલ રેડવામાં આવતું.
    અહીં આસ્વાદકએ શેરડીના સાંઠાનો ઉલ્લેખ કર્યો છે જે તેઓની પૃષ્ઠભૂમિ એવા દક્ષિણ ગુજરાત પ્રદેશનો ઉલ્લેખ કરે છે.
    આજ તો છે કવિતાનું વિસ્તરણ ને આજ તો છે મજા કવિતાની ! આ જ તો મજા છે એના આસ્વાદની.

  3. પ્રકાશ સોજીત્રા said,

    November 5, 2021 @ 8:50 AM

    વાહ ખૂબ સરસ રચના…. નૂતન વર્ષના પ્રારંભે મસ્ત રચના વાંચવા મળી..
    ખૂબ ખૂબ આભાર વિવેકભાઇ.. અને હાકલ સાહેબને શુભેચ્છાઓ

  4. saryu parikh said,

    November 5, 2021 @ 9:19 AM

    એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી.
    બાળપણનો નિર્મળ આનંદ…દિવાળી.

  5. pragnajuvyas said,

    November 5, 2021 @ 11:01 AM

    નવા વર્ષની શુભેચ્છાઓ
    હાકલની સ રસ હાકલ

  6. જયેન્દ્ર ઠાકર said,

    November 5, 2021 @ 3:07 PM

    Care and share…આ કવિતાનો સરસ સંદેશ છે! સમયની સાથે આપણા રિતરીવાજો પણ વિલીન થાય છે. આ પણ એક સમજવા જેવી વાત છે! મેરાયાની વાતતો સાવજ ભુલાય ગઈ લાગે છે.
    સરસ કવિતાની ભેટ આપવા બદલ આભાર ઃ)

  7. Harihar Shukla said,

    November 5, 2021 @ 11:51 PM

    કવિતા માણવાની આથી વધુ મોજ શું હોઈ શકે?👌

  8. Keshav Suthar said,

    November 6, 2021 @ 5:44 PM

    આમ અને ખાસ સૌની છે દિવાળી; એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી !
    વર્ષારંભે ખૂબ સુંદર કવિતા-ગીત માણ્યું… હાકલ સરને.. ટેલર સરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…💐💐 લયસ્તરો એટલે ગુજરાતી ગીત-કાવ્ય-ગઝલનો ખજાનો !
    – કેશવ સુથાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment