રાત પડી ગઈ – દાદુદાન ગઢવી (કવિ દાદ)
પ્રીતની ઘેલી હાય બિચારી,
. સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
. રીસ હૈયાને હાટ ચડી ગઈ.
ઉદયાચળને ઓરડેથી એ,
. દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
. સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.
હાર ગળાના હીરલા તૂટ્યા,
. થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
. બીજની ઝીણી ભાત પડી ગઈ.
અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
. ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
. સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.
નેપુર પગે ઠેસડી જાણે;
. દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
. ચિતથી મીઠી વાત પડી ગઈ.
– દાદુદાન ગઢવી (કવિ દાદ)
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646
બે દૃશ્ય જોઈએ:
દૃશ્ય એક. દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે ને સાંજે આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું?
દૃશ્ય બે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી.
કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે.
pragnajuvyas said,
October 9, 2021 @ 11:26 AM
સુંદર રચના અને ડૉ વિવેક દ્વારા ખૂબ જ સુંદર વિશદ આસ્વાદ
નૂપુર પગે ઠેસ વાગી,
એની ગામે ગામ મંદિરમાં ઝાલર થૈ ગઈ
વાહ્
રાત સુહાગનનો શણગાર સજીને સૂરજની પાછળ દોડી, તેના સિંદૂરનું ઢોળાઈ સંધ્યાની લાલી થઈ જવું, વાળ છૂટા થઈ વિખેરાઈ જતા રાત થઈ જવી, હાર તૂટતા તેના મોતિડા તારલાઓ થઈ જવા, તેના આંસુના પ્રતિબિંબ થકી આકાશગંગા બની જવી, બંગડી તૂટી બીજ સ્વરૂપે શોભવી, આ બધાની સાથે તેણે ઝાંઝર પહેરેલા હતા. આ ઝાંઝરવાળા પગે ઠેસ વાગવાથી એક રણકાર થયો, ઝાંઝરનો ઝણકાર થયો, જાણે તે ગામે-ગામ મંદિરની ઝાલરોનો સુંદર રણકાર થઈ ગયો. આવી પડે છે આપણી રાત. જેના માટે આપણે ‘રાત પડી ગઈ’ રૂપક વાપરીએ છીએ.
અ દ ભુ ત
amrut kotecha said,
October 10, 2021 @ 7:33 PM
ખુબ સુન્દેર રચ્નના એસ્પિઅલ્લ્ય કવિ દાદ્
amrut kotecha said,
October 10, 2021 @ 7:36 PM
ખુબ સુન્દેર રચ્નના એસ્પિઅલ્લ્ય કવિ દાદ્
કવિ દાદ નિ કલ્પન અક્લ્પ્નનિય ચ્હે