હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!
પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!
– હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દાદ કવિ

દાદ કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પગલાંની માળા – કવિ દાદ

વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણું, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં’તાં જેમ સુઘરીના માળા-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં’તાં પગપાળાં;
વિ’ખાંઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું, ગાળા–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, કયાં કરવા ઊતારા;
આસારો દઈ ઊડાડી મૂકયાં, વલખે પાંખુવાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

આવનજાવન રહી ન કોઈ, ઊંઘી ગયાં અજવાળાં;
બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂનાં ઘરને તાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

– કવિ દાદ

મધુરા સહજીવનની આશાએ એકબંધને બંધાતા યુગલોમાં ઘણાંયને અધવચ્ચે અલગ થવાનો જોગ આવતો હોય છે. કવિ દાદ પાસેથી એક અદભુત રચના આ સંદર્ભે આપણને મળે છે. બે જણ જીવતરના સુંવાળાં સપનાંનાં તણખલાં વીણી-વીણીને સપ્તપદીના પગલાંની માળા ગૂંથે છે એ વાતથી ગીતારંભ થાય છે. શરૂમાં તો સહવાસ એટલો પ્યારો લાગતો હોય છે જાણે બે પંખી સાથે મળીને એક જ તરણું ઊપાડી ઊડે છે. સુઘરી જે કુશળતાથી માળો ગૂંથે છે એ જ કૌશલ્યથી બંને જણ એકમેકના મન એકમેક સાથે ગૂંથે છે. માળા તો બધા પંખીના હોય પણ કળાકૌશલ્યની એરણ પર સુઘરી કદાચ અવ્વલ ક્રમે આવે. કવિતામાં યોજાતાં પ્રતીક કવિતાને ઉપકારક હોય તો જ કવિતા સારીમાંથી ઉત્તમ તરફ ગતિ કરી શકે.

પણ આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે રસ્તે બે જણ સંગાથે પગપાળાં ચાલ્યાં હતાં ત્યાં આજે જંગલ-ઝાડી-ઝાંખરાં ઊગી આવ્યાં છે. મતલબ એ માર્ગ હવે અવાવરૂ બની ગયો છે. રસ્તામાં જ્યાં સાથે બેસી બે જણ વિસામો કરતાં હતાં એ નદી-ભાગોળ બધું આજે વીંખાઈ ગયું છે.

પિંજરમાં લાંબો સમય કેદ પંખીને અચાનક આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવે તો વરસોથી જકડાઈ ગયેલ પાંખોને લઈને શું કરવું-શું ન કરવુંની સમજ ન પડે એ જ રીતે પ્રેમપિંજરની કેદમાં પોતપોતાના અસ્તિત્ત્વને સંકોરીને જીવવા ટેવાયેલ પ્રેમીજન અચાનક અલગ અને સ્વતંત્ર થઈ જવાની પરિસ્થિતિને અનુકૂળ થવામાં તકલીફ અનુભવે છે. જીવતર સૂનાં પડ્યાં છે. ફરી અજવાળાં થાય એવી આશા ક્યાંય દેખાતી નથી. બંધ ઘરને તાળાં લાગી ગયાં હોય એમ અંધારું જીવન બંધિયાર થઈ ગયું છે. કરોળિયાની જાળમાં જંતુ જે રીતે ફસાઈને મરી જાય એ રીતે બંને જણ પોતે જ ગૂંથેલા જાળાંની લાળમાં સપડાઈને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરી રહ્યાં છે.

કેવું અદભુત ગીત!

Comments (3)

રાત પડી ગઈ – દાદુદાન ગઢવી (કવિ દાદ)

પ્રીતની ઘેલી હાય બિચારી,
.           સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
.           રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
.           દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
.           સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
.           થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
.           બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
.           ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
.           સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
.           દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
.           ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646

બે દૃશ્ય જોઈએ:

દૃશ્ય એક. દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે ને સાંજે આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું?

દૃશ્ય બે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી.

કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે.

Comments (3)

શ્રાવણની સંધ્યા – દાદુદાન ગઢવી (કવિ દાદ)

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં પણ ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે.

Comments (8)

કાળજા કેરો કટકો મારો – કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

– કવિ દાદ

કવિ દાદ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા… કવિને તાજેતરમાં જ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું હતું. આ કવિ વિશે બીબીસી ગુજરાતી શું કહે છે એ જોઈએ:

જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે. કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.

ખેતી કરતાં કરતાં વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. કવિ દાદએ ૧૪-૧૫ વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

કવિ દાદે ૧૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ૧૯૭૫માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…’ અને ફિલ્મ શેઠ શગાળશાનું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું “કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું” પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે. પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે “બંગાળ બાવની” નામના પુસ્તકમાં ૫૨ રચનાઓ લખી હતી.

કવિ દાદને ‘પદ્મશ્રી’ ઉપરાંત ‘મેઘાણી સાહિત્ય એવોર્ડ’, ‘કવિ દુલા કાગ એવોર્ડ’, ‘હેમુ ગઢવી એવોર્ડ’ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડૉક્ટરેટ પણ કર્યું છે.

લયસ્તરો તરફથી કવિને શબ્દાંજલિ આપીએ છીએ…

Comments (9)