હશે અવશ્ય કોઈ ચોર મનમાં પહેલેથી,
નકર આ હાવભાવ, આ તણાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

કાળજા કેરો કટકો મારો – કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

– કવિ દાદ

કવિ દાદ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા… કવિને તાજેતરમાં જ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું હતું. આ કવિ વિશે બીબીસી ગુજરાતી શું કહે છે એ જોઈએ:

જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે. કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.

ખેતી કરતાં કરતાં વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. કવિ દાદએ ૧૪-૧૫ વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

કવિ દાદે ૧૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ૧૯૭૫માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…’ અને ફિલ્મ શેઠ શગાળશાનું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું “કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું” પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે. પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે “બંગાળ બાવની” નામના પુસ્તકમાં ૫૨ રચનાઓ લખી હતી.

કવિ દાદને ‘પદ્મશ્રી’ ઉપરાંત ‘મેઘાણી સાહિત્ય એવોર્ડ’, ‘કવિ દુલા કાગ એવોર્ડ’, ‘હેમુ ગઢવી એવોર્ડ’ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડૉક્ટરેટ પણ કર્યું છે.

લયસ્તરો તરફથી કવિને શબ્દાંજલિ આપીએ છીએ…

9 Comments »

  1. Rachna Shah said,

    April 27, 2021 @ 3:03 AM

    Wah

  2. praheladbhai prajapati said,

    April 27, 2021 @ 7:29 AM

    SUPERB ,EXCELENT , AWASOME

  3. હર્ષદ દવે said,

    April 27, 2021 @ 7:54 AM

    વાહ…
    વંદન.

  4. Himanshu Jasvantray Trivedi said,

    April 27, 2021 @ 3:11 PM

    આપણી ભાષાની એક એવી રચના જે દરેક બાપ-દીકરીએ અને સાહિત્ય/ભાષાના ચાહકે વાંચવી જોઈએ, સમજવી જોઈએ અને ખાસ કરીને આ રચના તો સાંભળવી પણ જોઈએ. કવિ દાદ ને ચોક્કસ ખોટ સાલશે. વંદન, પ્રણામ.

  5. Nayan said,

    April 27, 2021 @ 4:15 PM

    કવિ દાદ ની પણ વિદાય !

  6. pragnajuvyas said,

    April 27, 2021 @ 4:19 PM

    એક કવિને સાચી શ્રધ્ધાંજલી એના રચનાઓ યાદ કરીને જ અપાતી હોય છે.
    આજે લયસ્તરો પર
    લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
    જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
    વાંચતા આંખ નમ
    અમારી હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ

  7. દિનેશ ગોગરી said,

    April 28, 2021 @ 6:36 AM

    શ્રધ્ધાંજલિ દાદબાપુને..

  8. Maheshchandra Naik said,

    April 29, 2021 @ 11:33 PM

    કવિશ્રી દાદને હ્રદય્પુર્વક ની શ્રધ્ધા સુમન….

  9. Harihar Shukla said,

    April 30, 2021 @ 11:01 PM

    દાદ નો લાડખજાનો 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment