બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

પગલાંની માળા – કવિ દાદ

વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણું, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં’તાં જેમ સુઘરીના માળા-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં’તાં પગપાળાં;
વિ’ખાંઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું, ગાળા–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, કયાં કરવા ઊતારા;
આસારો દઈ ઊડાડી મૂકયાં, વલખે પાંખુવાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

આવનજાવન રહી ન કોઈ, ઊંઘી ગયાં અજવાળાં;
બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂનાં ઘરને તાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

– કવિ દાદ

મધુરા સહજીવનની આશાએ એકબંધને બંધાતા યુગલોમાં ઘણાંયને અધવચ્ચે અલગ થવાનો જોગ આવતો હોય છે. કવિ દાદ પાસેથી એક અદભુત રચના આ સંદર્ભે આપણને મળે છે. બે જણ જીવતરના સુંવાળાં સપનાંનાં તણખલાં વીણી-વીણીને સપ્તપદીના પગલાંની માળા ગૂંથે છે એ વાતથી ગીતારંભ થાય છે. શરૂમાં તો સહવાસ એટલો પ્યારો લાગતો હોય છે જાણે બે પંખી સાથે મળીને એક જ તરણું ઊપાડી ઊડે છે. સુઘરી જે કુશળતાથી માળો ગૂંથે છે એ જ કૌશલ્યથી બંને જણ એકમેકના મન એકમેક સાથે ગૂંથે છે. માળા તો બધા પંખીના હોય પણ કળાકૌશલ્યની એરણ પર સુઘરી કદાચ અવ્વલ ક્રમે આવે. કવિતામાં યોજાતાં પ્રતીક કવિતાને ઉપકારક હોય તો જ કવિતા સારીમાંથી ઉત્તમ તરફ ગતિ કરી શકે.

પણ આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે રસ્તે બે જણ સંગાથે પગપાળાં ચાલ્યાં હતાં ત્યાં આજે જંગલ-ઝાડી-ઝાંખરાં ઊગી આવ્યાં છે. મતલબ એ માર્ગ હવે અવાવરૂ બની ગયો છે. રસ્તામાં જ્યાં સાથે બેસી બે જણ વિસામો કરતાં હતાં એ નદી-ભાગોળ બધું આજે વીંખાઈ ગયું છે.

પિંજરમાં લાંબો સમય કેદ પંખીને અચાનક આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવે તો વરસોથી જકડાઈ ગયેલ પાંખોને લઈને શું કરવું-શું ન કરવુંની સમજ ન પડે એ જ રીતે પ્રેમપિંજરની કેદમાં પોતપોતાના અસ્તિત્ત્વને સંકોરીને જીવવા ટેવાયેલ પ્રેમીજન અચાનક અલગ અને સ્વતંત્ર થઈ જવાની પરિસ્થિતિને અનુકૂળ થવામાં તકલીફ અનુભવે છે. જીવતર સૂનાં પડ્યાં છે. ફરી અજવાળાં થાય એવી આશા ક્યાંય દેખાતી નથી. બંધ ઘરને તાળાં લાગી ગયાં હોય એમ અંધારું જીવન બંધિયાર થઈ ગયું છે. કરોળિયાની જાળમાં જંતુ જે રીતે ફસાઈને મરી જાય એ રીતે બંને જણ પોતે જ ગૂંથેલા જાળાંની લાળમાં સપડાઈને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરી રહ્યાં છે.

કેવું અદભુત ગીત!

3 Comments »

  1. pragnajuvyas said,

    May 6, 2023 @ 7:28 PM

    ચારણીસાહિત્ય જ નહિ, જીવતરના ઘડતરની સમજણના ઓલિયા પરખંદા દાદબાપુ ચારણીસાહિત્યમાં સૌથી વધુ વૈવિધ્યસભર ને અર્થસભર ખેડાણ કરનાર કવિના હૈયે સંવેદના જાગે અને કેવી કલ્પનાઓ નિખરે ! પ્રીતના ગીતમાં ય દાદુદાન ગઢવી દાદ માંગી લે એવા બગીચા ખીલવી જાણે છે દાદબાપુનું આ ‘પગલાંની માળા’ અદભુત ગીત
    કવિ ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
    નજર ગૂંથે પગલાંની માળા…
    ગાતા આંખ નમ
    મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
    ગાતા.ગળે ડુમો બાઝી ગયો

    પ્રીતના ગીતમાં ય દાદુદાન ગઢવી દાદ માંગી લે એવા ગુલાબ નહિ, પણ ગુલિસ્તાં, બગીચા ખીલવી જાણે છે. મૂળ તો જોઈએ અનુભવ કરતી બારીક નજર, ને પછી એને પરોવવા માટે ટેરવે સાબદા રહેતા શબ્દો. બહારથી સીધો લાગતો વ્હાલો નરસિંહ મહેતા હોય કે દાસ કબીર રસિકતા તો હૈયે રંગોળી કરી બેઠી હોય.

  2. હેમા તૃષિત મહેતા said,

    May 11, 2023 @ 10:54 PM

    અપ્રતિમ કવિતા નો દરેક યુગલને સમજવા જેવી સહજ સમજૂતી

  3. કાજલ શાહ said,

    May 17, 2023 @ 12:18 PM

    બહુ જ સરસ 👌👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment