જયંત ડાંગોદરા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 23, 2023 at 11:29 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
નીંદર વેડીને લીધા લખલૂટ ઉજાગરા ને ઝળઝળિયાં વેડીને રાત,
છાતીમાં વાંભ વાંભ ઉઝરડા ઊછળે પણ કરવી તો કોને જઈ વાત ?
સીંચણિયું બાંધીને આંસુ ઉલેચવાની રોજ કરું અણગમતી દાડી,
ઉપરથી એટલુંય ઓછું કંઈ હોય એમ લીલીછમ રાખવાની વાડી,
વેઠી વેઠાય નહીં એવી તે વેઠ જોવા ઊમટી છે સમણાંની નાત.
છાતીમાં વાંભ વાંભ…
તોળાતી છત પર જો તાકી રહું તો લાગે ખાલીખમ આંખોનો ભાર,
મીંચી દઉં પળભર તો ખર ખર ખર ખરતો આ પાંપણમાં બાઝેલો ખાર,
અંધારું ઓઢાડી પોઢાડી દઉં હવે ઢોલિયામાં ઊકળતી જાત.
છાતીમાં વાંભ વાંભ…..
– જયંત ડાંગોદરા
પ્રિયજન છાતીમાં વાંભ વાંભ ઉછાળા મારે એવા કારા ઘાવ આપીને ગયો છે એને લઈને નાયિકાના ભાગે લખલૂટ ઉજાગરા વેઠવાનું આવ્યું છે. નાયિકાની રાતના કાળા આકાશમાં અગણિત તારાઓના ઝળહળાટનું સ્થાન ઝળઝળિયાંઓએ લીધું છે. સીંચણિયું તો બાંધ્યું છે પણ જીવતરના કૂવામાંથી મિલનના અમરતના સ્થાને ઝેર જેવાં આંસુ ઉલેચવાની ફરજ પડી છે. રોજેરોજની આવી નોકરી ગમે તો કેમ, પણ માથે પડી છે તે કરવી પડે છે. ને આટલું ઓછું હોય એમ ઘરસંસાર પણ વ્યવસ્થિત રાખવાનો. ભીતરના ભાવસંચરણનો કોઈને અણસારેય ન આવવો જોઈએ. પ્રીતમની અનુપસ્થિતિમાં છત સામે તાકી રહે તો ખાલી આંખોનો બોજ અનુભવાય છે અને આંખો મીંચે તો ખર ખર ખર ખારાં આંસુ વહેવા માંડે છે. પળ-ભર-ખર-ખર-ખર-ખર(તો)-ખાર : આ વર્ણસગાઈ એવી સરસ રીતે પ્રયોજાઈ છે કે આંસુ રીતસર ટપ ટપ ટપકતાં હોવાનું અનુભવાયા વિના રહેતું નથી.
Permalink
March 5, 2022 at 11:23 AM by વિવેક · Filed under અછાંદસ, જયંત ડાંગોદરા
દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.
– જયંત ડાંગોદરા
કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…
Permalink
October 22, 2021 at 2:42 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.
વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !
કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.
અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !
હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.
– જયંત ડાંગોદરા
સહજ અને સ-રસ ગઝલ!
Permalink
March 6, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
મને અહીંયા તે રોપી શું કામ?
રોપી તો રોપી પણ આપ્યા કાં કંકુ ને ચોખાથી ચમચમતા ડામ?
વ્હાલપનું જગ મને દેખાડી વિસ્તરવા આપ્યું’તું કેવળ એક કૂંડું,
નિયમોથી બાંધેલી માટીમાં મૂળ મારું જાય પછી કેમ કરી ઊંડું,
અડાબીડ ઊગેલાં અલ્લડપણાંને હવે આપું હું બીજું શું નામ?
મને અહીંયા તે રોપી શું કામ?
શ્રીફળ પર મૂકીને આપી’તી ખોબામાં સાચવવા કાયમની ઝાળ,
ઝાંઝર બે પ્હેરાવી પગલાંમાં હળવેથી બાંધેલી મરજાદી પાળ,
પાંખોને વીંધીને કીધું કે ઊડ હવે, આભલે છે તારો મુકામ.
મને અહીંયા તે રોપી શું કામ?
– જયંત ડાંગોદરા
લયસ્તરો પર કવિ શ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’નું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાનું ગીત અત્રે પ્રસ્તુત છે.
કન્યા તરફથી પોતાના માવતરને કરાતા ધારદાર સવાલોનું આ વેદનાસિક્ત ગીત આપણી સંવેદનાને હચમચાવી દે એવું છે. મુક્ત ઉડ્ડયનના અધિકાર ધરાવતી કન્યાને મા-બાપે કૂંડામાં રોપી શા માટે દીધીનો સવાલ થાય છે. જમીનમાં પગ ખોડી દીધા એ પૂરતું ન હોય, એમ આપણે સ્ત્રીને પૂજનીયનો દરજ્જો આપી જાણે કે ચમચમતા ડામ દીધા છે. વાતો તો વહાલની દુનિયામાં વિસ્તરવાની કરી, પણ રોપી દીધી એક કૂંડામાં. અને કૂંડાની માટી તો ચોતરફથી નિયમોથી સીમિત. મૂળ જેટલું જમીનમાં ઊંડે જઈ શકે એટલું કૂંડામાં કદી જઈ શકે ખરું? કૂંડાની માટીનું આવું અદભુત કલ્પન આ પૂર્વે ભાગ્યે જ આપણે જોયું હશે. કન્યાના ખોબામાં વિદાય વખતે આપેલું શ્રીફળ જાણે આજીવન વેઠવાની અગનઝાળ છે અને પગમાં પહેરાવેલા ઝાંઝર મર્યાદાઓની ઊભી કરેલી બેડી જેવાં છે જાણે. પાંખો કાતરી લીધા પછી આપણે સ્ત્રીનેઊડાન ભરવાની આઝાદી આપીએ ત્યારે એના મનમાં સામા આવા જ સવાલો ઊભા થતા હશે ને? પુરુષ કવિની કલમ કેવી બખૂબી ઝીણાં સ્ત્રીસંવેદનોને આલેખી શકી છે!
Permalink
December 19, 2019 at 12:57 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.
તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.
નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.
પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.
જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.
– જયંત ડાંગોદરા
‘જરા હટ કે’ બયાનીસભર ગઝલ…
Permalink
October 21, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
રૂપ રસ ગંધ કે શબ્દ સ્પર્શેય ના,
સાચવ્યું ફક્ત હોવાપણું આપણે.
એટલું આવડે તો ઘણું થઈ ગયું,
કાઢવું કેમ ખુદનું કણું આપણે.
થાય પથ્થર થવાકાળ ભગવાન, પણ
મેળવ્યું શું બની ટાકણું આપણે.
તેજના કુંડમાં દેહ ડૂબી ગયો,
ખોલવા જ્યાં ગયા બારણું આપણે.
– જયંત ડાંગોદરા
સ્મરણની આગ સતત સંબંધને રોશન રાખે છે. આપણે આપણા અસ્તિત્વની પળોજણમાં જ એવા રચ્યાપચ્યા રહીએ છીએ કે સંસારના સાચા રસોથી અલિપ્ત જ રહી જઈએ છીઈ. જીવનમાં બીજું કંઈન આવડે તો ચાલશે, માત્ર પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવતા આવડવો જોઈએ. પથ્થરને ભગવાન બનાવનાર આપણે. પથ્થરનો તો બેડો પાર થઈ ગયો પણ આપણો? અને સાચો પ્રકાશ તો બહાર ઊભો જ છે આપણી પ્રતીક્ષામાં, જરૂર માત્ર છે આપણે આપણાં મનોમસ્તિષ્કના બારી-બારણાં ખોલવાની.
Permalink
August 14, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
હિંડોળે હિંચકતાં ખંખેરી પાન
અમે છાંયડાને દેશવટો દીધો;
ટહુકાઓ કોરાણે મૂકીને
કાળઝાળ તડકાને ખોળામાં લીધો.
અડવું ઊભેલ ઝાડ પંખીને ભૂલીને
હવે ખરતાં પીછાંને પંપાળે,
ખરબચડી ડાળેથી લપસેલા નિઃસાસા
લીલીછમ વગડામાં ખાલીપો ઘોળીને
કળકળતો ઘૂંટ એક પીધો.
હિંડોળે…
ફૂલોને હડસેલા મારીને અત્તરિયા
પાસેથી માંગ્યું રે ફાયું,
ચકલીએ નોંધાવી બળવાનો સૂર
એક ચીંચીંયે સુદ્ધાં ન ગાયું,
પીડાનાં પાન પછી વાળીને
ફળિયામાં ડૂમાનો ઓળીપો કીધો.
હિંડોળે…
– જયંત ડાંગોદરા
આધુનિકીકરણ વિશે મબલખ કવિતાઓ લખાઈ ગઈ. પણ અહીં કવિ તટસ્થ માણસ દરિયો નિહાળે એમ માત્ર આધુનિકીકરણનો ચિતાર દોરી આપે છે એ કારણે કવિતા વધુ ઓપી ઊઠે છે. એમનો વિરોધનો સૂર પણ ચીંચીં સુદ્ધાં ન ગાતી ચકલી જેવો નિર્લેપ છે.
Permalink
March 5, 2010 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.
એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.
ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.
આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.
શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.
– જયંત સંગીત
ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…
Permalink
June 26, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.
શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.
માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.
રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.
સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.
– જયંત ‘સંગીત’
લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…
Permalink