ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
કિરણ ચૌહાણ

રોપી શું કામ? – જયંત ડાંગોદરા

મને અહીંયા તે રોપી શું કામ?
રોપી તો રોપી પણ આપ્યા કાં કંકુ ને ચોખાથી ચમચમતા ડામ?

વ્હાલપનું જગ મને દેખાડી વિસ્તરવા આપ્યું’તું કેવળ એક કૂંડું,
નિયમોથી બાંધેલી માટીમાં મૂળ મારું જાય પછી કેમ કરી ઊંડું,
અડાબીડ ઊગેલાં અલ્લડપણાંને હવે આપું હું બીજું શું નામ?
મને અહીંયા તે રોપી શું કામ?

શ્રીફળ પર મૂકીને આપી’તી ખોબામાં સાચવવા કાયમની ઝાળ,
ઝાંઝર બે પ્હેરાવી પગલાંમાં હળવેથી બાંધેલી મરજાદી પાળ,
પાંખોને વીંધીને કીધું કે ઊડ હવે, આભલે છે તારો મુકામ.
મને અહીંયા તે રોપી શું કામ?

– જયંત ડાંગોદરા

લયસ્તરો પર કવિ શ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’નું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાનું ગીત અત્રે પ્રસ્તુત છે.

કન્યા તરફથી પોતાના માવતરને કરાતા ધારદાર સવાલોનું આ વેદનાસિક્ત ગીત આપણી સંવેદનાને હચમચાવી દે એવું છે. મુક્ત ઉડ્ડયનના અધિકાર ધરાવતી કન્યાને મા-બાપે કૂંડામાં રોપી શા માટે દીધીનો સવાલ થાય છે. જમીનમાં પગ ખોડી દીધા એ પૂરતું ન હોય, એમ આપણે સ્ત્રીને પૂજનીયનો દરજ્જો આપી જાણે કે ચમચમતા ડામ દીધા છે. વાતો તો વહાલની દુનિયામાં વિસ્તરવાની કરી, પણ રોપી દીધી એક કૂંડામાં. અને કૂંડાની માટી તો ચોતરફથી નિયમોથી સીમિત. મૂળ જેટલું જમીનમાં ઊંડે જઈ શકે એટલું કૂંડામાં કદી જઈ શકે ખરું? કૂંડાની માટીનું આવું અદભુત કલ્પન આ પૂર્વે ભાગ્યે જ આપણે જોયું હશે. કન્યાના ખોબામાં વિદાય વખતે આપેલું શ્રીફળ જાણે આજીવન વેઠવાની અગનઝાળ છે અને પગમાં પહેરાવેલા ઝાંઝર મર્યાદાઓની ઊભી કરેલી બેડી જેવાં છે જાણે. પાંખો કાતરી લીધા પછી આપણે સ્ત્રીનેઊડાન ભરવાની આઝાદી આપીએ ત્યારે એના મનમાં સામા આવા જ સવાલો ઊભા થતા હશે ને? પુરુષ કવિની કલમ કેવી બખૂબી ઝીણાં સ્ત્રીસંવેદનોને આલેખી શકી છે!

20 Comments »

  1. Sandip Pujara said,

    March 6, 2021 @ 1:27 AM

    આહ – ખુબ સંવેદનશીલ ગીત

  2. Jayant Dangodara said,

    March 6, 2021 @ 1:30 AM

    ધન્યવાદ વિવેકભાઈ. આપના સ્નેહ અને સદ્ભાવ મારે મન પ્રોત્સાહનરૂપ છે.

  3. Dr. Manoj Joshi 'Mann' (Jamnagar ) said,

    March 6, 2021 @ 1:33 AM

    અદ્ભૂત… વાહ કવિ…
    આભાર લયસ્તરો….❤️🌹

  4. Deval Vora said,

    March 6, 2021 @ 1:36 AM

    કુંચી આપો બાઇજી by Vinod Joshi યાદ આવી ગયું …. વાહ કવિ …. સર , thanx for sharing …

  5. Rinal Patel said,

    March 6, 2021 @ 1:36 AM

    અહહાહા… 😍

  6. Kajal kanjiya said,

    March 6, 2021 @ 1:58 AM

    21મી સદીમાં પણ આ જ પરિસ્થિતિ છે. પહેલાં પિતા પછી પતિ પછી પુત્ર સ્ત્રી માટે મર્યાદાનાં કુંડાળા દોરતા આવ્યાં છે અને સ્ત્રીને તેની મરજી પ્રમાણે મહાન બનાવતા આવ્યાં છે. હું મહાન બનીશ તો મારી ઈચ્છાથી મારા સિધ્ધાંતોથી મને એક વખત ખુલ્લીને જીવવા તો દો !

    આખરે એક જ વાત

    मुजे जी ने दो 🙏

  7. Anjana bhavsar said,

    March 6, 2021 @ 2:21 AM

    ખૂબ સરસ…કેવળ એક કૂંડું…
    સ્ત્રીના મનોભાવની સરસ અભિવ્યક્તિ

  8. DILIPKUMAR CHAVDA said,

    March 6, 2021 @ 2:27 AM

    ખૂબ સરસ સંવેદનાથી ભરપૂર ગીત
    કવ્ય થકીય ઘણી વેદના છતી થાય છે

  9. હર્ષદ દવે said,

    March 6, 2021 @ 4:42 AM

    સરસ રચનાનો સરસ આસ્વાદ.
    કવિને અભિનંદન

  10. Dilip Motilal shah said,

    March 6, 2021 @ 4:55 AM

    જયંતભાઈ, કમાલ કરીછે. ! દીકરી માટે ની મારી સંવેદનાઓ નને જાણે. તમે ઘાટ આપ્યો છે.દીકરી. ને કવિતા તો નથી આવડતી,પણ મને એની આંખોમાં આ જ દર્દ વંચાય. છે.
    સુંદર ગીત.ખૂબ.ખૂબ આભાર લયસ્તરો નો…

  11. કિશોર બારોટ said,

    March 6, 2021 @ 7:03 AM

    મને ગમતાં કવિનું અતિ પ્રિય ગીત.
    કવિને ઘણી ખમ્મા.

  12. pragnajuvyas said,

    March 6, 2021 @ 9:21 AM

    કવિશ્રી જયંત ડાંગોદરાનુ સંવેદનશીલ ગીત રોપી શું ક
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    પાંખોને વીંધીને કીધું કે ઊડ હવે, આભલે છે તારો મુકામ.
    મને અહીંયા તે રોપી શું કામ?
    સંવેદનશીલ અભિવ્યક્તી

  13. Pratibha Choksi said,

    March 6, 2021 @ 1:38 PM

    Too negative.
    Sorry to say.

  14. Chetna said,

    March 6, 2021 @ 11:39 PM

    અહહા. અદભુત.. !!
    અંદર થી હલી જવાય એવી રચના .!!

  15. chetan shukla said,

    March 7, 2021 @ 10:59 PM

    વાહ…. સ્ત્રી સંવેદનાને ઝીલી લેતું ગીત વાંચી આનંદ થયો.

  16. Harihar Shukla said,

    March 7, 2021 @ 11:04 PM

    સ્ત્રી સંવેદના દર્શાવતું અદભૂત લયબદ્ધ ગીત 👌

  17. preetam lakhlani said,

    March 7, 2021 @ 11:08 PM

    બહુ જ ગીત ગમયું, ખુશીને શબ્દમાં વ્યકત નથી કરી શક તો, બસ વાહ,

  18. preetam lakhlani said,

    March 7, 2021 @ 11:10 PM

    આસ્વાદ પણ ગીત જેટલો જ ગમતાનો ગુલાલ છે.

  19. MAHESHCHANDRA NAIK said,

    March 15, 2021 @ 11:53 PM

    અત્યંત સંવેદનાશીલ રચના,
    તેં રોપી શું કામ …..
    બહુ મોટી વાત કરી દીધી …..
    કવિશ્રીને અભિનદન….

  20. MAHESHCHANDRA NAIK said,

    March 15, 2021 @ 11:54 PM

    અત્યંત સંવેદનાશીલ રચના,
    તેં રોપી શું કામ …..
    બહુ મોટી વાત કરી દીધી …..
    કવિશ્રીને અભિનદન….આસ્વાદ પણ એટ્લો જ સરસ્….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment