નીંદર – જયંત ડાંગોદરા
નીંદર વેડીને લીધા લખલૂટ ઉજાગરા ને ઝળઝળિયાં વેડીને રાત,
છાતીમાં વાંભ વાંભ ઉઝરડા ઊછળે પણ કરવી તો કોને જઈ વાત ?
સીંચણિયું બાંધીને આંસુ ઉલેચવાની રોજ કરું અણગમતી દાડી,
ઉપરથી એટલુંય ઓછું કંઈ હોય એમ લીલીછમ રાખવાની વાડી,
વેઠી વેઠાય નહીં એવી તે વેઠ જોવા ઊમટી છે સમણાંની નાત.
છાતીમાં વાંભ વાંભ…
તોળાતી છત પર જો તાકી રહું તો લાગે ખાલીખમ આંખોનો ભાર,
મીંચી દઉં પળભર તો ખર ખર ખર ખરતો આ પાંપણમાં બાઝેલો ખાર,
અંધારું ઓઢાડી પોઢાડી દઉં હવે ઢોલિયામાં ઊકળતી જાત.
છાતીમાં વાંભ વાંભ…..
– જયંત ડાંગોદરા
પ્રિયજન છાતીમાં વાંભ વાંભ ઉછાળા મારે એવા કારા ઘાવ આપીને ગયો છે એને લઈને નાયિકાના ભાગે લખલૂટ ઉજાગરા વેઠવાનું આવ્યું છે. નાયિકાની રાતના કાળા આકાશમાં અગણિત તારાઓના ઝળહળાટનું સ્થાન ઝળઝળિયાંઓએ લીધું છે. સીંચણિયું તો બાંધ્યું છે પણ જીવતરના કૂવામાંથી મિલનના અમરતના સ્થાને ઝેર જેવાં આંસુ ઉલેચવાની ફરજ પડી છે. રોજેરોજની આવી નોકરી ગમે તો કેમ, પણ માથે પડી છે તે કરવી પડે છે. ને આટલું ઓછું હોય એમ ઘરસંસાર પણ વ્યવસ્થિત રાખવાનો. ભીતરના ભાવસંચરણનો કોઈને અણસારેય ન આવવો જોઈએ. પ્રીતમની અનુપસ્થિતિમાં છત સામે તાકી રહે તો ખાલી આંખોનો બોજ અનુભવાય છે અને આંખો મીંચે તો ખર ખર ખર ખારાં આંસુ વહેવા માંડે છે. પળ-ભર-ખર-ખર-ખર-ખર(તો)-ખાર : આ વર્ણસગાઈ એવી સરસ રીતે પ્રયોજાઈ છે કે આંસુ રીતસર ટપ ટપ ટપકતાં હોવાનું અનુભવાયા વિના રહેતું નથી.
Mayurika Leuva-Banker said,
November 23, 2023 @ 11:48 AM
વાહ વાહ… સુંદર ગીત.
નરેશ કાપડીઆ said,
November 23, 2023 @ 12:14 PM
ભાવવાહી ગીત.. વિપુલ અને પ્રભાવિત શબ્દભંડોળથી ભાષા વૈભવ વર્તાય છે. કવિને અને તેનું બહુ જ સરસ રસપાન કરાવનાર કર્તાને પણ અભિનંદન.
કિશોર બારોટ said,
November 23, 2023 @ 12:23 PM
બહુજ સુંદર અભિવ્યક્તિ. 👌
Jayant Dangodara . said,
November 23, 2023 @ 12:59 PM
મારા ગીતને લયસ્તરો પર સ્થાન આપવા માટે આભારી છું વિવેકભાઈ .આપની આસ્વાદક નોંધ પણ પ્રેરક છે.
Vimal Agravat said,
November 23, 2023 @ 1:07 PM
વાહ દોસ્ત જયંત,
ગીત ખૂબ જ ગમ્યું
JATUSH said,
November 23, 2023 @ 1:09 PM
વાહ
JATUSH said,
November 23, 2023 @ 1:09 PM
વાહ
હરીશ દાસાણી said,
November 23, 2023 @ 1:09 PM
ભાવ અને ઉત્કટ આવેગની સુંદર અભિવ્યકિત
શ્વેતા તલાટી said,
November 23, 2023 @ 1:22 PM
વાહહહહ….
બાબુ સંગાડા said,
November 23, 2023 @ 1:30 PM
એક વિરહમાં ઝૂરતી નાયિકાની મનોવ્યથા ખૂબ સુંદર રીતે
કાવ્યમાં અંકિત થયેલી છે.તેમા વિવેકભાઈએ ખૂહ સુંદર આસ્વાદ
કરાવ્યો છે.
Minesh Patel said,
November 23, 2023 @ 1:31 PM
Excellent
Pravinsinh Rathod said,
November 23, 2023 @ 1:37 PM
સાહેબ, હરહંમેશ ની જેમ કાવ્ય પઠન કરતા, અનુભવતા હોય એવું અદભૂત સર્જન.
શહેરની ભાગદોડની વચ્ચે લાગણીઓ નો થાકલો .
DEVDATT PANDYA said,
November 23, 2023 @ 1:38 PM
વાહ
જયંતભાઈ
ભાવથી છલોછલ ગીત
સતીશકુમાર બારેવડીયા said,
November 23, 2023 @ 1:41 PM
અદ્દભુત રસાસ્વાદ…
Yogesh pandya said,
November 23, 2023 @ 1:50 PM
અદ્ભૂત ગીત રચના..
ઝળઝળિયાં વેડીને રાત..જેવા અદ્ભૂત કલ્પનો અને અંધારું ઓઢાડી પોઢાડી ..જેવા અલંકાર અને પ્રતીક કાવ્ય ને અનોખી ઊંચાઈ બક્ષે છે..
ખૂબ ખૂબ અભિનંદન
યોગેશ પંડયા said,
November 23, 2023 @ 1:50 PM
અદ્ભૂત ગીત રચના..
ઝળઝળિયાં વેડીને રાત..જેવા અદ્ભૂત કલ્પનો અને અંધારું ઓઢાડી પોઢાડી ..જેવા અલંકાર અને પ્રતીક કાવ્ય ને અનોખી ઊંચાઈ બક્ષે છે..
ખૂબ ખૂબ અભિનંદન
Paresh vakani said,
November 23, 2023 @ 2:24 PM
વાહ ખૂબ જ સરસ જયંતભાઈ
Varij Luhar said,
November 23, 2023 @ 2:39 PM
વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ
Keharbhai Sasukiya said,
November 23, 2023 @ 3:13 PM
ખૂબ જ ભાવપૂર્ણ અને રસથી ભરપૂર એવા તળપદા શબ્દો
ખૂબ જ સરસ,,👌👌👌
Hitesh Pandya said,
November 23, 2023 @ 4:11 PM
વાહ ! જયંતભાઈ, બહુ સરસ 👌👌👌
ચેનમ said,
November 24, 2023 @ 9:39 PM
લયના હળવા હલકારે મજાનું અને આસ્વાદ્ય ગીત બન્યું છે.
Dr. ushaben Gamit said,
December 2, 2023 @ 10:55 PM
ખુબ સરસ રચના અભિનદન